હીરામણિ નર્સરી-કે.જી.ના ભૂલકાંઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલોના ચહેરા પર રેલાવ્યું સ્મિત

Spread the love

બાળગીતો, ભજનો અને વડીલોની જીવનકથાઓ વચ્ચે બે પેઢીઓ વચ્ચે સર્જાયો લાગણીસભર સેતુ; બાળકોએ વડીલો પ્રત્યે આદર, પ્રેમ અને કાળજી રાખવાનો સંદેશ મેળવ્યો

અમદાવાદ:

હીરામણિ સ્કૂલના નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓએ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)ની મુલાકાત લઈને ત્યાં વસવાટ કરતા વડીલો સાથે આનંદ અને લાગણીસભર સમય વિતાવ્યો હતો. બાળકોની નિર્દોષ હાસ્યની કિલકારીઓ, મધુર બાળગીતો અને ભક્તિભાવપૂર્ણ ભજનોથી વૃદ્ધાશ્રમનું વાતાવરણ આનંદમય બની ગયું હતું.

આ મુલાકાત દરમિયાન બાળકોએ વૃદ્ધાશ્રમના દાદા-દાદી સાથે આત્મીયતાભર્યો સંવાદ કર્યો હતો. વડીલોએ બાળકોને પોતાની બાળપણની યાદો અને જીવનના અનુભવો સાથે જોડાયેલી રસપ્રદ વાર્તાઓ સંભળાવી હતી, જેને બાળકોએ ખૂબ જ ઉત્સુકતાથી સાંભળી હતી. આ સાથે બાળકોએ વડીલો સાથે મળીને મધુર બાળગીતો ગાયાં હતાં અને ભાવપૂર્ણ ભજનોની પ્રસ્તુતિ કરી હતી.

નાનાં ભૂલકાંઓના નિર્દોષ સ્મિત અને પ્રેમભર્યા સહવાસથી વડીલોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. આ પ્રસંગે ક્યાંક હાસ્યની છોળો ઊડી હતી તો ક્યાંક લાગણીના આંસુ સાથે હૃદયસ્પર્શી ક્ષણો સર્જાઈ હતી.

આ મુલાકાત માત્ર એક શૈક્ષણિક પ્રવૃત્તિ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ બાળકો અને વડીલો વચ્ચે લાગણી, પ્રેમ અને આત્મીયતાનો સુંદર સેતુ બની હતી. બાળકોએ આ મુલાકાતના માધ્યમથી જીવનનો એક અત્યંત મહત્ત્વનો પાઠ શીખ્યો હતો કે પરિવાર અને સમાજમાં વડીલોનું વિશેષ સ્થાન છે. તેમનો આદર કરવો, તેમને પ્રેમ આપવો અને તેમની કાળજી રાખવી એ આપણી નૈતિક ફરજ છે.

ખરેખર, બે પેઢીઓને એકબીજાની નજીક લાવતી આ મુલાકાત સૌના હૃદયમાં સંભારણાં બનીને રહી ગઈ હતી. બાળપણમાં જ બાળકોમાં સંસ્કાર, સંવેદના અને વડીલો પ્રત્યે આદરની ભાવના કેળવવાનો હીરામણિ સ્કૂલનો આ પ્રયાસ પ્રશંસનીય બની રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *