નિયમિત HIV સારવાર સાથે સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગને જોડ્યું; 319 મહિલાઓમાં HPV સંક્રમણની પુષ્ટિ, 94 મહિલાઓમાં કેન્સર પૂર્વેની સ્થિતિ મળી આવી, જ્યારે એક મહિલામાં પ્રારંભિક તબક્કાનું કેન્સર ઓળખાયું
ગાંધીનગર
HIV સાથે જીવતી મહિલાઓને સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર)ના વધતા જોખમથી સુરક્ષિત રાખવા માટે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા એક મહત્વપૂર્ણ અને નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ HIV પોઝિટિવ મહિલાઓની નિયમિત HIV સારવારની સાથે HPV DNA આધારિત સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગને પણ સાંકળી લેવામાં આવ્યું છે. આ પહેલના પરિણામે અત્યારસુધીમાં 1,542 મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી 319 મહિલાઓમાં HPV સંક્રમણની પુષ્ટિ થઈ છે, જ્યારે 94 મહિલાઓમાં કેન્સર પૂર્વેની સ્થિતિ મળી આવી છે. આ ઉપરાંત, એક મહિલામાં સર્વાઇકલ કેન્સરનો પ્રારંભિક તબક્કો પણ ઓળખી કાઢવામાં આવ્યો છે.
GCRIની આ પહેલને દર્દીઓની સંભાળ અને આરોગ્યસેવા પ્રદાન કરવામાં શ્રેષ્ઠતા બદલ FICCI હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ 2026 અંતર્ગત ‘એક્સલન્સ ઇન પેશન્ટ કેર એન્ડ સર્વિસ ડિલિવરી’ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવી છે.
HIV પોઝિટિવ મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરનું જોખમ વધુ
HIV સાથે જીવતી મહિલાઓમાં હાઈ-રિસ્ક હ્યુમન પેપિલોમા વાયરસ (HPV)નું સંક્રમણ લાંબા સમય સુધી રહેવાની શક્યતા વધુ હોય છે. આ સંક્રમણ સર્વાઇકલ કેન્સર થવાનું એક મુખ્ય જોખમકારક પરિબળ છે. સામાન્ય મહિલાઓની સરખામણીએ HIV પોઝિટિવ મહિલાઓમાં આ કેન્સરનું જોખમ વધારે હોવાથી નિયમિત સ્ક્રીનિંગ અને વહેલું નિદાન અત્યંત જરૂરી બને છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને GCRI દ્વારા HIVની નિયમિત સારવાર સાથે જ સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ART સેન્ટર મારફતે આ પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ વ્યવસ્થાથી મહિલાઓને HIVની સારવાર દરમિયાન જ કેન્સરની તપાસની સુવિધા મળી રહે છે અને અલગથી તપાસ કરાવવા માટેની મુશ્કેલીઓ પણ ઘટે છે.
માર્ચ 2025થી શરૂ થયેલી પહેલનાં નોંધપાત્ર પરિણામો
GCRI દ્વારા માર્ચ 2025માં આ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્યારસુધીમાં હાથ ધરવામાં આવેલા સ્ક્રીનિંગ અને તપાસનાં પરિણામો આરોગ્યની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે.
પહેલ હેઠળ અત્યારસુધીની મુખ્ય સિદ્ધિઓ:
- 1,542 મહિલાઓનું સ્ક્રીનિંગ: HIV સાથે જીવતી કુલ 1,542 મહિલાઓનું HPV DNA ટેસ્ટિંગ કરવામાં આવ્યું.
- 319 મહિલાઓ HPV પોઝિટિવ: કુલ મહિલાઓમાંથી 319 એટલે કે 20.69 ટકા મહિલાઓમાં HPV સંક્રમણ જોવા મળ્યું.
- 1,223 મહિલાઓનો રિપોર્ટ નેગેટિવ: બાકીની મહિલાઓમાં HPV સંક્રમણ જોવા મળ્યું નથી.
- 150 મહિલાઓની કોલ્પોસ્કોપી: વધુ તપાસ અને મૂલ્યાંકન માટે 150 મહિલાઓની કોલ્પોસ્કોપી કરવામાં આવી.
- 94 મહિલાઓમાં કેન્સર પૂર્વેની સ્થિતિ: ગર્ભાશયના મુખ પર કેન્સર પૂર્વેના ફેરફારો એટલે કે CINના 94 કિસ્સા મળી આવ્યા.
- એક મહિલામાં કેન્સરની ઓળખ: એક મહિલામાં સર્વાઇકલ કેન્સરનો પ્રારંભિક તબક્કો ઓળખવામાં આવ્યો, જેના કારણે સમયસર તબીબી સારવાર શક્ય બની.
20.69 ટકા HPV પોઝિટિવિટી: સામાન્ય વસ્તી કરતાં નોંધપાત્ર રીતે વધુ
આ પહેલમાં સૌથી મહત્ત્વની બાબત HIV સાથે જીવતી મહિલાઓમાં નોંધાયેલો HPV પોઝિટિવિટીનો ઊંચો દર છે. GCRIના સ્ક્રીનિંગમાં 20.69 ટકા મહિલાઓ HPV પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
તેની સરખામણીએ ગુજરાતની શહેરી સામાન્ય વસ્તીમાં HPV પોઝિટિવિટીનો દર 4.82 ટકા અને ગ્રામ્ય સામાન્ય વસ્તીમાં 5.22 ટકા નોંધાયો છે. એટલે કે HIV પોઝિટિવ મહિલાઓમાં નોંધાયેલો દર સામાન્ય શહેરી અને ગ્રામ્ય વસ્તી કરતાં અનેક ગણો વધારે છે.
