અમદાવાદમાં 23 ઑક્ટોબરથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો પ્રારંભ

Spread the love

13 દેશોના 400થી વધુ ખેલાડીઓ 62 મુકાબલામાં અજમાવશે દમ; પુરુષ ટીમની કમાન સુરજીત સિંહને, મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશેઃ 2030ની અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ પહેલાં કબડ્ડીને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો પ્રયાસ; 31 ઑક્ટોબરે બંને વર્ગની ફાઇનલ રમાશે

અમદાવાદ

ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ કહી શકાય તેવી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. આગામી 23થી 31 ઑક્ટોબર દરમિયાન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 13 દેશોની ટીમો ભાગ લેશે. નવ દિવસ સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપમાં પુરુષ અને મહિલા એમ બંને વર્ગમાં રોમાંચક મુકાબલા જોવા મળશે. આ સ્પર્ધા દ્વારા કબડ્ડીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ લોકપ્રિય બનાવવાની સાથે અમદાવાદની આંતરરાષ્ટ્રીય રમતોત્સવના આયોજનની ક્ષમતા પણ પ્રદર્શિત થશે.

એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઑફ ઇન્ડિયા (AKFI) દ્વારા ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન (IKF)ની મંજૂરી સાથે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં કુલ 23 ટીમો ભાગ લેશે અને 400થી વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવશે. સ્પર્ધા દરમિયાન કુલ 62 મેચ રમાશે, જેમાં પુરુષ વર્ગમાં 39 અને મહિલા વર્ગમાં 23 મુકાબલાનો સમાવેશ થાય છે. આ ચેમ્પિયનશિપના અંતે બંને વર્ગમાં પ્રથમ કોમનવેલ્થ ચેમ્પિયન ટીમનો તાજ પહેરાવવામાં આવશે.

બુધવારે ચેમ્પિયનશિપની સત્તાવાર જાહેરાત સાથે ટુર્નામેન્ટની જર્સી, ટીમના સુકાનીઓ, સત્તાવાર ગીત, લોગો અને મેસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ભારતીય પુરુષ કબડ્ડી ટીમની જવાબદારી સુરજીત સિંહને સોંપવામાં આવી છે, જ્યારે નવીન કુમાર વાઇસ કેપ્ટન તરીકે ટીમને સહયોગ આપશે. બીજી તરફ, મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશે અને રિતુ વાઇસ કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવશે. ભારતીય ટીમો પાસેથી ઘરઆંગણે શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ ચેમ્પિયનશિપમાં ભારત ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, નાઇજીરિયા, કેન્યા, તાન્ઝાનિયા, કેનેડા, સિંગાપોર, મલેશિયા, યુગાન્ડા, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઑસ્ટ્રેલિયાની ટીમો ભાગ લેશે. વિવિધ દેશોના ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધા કબડ્ડીના આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. 30 ઑક્ટોબરે પુરુષ અને મહિલા વર્ગની સેમિફાઇનલ રમાશે, જ્યારે 31 ઑક્ટોબરે બંને વર્ગની ફાઇનલ સાથે ચેમ્પિયનશિપનું સમાપન થશે.

એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઑફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી જિતેન્દ્ર પ્રાણસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, અમદાવાદમાં પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનું આયોજન થવું ભારતીય કબડ્ડી માટે ગૌરવની ક્ષણ છે. આ સ્પર્ધા દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર કબડ્ડીની રમતની કુશળતા, જુસ્સો અને સ્પર્ધાત્મક ક્ષમતાને પ્રદર્શિત કરવાની તક મળશે.

ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનના જનરલ સેક્રેટરી તેજસ્વી ગેહલોતે જણાવ્યું હતું કે, આ ચેમ્પિયનશિપ કબડ્ડીની આંતરરાષ્ટ્રીય પહોંચ વધારવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. કોમનવેલ્થના વિવિધ દેશોની ટીમોને એક મંચ પર લાવવાથી ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની અને આ રમતને વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચાડવાની નવી તક મળશે.

અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં આ ચેમ્પિયનશિપનું આયોજન વિશેષ મહત્ત્વ ધરાવે છે. કબડ્ડીને કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન અપાવવાની સંભાવનાઓને મજબૂત કરવા અને રમતને વૈશ્વિક ઓળખ અપાવવા માટે આ સ્પર્ધા ઉપયોગી સાબિત થઈ શકે છે.

**“વન બ્રેથ. વન રેઇડ. વન કોમનવેલ્થ”**ની થીમ સાથે યોજાનારી આ ચેમ્પિયનશિપનું જીવંત પ્રસારણ JioHotstar પર થશે, જ્યારે ટેલિવિઝન પર Star Sports દ્વારા પ્રસારણ કરવામાં આવશે. મેદાનમાં બેસીને મેચ નિહાળવા ઇચ્છતા દર્શકો માટે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ટિકિટ Thumpn પ્લેટફોર્મ પર નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *