અમરેલીથી ન્યુ યોર્ક અને યુરોપ સુધીની ડાન્સ સફર બાદ હવે સ્ક્રીન પર ડેબ્યુ; પરિવારના સપોર્ટ અને પિતાની શીખ વિશે મેઘનાએ વાત કરી
અમદાવાદ
ડાન્સને પોતાની ઓળખ બનાવનાર મેઘના સંઘાણી હવે સ્ક્રીન પર પોતાના નવા અવતારમાં જોવા મળશે. કન્ટેમ્પરરી ડાન્સમાં પ્રોફેશનલ તાલીમ મેળવનારી મેઘનાએ અમદાવાદથી ન્યુ યોર્ક અને યુરોપ સુધી ડાન્સની તાલીમ તથા વિવિધ સંસ્કૃતિઓનો અનુભવ મેળવ્યો છે. પોતાના પ્રથમ સ્ક્રીન ડેબ્યુ, પરિવારના સહકાર અને પિતા દિલીપ સંઘાણી પાસેથી મળેલી જીવનની શીખ અંગે મેઘનાએ ખાસ વાતચીત કરી હતી.
અગાઉ ક્યારેય સ્ક્રિન પર કામ કર્યું ન હોવાનું જણાવી મેઘનાએ કહ્યું કે, આ મારું પહેલી વખતનું સ્ક્રીન પ્રેઝન્સ છે. મેં અગાઉ નાની-મોટી જાહેરાતો અને વિવિધ પ્રકારના કામ કર્યા છે, પરંતુ આ પ્રકારના અને આ લેવલના પ્રોડક્શનમાં પહેલી વખત કામ કર્યું છે. મારા માટે આ ખરેખર ડેબ્યુ છે અને પહેલી વખત હું આ રીતે સ્ક્રીન પર બહાર આવી રહી છું.
આ અગાઉ ક્યારેય અભિનય ક્ષેત્રે કોઈ કમ કર્યુ છે કે કેમ એ અંગે મેઘનાએ કહ્યું, નહીં, મેં કોઈ સિરિયલમાં કામ કર્યું નથી. આ મારું ડેબ્યુ છે. જોકે સ્ટેજ પર ઘણા બધા ડાન્સ પર્ફોર્મન્સ કર્યા છે. હું ટ્રેઇન્ડ પ્રોફેશનલ કન્ટેમ્પરરી ડાન્સર છું. ડાન્સ મારા જીવનનો મહત્વનો હિસ્સો રહ્યો છે.
ડાન્સની તાલીમ બાબતે કલાકારે કહ્યું, મેં અમદાવાદમાં ઘણું બધું શીખ્યું છે. ડાન્સિંગ ઈન્ડિયામાંથી ડિપ્લોમા પણ લીધો છે. ત્યાર બાદ હું ન્યુ યોર્ક ગઈ હતી, જ્યાં પેરી ડાન્સની કન્ટેમ્પરરી કંપનીમાં ડાન્સ શીખ્યો. ત્યાં વર્કશોપ પણ કર્યા.
ડાન્સ અંગે તે વધુમાં કહે છે કે, મને હંમેશાં એ જાણવાની ઉત્સુકતા રહી છે કે દુનિયાના અલગ-અલગ ભાગોમાં ડાન્સનું કલ્ચર કેવું છે અને લોકો ડાન્સને કેવી રીતે જુએ છે. તેથી યુરોપ સહિત અલગ-અલગ જગ્યાએ ફરીને વિવિધ સંસ્કૃતિઓને સમજવાનો પ્રયાસ કર્યો. છેલ્લા બે વર્ષ દરમિયાન મેં ઘણું બધું એક્સપ્લોર કર્યું. પાછી આવી ત્યારે મને મારી ઊર્જાને યોગ્ય દિશામાં ચેનલાઈઝ કરવાનો રસ્તો મળ્યો.
પિતા દિલીપ સંઘાણીની રાજકીય કારકિર્દી ખૂબ મોટી રહી છે. એક તરફ તેમની જાહેરજીવનની સફર અને બીજી તરફ કલાનો રસ્તો છે. તો આ પસંદગી પાછળ શું કારણ છે? એ બાબતે મેઘનાએ કહ્યું કે, કારણ એક જ છે—હું કલાકાર છું. મને લાગે છે કે હું કલા માટે જ બની છું. બીજી કોઈ વસ્તુ કરતાં કલા સાથે હું સૌથી વધુ જોડાયેલી અનુભવું છું.
મારા પપ્પાએ હું બહુ નાની હતી ત્યારે મને એક ખૂબ જ સરસ વાત શીખવી હતી. હું કદાચ ત્રીજા કે ચોથા ધોરણમાં હતી ત્યારે મેં તેમને પૂછ્યું હતું કે સફળ થવા માટે શું કરવું જોઈએ? માણસ સફળ કેવી રીતે થાય? ત્યારે પપ્પાએ મને કહ્યું હતું કે, “મેઘા, સફળ થવું હોય તો કાં તો ગમતું કામ કરવું જોઈએ અને કાં તો કામને ગમતું કરવું જોઈએ. આ પસંદગી તારે કરવાની છે.”
તેમની આ વાત મારી સાથે હંમેશાં રહી છે. જીવનના દરેક તબક્કે મેં મારું ગમતું કામ કરવાની અને કોઈ કામમાં કંઈ ન ગમતું હોય તો તેને ગમતું બનાવવાની કોશિશ કરી છે.
આ ક્ષેત્રમાં આવવાનો નિર્ણય કર્યો ત્યારે પરિવારનો પ્રતિભાવ કેવો હતો?એ અંગે મેઘનાએ કહ્યું કે, મારા પરિવારે હંમેશાં મને ખૂબ સપોર્ટ કર્યો છે. મારા સપના જોવાથી લઈને તેને જીવવા સુધી અને મને જે કરવું હોય તે કરવા માટે તેઓ હંમેશાં મારી સાથે રહ્યા છે. તેઓ મારા દરેક નિર્ણયમાં ખૂબ જ સપોર્ટિવ રહ્યા છે.
મને મારું ગમતું કામ કરવાની તક મળી રહી છે તેનાથી તેઓ પણ ખૂબ ખુશ છે. પરિવારનો આ સહકાર મારા માટે ખૂબ મહત્વનો છે.
અમરેલીમાં કેટલો સમય ગાળ્યો એના પર મેઘનાએ કહ્યું, હું પાંચમા ધોરણ સુધી અમરેલીમાં રહી હતી. ત્યાર બાદ છઠ્ઠા ધોરણથી અમે ત્યાંથી શિફ્ટ થયા. પપ્પા મંત્રી બન્યા બાદ અમારું સ્થળાંતર થયું.
પિતાની કારકિર્દી અને જાહેરજીવનની ઓળખ ખૂબ મોટી છે. શું ક્યારેય તેમના ક્ષેત્રમાં આવવાનો વિચાર આવ્યો હતો? એ અંગે કલાકારે કહ્યું, નહીં. મેં ક્યારેય એ દિશામાં વિચાર્યું નથી. મારી પોતાની ઓળખ અને મારી પોતાની દુનિયા કલા અને ડાન્સ છે. મને જે ક્ષેત્ર ગમે છે તેમાં જ હું મારી ઊર્જા અને સર્જનાત્મકતાને આગળ લઈ જવા માગું છું.
