આ મર્ડર કેસમાં મૃતકના પિતાની ફરિયાદ પર 8 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી

અરરીયા
બિહારના અરરીયામાં પત્રકાર વિમલ કુમાર યાદવ હત્યાકાંડ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ મર્ડર કેસમાં મૃતકના પિતાની ફરિયાદ પર 8 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જે 4 અપરાધીઓની ધરપરકડ કરવામાં આવી છે તેમાંથી બે પર પત્રકારની હત્યાનો આરોપ છે.
પત્રકાર વિમલ યાદવ હત્યાકાંડમાં રાનીગંજ પોલીસે ચારેય આરોપીઓની અલગ-અલગ સ્થળેથી ધરપકડ કરી છે. અરરીયા એસડીપીઓ રામપુકાસ સિંહે તેની જાણકારી આપતા જણાવ્યું કે, આ ચારમાંથી બે પત્રકાર વિમલની હત્યા કરવામાં સામેલ હતા.
આ મામલે અરરીયા પોલીસે પ્રેસ રિલીઝ પણ જારી કરી છે જેમાં આ ધરપકડ કરાયેલ આરોપીઓના નામ પણ જણાવ્યા છે. તેમાં વિપીન કુમાર યાદવ જે ભરના પોલીસ સ્ટેશન ભરગામાના છેદી યાદવનો પુત્ર છે. બીજો આરોપી બેલસર પોલીસ સ્ટેશન રાનીગંજના ભાવેશ યાદવની ધરપકડ કરવામાં આવી છે. તેના પિતાનું નામ લસ્સી યાદવ છે. ત્રીજો આરોપી આશીષ યાદવ બેલસર પોલીસ સ્ટેશન રાનીગંજનો રહેવાસી છે. તેના પિતાનું નામ દેવાનંદ યાદવ છે. ચોથો આરોપી ઉમેશ યાદવ કોશિકાપુર ઉત્તર પોલીસ સ્ટેશન રાનીગંજનો રહેવાસી છે અને તે તેજ નારાયણ યાદવનો પુત્ર છે.
આમાંથી બે આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. જેમાંથી રૂપેશ યાદવ હાલમાં સુપૌલમાં જેલમાં બંધ છે. બીજી તરફ ઉમેશ યાદવ ઉર્ફે ક્રાંતિ યાદવ અરરીયા જેલમાં બંધ છે. આ બંને આરોપીઓને પણ વિધિવત રિમાન્ડ પર લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે, પત્રકાર વિમલ કુમાર યાદવના પિતા હરેન્દ્ર પ્રસાદ સિંહે ફર્દ નિવેદનના આધારે રાનીગંજ પોલીસ સ્ટેશન કાંડ નંબર 338/2023માં કલમ 302, 120 બી, 34 ભારતીય દંડ સંહિતા અને 27 આર્મ્સ એક્ટ નિયમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે 8 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે તેમાંથી 4ની ધરપકડ કરી લેવામાં આવી છે.
બિહારના અરરીયામાં વિમલ કુમાર યાદવ નામના 35 વર્ષીય પત્રકાર પોતાના હામ પ્રેમનગરમાં પોતાના ઘરે હતા ત્યારે વહેલી સવારે 5:30 વાગ્યે કેટલાક લોકો ઘરે આવ્યા અને તેમને ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. અગાઉ 2019માં વિમલના ભાઈની પણ આ જ રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. જેના વિમલ મુખ્ય સાક્ષી હતા. વિમલના ભાઈની હત્યાનો કેસ હજુ કોર્ટમા ચાલી જ રહ્યો છે ત્યારે હવે વિમલની પણ હત્યા કરી દેવામાં આવી.