આ આંકડા સ્પષ્ટ કરે છે કે HIV સાથે જીવતી મહિલાઓ માટે લક્ષિત સ્ક્રીનિંગની વ્યવસ્થા કેટલી જરૂરી છે. નિયમિત તપાસના અભાવે કેન્સર પૂર્વેની સ્થિતિની ઓળખ કરવામાં વિલંબ થઈ શકે છે, જ્યારે સમયસર સ્ક્રીનિંગથી રોગની શરૂઆતના તબક્કે જ સારવારની દિશામાં આગળ વધી શકાય છે.
CINના 94 કિસ્સામાંથી 63 મહિલાઓમાં CIN-1
સ્ક્રીનિંગ દરમિયાન કેન્સર પૂર્વેની સ્થિતિ ધરાવતા 94 કિસ્સાઓની ઓળખ કરવામાં આવી હતી. તેમાં CINના અલગ-અલગ તબક્કાનો સમાવેશ થાય છે.
| કેન્સર પૂર્વેની સ્થિતિ | નોંધાયેલા કિસ્સા |
|---|---|
| CIN-1 | 63 |
| CIN-2 | 30 |
| CIN-3 | 1 |
| કુલ | 94 |
CIN એટલે સર્વાઇકલ ઇન્ટ્રાએપિથેલિયલ નિયોપ્લાસિયા, જેમાં ગર્ભાશયના મુખના કોષોમાં અસામાન્ય ફેરફારો જોવા મળે છે. આ ફેરફારોને યોગ્ય તબીબી મૂલ્યાંકન અને અનુસરણની જરૂર રહે છે. વહેલી ઓળખ થવાથી કેન્સરમાં પરિવર્તિત થવાની શક્યતાને અટકાવવા માટે જરૂરી પગલાં લઈ શકાય છે.
FICCI હેલ્થકેર એક્સલન્સ એવોર્ડથી GCRIનું સન્માન
GCRIની આ પહેલને FICCI હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ 2026માં ‘એક્સલન્સ ઇન પેશન્ટ કેર એન્ડ સર્વિસ ડિલિવરી’ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
HIVની નિયમિત સારવાર સાથે કેન્સર નિવારણ અને વહેલાસર નિદાનને જોડવાના દર્દી-કેન્દ્રિત અભિગમને આ સન્માન દ્વારા બિરદાવવામાં આવ્યો છે. HIV પોઝિટિવ મહિલાઓ જેવા સંવેદનશીલ વર્ગને એક જ આરોગ્યસેવા વ્યવસ્થા હેઠળ વધુ વ્યાપક સારવાર અને તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસને આ એવોર્ડ મહત્ત્વપૂર્ણ માન્યતા આપે છે.
ગુજરાતનાં અન્ય ART કેન્દ્રોમાં પણ પહેલના વિસ્તરણની તૈયારી
GCRI હવે આ સંકલિત આરોગ્યસંભાળ મોડેલને ગુજરાતનાં અન્ય ART કેન્દ્રોમાં પણ વિસ્તૃત કરવાની દિશામાં પ્રયાસો કરશે. આ માટે ઉપલબ્ધ સંસાધનો, વ્યવહારિક શક્યતાઓ અને આરોગ્યસેવાની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવશે.
જો આ પહેલનો અન્ય કેન્દ્રોમાં પણ અમલ થશે તો HIV સાથે જીવતી વધુ મહિલાઓને HPV DNA આધારિત સ્ક્રીનિંગનો લાભ મળી શકશે. પરિણામે સર્વાઇકલ કેન્સરના નિદાનમાં થતો વિલંબ ઘટશે અને સમયસર સારવારની તકો વધશે.
નિવારક આરોગ્યસંભાળને મજબૂત કરવાની દિશામાં પગલું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્યસેવાઓની સાથે રોગોના વહેલાસર નિદાન અને નિવારક આરોગ્યસંભાળ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ આધુનિક આરોગ્યસુવિધાઓના વિસ્તરણ માટે પ્રયાસો થઈ રહ્યા છે.
રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ગંભીર રોગોના વહેલા નિદાન અને સંવેદનશીલ વર્ગોને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ પૂરી પાડવા માટે કાર્યરત છે.
ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંયુક્ત રીતે સંચાલિત GCRIની આ પહેલ માત્ર કેન્સરની તપાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ HIV સાથે જીવતી મહિલાઓને વધુ સુરક્ષિત અને વ્યાપક આરોગ્યસંભાળ પૂરી પાડવાનો પ્રયાસ છે. નિયમિત સારવાર સાથે કેન્સર સ્ક્રીનિંગને જોડવાનો આ અભિગમ ભવિષ્યમાં અન્ય ગંભીર રોગોના વહેલા નિદાન માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.
