સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા; મુખ્ય પરેડના સ્થળનું નિરીક્ષણ કરી અધિકારીઓને આપ્યાં જરૂરી સૂચનો
રાજપીપળા
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ સાથે હળવાશભર્યો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. બીજી તરફ, આગામી 31 ઓક્ટોબર, 2026ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વતૈયારીઓની પણ તેમણે સમીક્ષા કરી હતી.
પ્રવાસીઓ સાથે સેલ્ફી લઈ મુખ્યમંત્રીએ વધાર્યો ઉત્સાહ
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સેલ્ફી લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રવાસીઓના આગ્રહને માન આપીને મુખ્યમંત્રીએ તેમની સાથે સહજતાથી મુલાકાત કરી હતી. આ દરમિયાન અનેક પ્રવાસીઓએ મુખ્યમંત્રી સાથે સેલ્ફી લઈને આ યાદગાર ક્ષણોને પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.
ઉત્તર પ્રદેશના વારાણસીથી પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા સ્વાતી શ્રીવાસ્તવ માટે આ પ્રસંગ વિશેષ યાદગાર બની રહ્યો હતો. તેમનો જન્મદિવસ હોવાથી મુખ્યમંત્રી સાથે સેલ્ફી લેવાની તક તેમના માટે આનંદની ભેટ સમાન બની હતી. સ્વાતી શ્રીવાસ્તવે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે મારો જન્મદિવસ છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સાથે સેલ્ફી લઈને મેં મારા દિવસને યાદગાર બનાવ્યો છે.”
મુખ્યમંત્રી સાથેના આ સંવાદમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ સહભાગી થયા હતા. પ્રવાસીઓ સાથેની આ આત્મીય મુલાકાતે એકતા પ્રકાશ પર્વના ઉત્સાહમાં વિશેષ ઉમેરો કર્યો હતો. દેશની એકતા, સાંસ્કૃતિક વિવિધતા અને પરસ્પર સૌહાર્દનો સંદેશ આપતા આ પ્રસંગે પ્રવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની સમીક્ષા
એકતા પ્રકાશ પર્વના શુભારંભ પ્રસંગે એકતાનગર પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય વન ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી 31 ઓક્ટોબરે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના વિવિધ કાર્યક્રમો, આયોજન અને વહીવટી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ઉજવણી સુચારુ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યાં હતાં.
મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય પરેડ યોજાનારા સ્થળની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, કાર્યક્રમમાં ભાગ લેનારા મહાનુભાવો અને મુલાકાતીઓની સુવિધા, સુરક્ષા તથા અન્ય વ્યવસ્થાઓ અંગે પણ સમીક્ષા કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિની ઉજવણીને ભવ્ય અને વ્યવસ્થિત બનાવવા માટે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કામગીરીની વિગતો મેળવી હતી.
સુરવા હેલિપેડ પર મુખ્યમંત્રીનું સ્વાગત
એકતાનગર ખાતે એકતા પ્રકાશ પર્વ-2026ના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નર્મદા જિલ્લાના સુરવા હેલિપેડ ખાતે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એકતાનગરના વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે પણ પદાધિકારીઓ અને આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, પ્રવાસન વિભાગના સચિવ કુલદીપ આર્ય, માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયા, જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
એકતા પ્રકાશ પર્વની ઉજવણી અને રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓના આ આયોજનથી એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સરદાર પટેલના એક ભારતના સંકલ્પને ઉજાગર કરવાની દિશામાં ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો છે.
