પીડિત છોકરીઓ ગર્ભવતી થતા આ મામલાનો ખુલાસો થયો
અલવર
રાજસ્થાનમાં મહિલાઓ સાથે અત્યાચાર યથાવત છે. હવે અલવરમાં બે સગીર સગી બહેનો સાથે કથિત રીતે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિત છોકરીઓ ગર્ભવતી થતા આ મામલાનો ખુલાસો થયો હતો. એનઈબી પોલીસ સ્ટેશનના પોલીસે આ મામલે કેસ દાખલ કરી તલાશ સાથે જ મામલાની તપાસ હાથ ધરી છે.
અલવરના એક ફાર્મ હાઉસમાં કામ કરતા બે શખ્સોએ બે સગી સગીર બહેનો પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જેના કારણે બંને છોકરીઓ ગર્ભવતી બની હતી. પીડિત યુવતીના પરિવારજનોએ આ અંગે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ પોલીસે બંને યુવતીનું મેડિકલ કરાવ્યું હતું જેમાં બંને બહેનો ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. એક છોકરીની ઉંમર 15 વર્ષ છે જ્યારે બીજી છોકરીની ઉંમર 11 વર્ષ છે. મામલો પોલીસ સુધી પહોંચતા બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા પ્રયાસો શરૂ કર્યા છે.
આરોપી અને પીડિત યુવતીનો પરિવાર એક જ ફાર્મ હાઉસમાં રહે છે અને મજૂરી કામ કરે છે. આરોપીઓની ઓળખ સપ્પી અને સુભાન મીઓ તરીકે થઈ છે. સપ્પી ફાર્મ હાઉસ પર કામ કરતો હતો જ્યારે સુભાન તેનો મિત્ર છે જેઓ અવારનવાર એક-બીજાને મળતા હતા. આરોપ છે કે મોટી છોકરી પર બંને યુવકો લગભગ દોઢ વર્ષથી દુષ્કર્મ આચરતા હતા અને પરિવારને આ મામલે જણાવવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આરોપ છે કે, જ્યારે મોટી છોકરી ગર્ભવતી થઈ ગઈ તો આરોપીઓએ તેની નાની બહેન સાથે પણ દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તે પણ અઢી મહિનાની ગર્ભવતી બની ગઈ. જ્યારે છોકરીઓ તેનો વિરોધ કરતી તો આરોપી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. મોટી છોકરી 7.5 મહિનાની ગર્ભવતી છે.
પીડિત છોકરીઓના પરિવારની ફરિયાદના આધારે પોલીસે બંને છોકરીઓનું મેડિકલ કરાવ્યા બાદ કેસ દાખલ કરી દીધો છે. હાલમાં આરોપીઓની તલાશ ચાલું છે.