અમદાવાદ મેરેથોનની દસમી આવૃત્તિમાં દોડ્યું ગુજરાત; 32 હજારથી વધુ દોડવીરોની ઐતિહાસિક ભાગીદારી, #Run4OurSoldiers અભિયાનનાં 10 વર્ષ પૂર્ણ થતાં દેશના જવાનોને અનોખી રીતે અપાયું સન્માન;
અમદાવાદ
અમદાવાદની રમતગમત અને ફિટનેસ સંસ્કૃતિને નવી ઊંચાઈ આપતી અદાણી અમદાવાદ મેરેથોનની દસમી આવૃત્તિનું રવિવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થયેલી આ મેરેથોનમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 32 હજારથી વધુ દોડવીરોએ ભાગ લઈને શહેરને દોડમય બનાવ્યું હતું. મેરેથોનની દસમી આવૃત્તિ સાથે ભારતીય સશસ્ત્ર દળોના શૌર્ય, સમર્પણ અને બલિદાનને સન્માનિત કરવા શરૂ કરાયેલા #Run4OurSoldiers અભિયાનને પણ દસ વર્ષ પૂર્ણ થયાં હતાં. આમ, રમતગમતની સ્પર્ધાની સાથે દેશના સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સંદેશ પણ આ આયોજનનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો.
અદાણી સ્પોર્ટ્સલાઇન દ્વારા આયોજિત આ મેરેથોનમાં ફુલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિમી અને 5 કિમી એમ ચાર કેટેગરી રાખવામાં આવી હતી. વહેલી સવારથી જ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દોડવીરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ વયજૂથના દોડવીરો, યુવાનો, મહિલાઓ, રમતપ્રેમીઓ અને ફિટનેસ પ્રત્યે જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
મેરેથોનને અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણી, ઓલિમ્પિક મેડલ વિજેતા અને બોક્સિંગમાં 2026 એશિયન ગેમ્સની મહિલા 75 કિગ્રા કેટેગરીની ગોલ્ડ મેડલ વિજેતા લવલીના બોરગોહેન, ભારતીય સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ એ. કે. મોહલા તથા સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ પી. વી. શિવાનંદ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ પ્રસંગે NCCના ડિરેક્ટર જનરલ વીરેન્દ્ર વત્સ, એશિયન મેરેથોન ચેમ્પિયન ડૉ. સુનીતા ગોદારા અને અદાણી સ્પોર્ટ્સલાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તીર્થ કુમાર પુને નોંધાવ્યો નવો કોર્સ રેકોર્ડ
સ્પર્ધાત્મક પરિણામોમાં પુરુષોની ઓપન ફુલ મેરેથોનમાં તીર્થ કુમાર પુને 2 કલાક 21 મિનિટ અને 40 સેકન્ડનો સમય નોંધાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સાથે તેણે મેરેથોનનો નવો કોર્સ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો હતો. મહિલાઓની ઓપન ફુલ મેરેથોનમાં ભારતીએ 2 કલાક 59 મિનિટ અને 1 સેકન્ડના સમય સાથે વિજય મેળવ્યો હતો.
હાફ મેરેથોનમાં પુરુષોમાં દિનેશ 1 કલાક 6 મિનિટ અને 32 સેકન્ડ સાથે પ્રથમ રહ્યા હતા, જ્યારે મહિલાઓમાં પ્રીતિ લાંબાએ 1 કલાક 19 મિનિટ અને 21 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 10 કિમીની ઓપન કેટેગરીમાં પુરુષોમાં પવન કુમારે 30 મિનિટ અને 9 સેકન્ડ તથા મહિલાઓમાં સોનિકાએ 35 મિનિટ અને 30 સેકન્ડના સમય સાથે વિજય મેળવ્યો હતો.
ડિફેન્સ કેટેગરીમાં પણ જવાનોનું શાનદાર પ્રદર્શન
મેરેથોનની ડિફેન્સ કેટેગરીમાં ભારતીય સશસ્ત્ર દળોના દોડવીરોએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ફુલ મેરેથોનમાં પુરુષોમાં દેવ સિંહ ડાગર 2:32:27ના સમય સાથે અને મહિલાઓમાં નેહા દેવી 3:18:28ના સમય સાથે વિજેતા બન્યાં હતાં. હાફ મેરેથોનમાં પુરુષોમાં ગૌરવ માથુરે 1:06:31 અને મહિલાઓમાં રીનુ સંધુએ 1:20:09નો સમય નોંધાવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 10 કિમીની ડિફેન્સ કેટેગરીમાં પુરુષોમાં શિવમ સિંહ તોમર 30:50 અને મહિલાઓમાં સોનમ ચૌધરી 35:31ના સમય સાથે વિજેતા બન્યાં હતાં.
અમદાવાદની રમતગમત સંસ્કૃતિને નવી ઓળખ
સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થયેલો મેરેથોનનો માર્ગ શહેરનાં ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત સ્થળોમાંથી પસાર થયો હતો. માર્ગની બંને તરફ મોટી સંખ્યામાં નાગરિકો દોડવીરોને પ્રોત્સાહિત કરવા ઉમટી પડ્યા હતા. દસ વર્ષ પહેલાં શરૂ થયેલી આ મેરેથોન આજે 32 હજારથી વધુ દોડવીરોની ભાગીદારી સુધી પહોંચી છે. વર્લ્ડ એથ્લેટિક્સ લેબલ રોડ રેસ તરીકે મળેલી માન્યતા પણ આ આયોજનની આંતરરાષ્ટ્રીય ઓળખને મજબૂત બનાવે છે.
પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે મેરેથોનની શરૂઆત માત્ર દોડસ્પર્ધા યોજવાના ઉદ્દેશથી કરવામાં આવી નહોતી. શહેરના લોકોને એકસાથે જોડવા, સશસ્ત્ર દળોનું સન્માન કરવા અને જીવનમાં ફિટનેસને મહત્ત્વ આપવા પ્રેરિત કરવાનો મુખ્ય હેતુ હતો. દસ વર્ષમાં દોડવીરોની વધતી સંખ્યા અને ઉત્સાહ આ સફરની સફળતા દર્શાવે છે. અમદાવાદ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રમતગમત અને જનભાગીદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું ગૌરવની બાબત છે.
આ વિશાળ આયોજનને સફળ બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર, ઇમરજન્સી મેડિકલ સેવાઓ, હેલ્થકેર પાર્ટનર્સ અને સ્વયંસેવકોએ સહયોગ આપ્યો હતો. અદાણી સ્પોર્ટ્સલાઇન દ્વારા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અદાણી અમદાવાદ મેરેથોનની દસમી આવૃત્તિએ દોડવીરોની ભાગીદારીનો નવો માપદંડ સ્થાપિત કરવાની સાથે ફિટનેસ, એકતા, શિસ્ત અને દેશના જવાનો પ્રત્યે સન્માનનો સંદેશ આપ્યો હતો. 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની તૈયારી કરી રહેલા અમદાવાદ માટે આ આયોજન રમતગમતના વધતા જતા માહોલનું મહત્ત્વપૂર્ણ પ્રતિબિંબ બની રહ્યું છે.
