ઓલિમ્પિક બ્રોન્ઝ, વર્લ્ડ ચેમ્પિયન અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા બોક્સર અદાણી અમદાવાદ મેરેથોનમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર; #Run4OurSoldiers અભિયાનને દેશના જવાનોના શૌર્ય અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું અનોખું માધ્યમ ગણાવ્યું
અમદાવાદ
ઓલિમ્પિક મેડલથી લઈને વર્લ્ડ ચેમ્પિયન અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ સુધીની સિદ્ધિઓ હાંસલ કરનાર ભારતીય બોક્સર લવલીના બોરગોહેન રવિવારે યોજાયેલી અદાણી અમદાવાદ મેરેથોનની દસમી આવૃત્તિમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી મેરેથોનમાં તેમની ઉપસ્થિતિએ હજારો દોડવીરો અને રમતપ્રેમીઓમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો.
આ પ્રસંગે લવલીના બોરગોહેને ફિટનેસ અને રમતગમતને જીવનશૈલીનો હિસ્સો બનાવવાનો સંદેશ આપતાં જણાવ્યું હતું કે, “ભારતમાં અને ખાસ કરીને અમદાવાદમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક ફિટનેસ અને રમતગમતમાં ભાગ લઈ રહ્યા છે તે જોવું આનંદદાયક છે.”
લવલીના સહિતના મહાનુભાવોએ મેરેથોનને ફ્લેગ ઓફ કરી હતી. તેમણે અમદાવાદમાં રમતગમત પ્રત્યે વધી રહેલા લોકોના રસની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, મેરેથોન જેવી સ્પર્ધાઓ માત્ર દોડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા અને નિયમિત કસરત માટે પ્રેરિત કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અલગ-અલગ વયજૂથના હજારો લોકો એક જ સ્થળે દોડવા માટે એકત્રિત થાય તે રમતગમતની સામૂહિક શક્તિ દર્શાવે છે. અમદાવાદ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે શહેરમાં રમતગમત માટે ઊભરતો માહોલ ખરેખર પ્રોત્સાહક છે.
#Run4OurSoldiers અભિયાન જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું માધ્યમ
અદાણી અમદાવાદ મેરેથોનની દસમી આવૃત્તિ સાથે ભારતીય સશસ્ત્ર દળોના સન્માનમાં શરૂ કરાયેલા #Run4OurSoldiers અભિયાનને પણ દસ વર્ષ પૂર્ણ થયાં છે. આ અભિયાન અંગે લવલીનાએ જણાવ્યું હતું કે, આ પહેલ મેરેથોનને વિશેષ બનાવે છે. તેના માધ્યમથી દેશના સશસ્ત્ર દળોના સાહસ, સમર્પણ અને બલિદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક મળે છે.
તેમણે કહ્યું હતું કે, દેશના જવાનો દેશની સુરક્ષા માટે સતત સમર્પિત રહીને ફરજ બજાવે છે. તેમના યોગદાનને યાદ કરવું અને તેમને સન્માન આપવું દરેક નાગરિકની જવાબદારી છે. રમતગમતના માધ્યમથી આ પ્રકારનો સંદેશ લોકો સુધી પહોંચે તે પ્રશંસનીય છે.
અમદાવાદમાં રમતગમતના માહોલથી યુવા પેઢીને પ્રેરણા
અમદાવાદ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે મેરેથોન જેવી વિશાળ રમતગમતની સ્પર્ધાઓ શહેરમાં ફિટનેસ અને રમતગમત પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલી લવલીના બોરગોહેનની ઉપસ્થિતિ યુવા ખેલાડીઓ અને દોડવીરો માટે પણ પ્રેરણારૂપ બની હતી.
તેમણે અદાણી ગ્રુપ અને અદાણી સ્પોર્ટ્સલાઇનની ટીમને મેરેથોનનાં સફળતાપૂર્વક દસ વર્ષ પૂર્ણ થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આવી સ્પર્ધાઓ રમતગમતને લોકપ્રિય બનાવવાની સાથે સમાજમાં એકતા, શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ ફેલાવે છે તેમ તેમણે જણાવ્યું હતું.
બોક્સ : લવલીના બોરગોહેનની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ
ટોક્યો ઓલિમ્પિક્સ – 2020
બ્રોન્ઝ મેડલ
મહિલા વેલ્ટરવેઇટ બોક્સિંગમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીત્યો.
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ – 2023
ગોલ્ડ મેડલ
વિશ્વ ચેમ્પિયન બનીને ભારતીય બોક્સિંગમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી.
એશિયન ગેમ્સ – 2026
ગોલ્ડ મેડલ
મહિલા 75 કિગ્રા બોક્સિંગ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો.
