જીએસટી કાઉન્સિલની ફિટમેન્ટ કમિટીએ બાજરાના લોટ પર છૂટની ભલામણ કરી હતી
નવી દિલ્હી
આજે નવી દિલ્હીમાં સુષમા સ્વરાજ ભવનમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ. આ 52મી બેઠક હતી. આ બેઠકમાં સરકારે એક મોટો નિર્ણય લીધો હતો જે હેઠળ મિલેટ્સથી બનેલી પ્રોડક્ટ્સ પર લાગતા ટેક્સના દરમાં ઘટાડો કરાયો છે.
અહેવાલ અનુસાર હવે મિલેટ્સથી બનેલી પ્રોડક્ટ્સ પર 18 ટકાની જગ્યાએ 5 ટકા જીએસટી વસૂલાશે. અહેવાલ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં હવે મિલેટ્સથી બનેલી પ્રોડક્ટ્સ પર જીએસટીનો દર ઘટાડાયો છે. ભારત 2023 ને ‘યર ઓફ મિલેટ્ટસ’ તરીકે ઉજવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલની ફિટમેન્ટ કમિટીએ બાજરાના લોટ પર છૂટની ભલામણ કરી હતી.
મિલેટ્સ વિશે લોકોને જાગૃત કરવા માટે 2023 ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કરાયું છે. મિલેટ્સમાં મોટા અને નાના દાણાવાળા અનાજ સામેલ હોય જેને બરછટ અનાજ પણ કહેવાય છે. મોટા અનાજમાં જુવાર, બાજરો અને રાગી સામેલ છે તો નાના અનાજમાં કુટલી, કાંગની, કોદો અને સાંવા સામેલ છે. આ તમામ કેલ્શિયમ, આયરન, ફાઈબર સહિત અઢળક પોષક તત્વોના મહત્ત્વપૂર્ણ સોર્સ છે.