રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૬: સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ તેજ

Spread the love

૨૦૧૮થી ૨૦૨૫ સુધીની તસવીરોમાં કેદ થઈ રાષ્ટ્રીય એકતા દિવસની ઐતિહાસિક સફર; આ વર્ષે એકતાનગરમાં ૨૫ હજાર લોકોની સહભાગિતા સાથે ભવ્ય ઉજવણીનું આયોજન, ૧૦ હજાર જવાનોની પરેડ અને ૪,૭૦૦ કલાકારો રજૂ કરશે ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઝાંખી

એકતાનગર:

ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની તૈયારીઓ વચ્ચે વર્ષ ૨૦૧૮થી ૨૦૨૫ સુધીની ઉજવણીની યાદગાર પળો ફરી જીવંત બની છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભવ્ય પૃષ્ઠભૂમિમાં યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોની તસવીરો દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રગૌરવની આઠ વર્ષની ઐતિહાસિક સફરને કાયમી સંભારણાં તરીકે રજૂ કરે છે.

નવરાત્રિના આઠમા નોરતાના પાવન અવસરે એકતાનગરમાં સરદાર પટેલના અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતી આ યાદગાર સફરની તસવીરો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૨૫ દરમિયાન યોજાયેલા કાર્યક્રમોની તસવીરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ, સરદાર પટેલને અર્પણ કરવામાં આવેલી પુષ્પાંજલિ, સુરક્ષા દળોની શિસ્તબદ્ધ એકતા પરેડ અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ જેવી ઐતિહાસિક પળો કંડારાયેલી છે.

તસવીરોમાં દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ

રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. દેશના વિલીનીકરણ અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવામાં સરદાર પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરવા માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આ રાષ્ટ્રીય પર્વને વિશેષ ગૌરવ અને ઓળખ પ્રદાન કરે છે.

છેલ્લાં આઠ વર્ષ દરમિયાન યોજાયેલા કાર્યક્રમોની તસવીરો માત્ર સરકારી ઉજવણીની ઝલક પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતની વિવિધતામાં એકતા, રાષ્ટ્રીય સમર્પણ અને સામૂહિક સંકલ્પની ભાવનાને પણ ઉજાગર કરે છે. પરેડમાં સુરક્ષા દળોની શિસ્ત, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશનાં વિવિધ પ્રદેશોની પરંપરાઓ અને સરદાર પટેલને આપવામાં આવતી શ્રદ્ધાંજલિ રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ પ્રબળ બનાવે છે.

આ વર્ષે ૨૫ હજાર લોકોની સહભાગિતા સાથે ભવ્ય આયોજન

રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની ઉજવણીને ભવ્ય અને યાદગાર બનાવવા માટે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ વર્ષે આશરે ૨૫ હજાર લોકો ઉજવણીમાં સહભાગી બનશે. પોલીસ અને અર્ધલશ્કરી દળોના આશરે ૧૦ હજાર જવાનોની શિસ્તબદ્ધ પરેડ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે.

આ ઉપરાંત, દેશનાં વિવિધ રાજ્યોના આશરે ૪,૭૦૦ કલાકારો સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ‘એકતામાં વિવિધતા’ની ભાવનાને રજૂ કરશે. વિવિધ પ્રદેશોના લોકનૃત્યો, પરંપરાગત કલાઓ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ દ્વારા ભારતની વૈવિધ્યસભર ઓળખને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ભવ્યતા વચ્ચે યોજાનારી આ ઉજવણી રાષ્ટ્રીય એકતાના સંદેશને દેશના ખૂણેખૂણે પહોંચાડવાની સાથે નવી પેઢીને સરદાર પટેલના જીવન, કાર્ય અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનથી પરિચિત કરાવવાની તક પણ પૂરી પાડશે.

એકતા પરેડમાં જોડાવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન

રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રગૌરવના આ મહાપર્વમાં નાગરિકો પણ સહભાગી બની શકે તે માટે વિશેષ વેબસાઇટ www.rashtriyaektadiwas.com શરૂ કરવામાં આવી છે. એકતા પરેડમાં જોડાવા ઇચ્છુક નાગરિકો આ વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન દરમિયાન જરૂરી માહિતી ભરીને આવશ્યક દસ્તાવેજો અપલોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતનું જે સ્વપ્ન જોયું હતું, તેને યાદ કરી રાષ્ટ્રીય એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો આ અવસર છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૨૫ સુધીની તસવીરોમાં સચવાયેલી ઐતિહાસિક પળો અને વર્ષ ૨૦૨૬ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ભારતની એકતા અને અખંડિતતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરી ઉજાગર કરે છે. નાગરિકોને આ ગૌરવપૂર્ણ પર્વમાં સહભાગી બની રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના સંકલ્પને મજબૂત બનાવવા આહ્વાન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *