અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
અમદાવાદ
ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી આ નવરાત્રિએ નવા ગુજરાતી ગરબા ગીત ‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે દર્શકો સમક્ષ આવી રહી છે. પરંપરાગત ગરબાની ઊર્જા અને આધુનિક સંગીત-વિઝ્યુઅલ્સના સંગમ સાથે તૈયાર થયેલા આ ગીતમાં મેઘનાનો અભિનય, ડાન્સ, અભિવ્યક્તિ અને સ્ક્રીન પ્રેઝન્સ મુખ્ય આકર્ષણ બનશે.
પિક્સેલ પોપ મીડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ગીત સારેગામાના પ્લેટફોર્મ પર રજૂ થયું છે. ગીતમાં મેઘના પરંપરાગત ગુજરાતી લુકથી લઈને ઊર્જાસભર ગરબા અને વિવિધ અભિવ્યક્તિઓ સાથે એક નવા અંદાજમાં જોવા મળે છે. ગુજરાતી સંસ્કૃતિની ઝલક જાળવી રાખીને આજની નવી પેઢીને આકર્ષે તેવી આધુનિક રજૂઆત ગીતમાં કરવામાં આવી છે.
પોતાની નવી સફર અંગે મેઘના સંઘાણીએ જણાવ્યું હતું કે, ‘ઘેરદાર ઘમ્મરિયા’ માત્ર એક ગીત નથી, પરંતુ મારા જીવનની એક નવી શરૂઆત છે. ડાન્સ અને અભિનય હંમેશાંથી મારા દિલની ખૂબ નજીક રહ્યાં છે અને હવે તેને મોટા સ્તરે દર્શકો સમક્ષ રજૂ કરવાની તક મળી છે. હું ઇચ્છું છું કે લોકો આ ગીત દ્વારા માત્ર ‘ઘેરદાર ઘમ્મરિયા’ને જ નહીં, પરંતુ એક કલાકાર તરીકે મને પણ ઓળખે અને મારા કામ સાથે જોડાય.’
મેઘનાએ વધુમાં જણાવ્યું હતું કે નવરાત્રિ અને ગરબા સાથે દરેક ગુજરાતીનું ખાસ ભાવનાત્મક જોડાણ છે. તેથી પોતાની નવી સફરની શરૂઆત ગરબા ગીતથી થઈ રહી છે તે તેમના માટે વિશેષ છે. તેમણે પ્રિન્સ ગુપ્તા સાથે કામ કરવાનો અનુભવ અદભૂત ગણાવ્યો હતો. જ્હાનવી શ્રીમાંકરના અવાજ, કેદાર-ભાર્ગવના સંગીત અને પાર્થ તારપરાના શબ્દોથી ગીતને મળેલી ઊર્જાને સ્ક્રીન પર રજૂ કરવાની તકને તેણે યાદગાર અનુભવ ગણાવ્યો હતો.
પિક્સેલ પોપ મીડિયાના ડિરેક્ટર અક્ષય સિંગે જણાવ્યું હતું કે ‘ઘેરદાર ઘમ્મરિયા’ને ભવ્ય અને યાદગાર ગરબા સોંગ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેઘનાએ અભિનય, નૃત્ય અને અભિવ્યક્તિ દ્વારા ગીતની ઊર્જાને સુંદર રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. તેમની સ્વાભાવિક સ્ક્રીન પ્રેઝન્સ અને ગરબા સાથેનું જોડાણ ગીતના વિઝ્યુઅલ્સને વધુ અસરકારક બનાવે છે.
‘ઘેરદાર ઘમ્મરિયા’નું ડાયરેક્શન અને કોરિયોગ્રાફી જાણીતા કોરિયોગ્રાફર પ્રિન્સ ગુપ્તાએ કર્યું છે. જાણીતી ગાયિકા જ્હાનવી શ્રીમાંકરએ ગીતને પોતાનો અવાજ આપ્યો છે. કેદાર-ભાર્ગવે સંગીત આપ્યું છે, જ્યારે પાર્થ તારપરાએ ગીતના શબ્દો લખ્યા છે. સમગ્ર ટીમના સર્જનાત્મક પ્રયાસોને મેઘનાના ડાન્સ અને અભિનયે સ્ક્રીન પર જીવંત બનાવ્યા છે.
ગીતની ખાસિયતો
- ગીત: ઘેરદાર ઘમ્મરિયા
- કલાકાર: મેઘના સંઘાણી
- ડાયરેક્શન અને કોરિયોગ્રાફી: પ્રિન્સ ગુપ્તા
- ગાયિકા: જ્હાનવી શ્રીમાંકર
- સંગીત: કેદાર-ભાર્ગવ
- ગીતકાર: પાર્થ તારપરા
- નિર્માણ: પિક્સેલ પોપ મીડિયા
- પ્લેટફોર્મ: સારેગામા
‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે મેઘના સંઘાણી પોતાની કલાત્મક સફરના નવા અધ્યાયની શરૂઆત કરી રહી છે. નવરાત્રિના રંગ, ગુજરાતી સંસ્કૃતિ અને આધુનિક મ્યુઝિક-વિઝ્યુઅલ્સના સંગમ સાથે તૈયાર થયેલું આ ગીત તેમને અભિનેત્રી અને ડાન્સર તરીકે દર્શકો સમક્ષ નવી ઓળખ સાથે રજૂ કરે છે.
