સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં | દેશના 17 ડિરેક્ટોરેટ્સના કેડેટ્સ સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક પરેડ માટે સજ્જ | 31 ઑક્ટોબરે 148 કેડેટ્સ માર્ચપાસ્ટ અને 45 બેન્ડમાં ભાગ લેશે
રાજપીપલા
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર, 2026ના રોજ ઉજવાનારા રાષ્ટ્રીય એકતા દિવસને લઈને એકતાનગરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક આવેલા GNLA, રાજપીપળા ખાતે દેશભરના 17 NCC ડિરેક્ટોરેટ્સના કુલ 205 કેડેટ્સ એકત્રિત થયા છે. આ કેડેટ્સ રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય પરેડમાં ભાગ લેવા માટે સઘન પ્રેક્ટિસ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં NCC કેડેટ્સની પરેડ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારી આ ઉજવણીમાં દેશના વિવિધ પ્રદેશો, ભાષાઓ અને સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા યુવાનો એક જ ગણવેશમાં, એક જ લય અને શિસ્ત સાથે રાષ્ટ્રની એકતાનો સંદેશ આપશે.
સ્ટેચ્યુ ઑફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં પરેડની પ્રેક્ટિસ
પરેડની તૈયારીના ભાગરૂપે NCC કેડેટ્સે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રાથમિક પ્રેક્ટિસ કરી હતી. સરદાર પટેલની ભવ્ય પ્રતિમાની પૃષ્ઠભૂમિમાં કેડેટ્સના તાલબદ્ધ કદમ, અડગ શિસ્ત અને સચોટ સંકલનનો નજારો જોવા મળ્યો હતો. દરેક કેડેટની હિલચાલમાં એકરૂપતા, સમયપાલન અને ટીમ સ્પિરિટ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
પરેડની પ્રેક્ટિસ દરમિયાન કેડેટ્સ દ્વારા કરવામાં આવતી મહેનત અને સમર્પણ તેમની રાષ્ટ્રસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા યુવાનો એકસાથે તાલીમ મેળવી રહ્યા છે, જે ભારતની વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરે છે.
માર્ચપાસ્ટમાં 148 અને બેન્ડમાં 45 કેડેટ્સ જોડાશે
31 ઑક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં કુલ 205 NCC કેડેટ્સમાંથી 148 કેડેટ્સ માર્ચપાસ્ટમાં ભાગ લેશે, જ્યારે 45 કેડેટ્સ બેન્ડમાં પોતાની રજૂઆત કરશે. બાકીના 12 કેડેટ્સને રિઝર્વમાં રાખવામાં આવશે. આ રીતે પરેડમાં માર્ચપાસ્ટ, બેન્ડ અને રિઝર્વ સહિત તમામ કેડેટ્સની ભૂમિકા નિર્ધારિત કરવામાં આવી છે.
NCCનું સૂત્ર ‘એકતા અને શિસ્ત’ કેડેટ્સની તાલીમ અને પરેડની તૈયારીઓમાં જીવંત બનતું જોવા મળે છે. પ્રેક્ટિસ દરમિયાન તેમની એકાગ્રતા, સમયપાલન, પરસ્પર સહકાર અને શિસ્તબદ્ધ વર્તન નોંધપાત્ર છે. આ તાલીમ માત્ર પરેડ પૂરતી મર્યાદિત નથી, પરંતુ યુવાનોમાં નેતૃત્વ, જવાબદારી, દેશપ્રેમ અને સામૂહિક કાર્યક્ષમતાના ગુણો વિકસાવવામાં પણ મહત્ત્વપૂર્ણ છે.
‘17 ડિરેક્ટોરેટ્સ, એક રાષ્ટ્ર, એક ભાવના’
એકતાનગરમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન NCC કેડેટ્સની પરેડ દેશની એકતા, અખંડિતતા અને યુવા શક્તિનું ગૌરવપૂર્ણ પ્રતીક બનશે. સરદાર પટેલે દેશનાં વિવિધ રજવાડાંને એકત્રિત કરીને અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમની જન્મજયંતિએ યોજાતી આ પરેડ યુવા પેઢીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપશે.
સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં તાલબદ્ધ કદમો સાથે આગળ વધતા NCC કેડેટ્સ જાણે એક જ સંદેશ આપી રહ્યા છે—‘17 ડિરેક્ટોરેટ્સ, એક રાષ્ટ્ર, એક ભાવના.’ રાષ્ટ્રીય એકતા દિવસની આ ઉજવણીમાં યુવાનોની શિસ્ત, સમર્પણ અને દેશસેવાની ભાવના વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનવાની છે.
