ભારતીય ટીમની પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન સામેની ટી20 માટે ટીમની પસંદગી કરતા પહેલા મંથન કરવું પડશે
નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જૂનમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ2024માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં, હવે અજીત અગરકરની આગેવાની હેઠળની ભારતીય ટીમની પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન સામેની ટી20 માટે ટીમની પસંદગી કરતા પહેલા મંથન કરવું પડશે. આ બંને ખેલાડીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ટી20 વર્લ્ડ કપ2024નો ભાગ બનવા માંગે છે.
હાલ બે પસંદગીકાર શિવ સુંદર દાસ અને સલિલ અંકોલા સાઉથ આફ્રિકામાં છે, જયારે કેપ ટાઉનના ન્યુલેન્ડ્સમાં રમાનાર બીજી ટેસ્ટ દરમિયાન અધ્યક્ષ અજીત અગરકર પણ તેમની સાથે જોડાશે. રોહિત અને કોહલીએ 10 નવેમ્બર,2022ના રોજ એડીલેડમાં ઇંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ બાદ ભારત માટે એક પણ ટી20 મેચ રમી નથી. આવી સ્થિતિમાં એવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે કે અગરકર અફઘાનિસ્તાન સામે રમાનાર ટી20 સીરિઝ માટે ટીમનું એલાન કરતા પહેલા ભારતીયટીમના હેડ કોચ રાહુલ દ્રવિડની ઉપરાંત રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે વાતચીત કરશે. હવે જોવાનું એ રહે છે કે અગરકર અને અન્ય પસંદગીકારો અફઘાનિસ્તાન સામે મોહાલીમાં 11 જાન્યુઆરીથી શરૂ થનારી ટી20 સીરિઝ માટે રોહિત અને કોહલી બંનેની પસંદગી કરશે કે પછી આઈપીએલદરમિયાન તેમના ફોર્મ અને ફિટનેસના આધારે સીધો જ તેમને ટીમમાં સામેલ કરશે.
વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં યોજાનાર આઈસીસીટી20 વર્લ્ડ કપ2024 પહેલા આઈપીએલમાં લગભગ 30 ટી20 સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને મોનિટર કરવામાં આવશે. આવી સ્થિતિમાં એવી સંભાવના છે કે આઈપીએલના બે મહિના દરમિયાન ઓછામાં ઓછા 25થી 30 ખેલાડીઓને પસંદ કરવામાં આવશે અને તેમનાં પ્રદર્શનને મોનિટર કરવામાં આવશે. આઈપીએલ 2024 દરમિયાન ઈજા કે ફિટનેસની સમસ્યા થઇ શકે છે અને પસંદગી સમિતિને પ્રત્યેક સ્લોટ માટે બે ખેલાડીઓની જરૂર પડશે, જેથી લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટ તૈયાર થઇ શકે.
બીસીસીઆઈ એક સૂત્રે જણાવ્યું કે, ‘સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ફિટ નથી. આઈપીએલના પહેલા મહિનાના પરફોર્મન્સના આધારે ભારતીય ટીમ નક્કી કરવામાં આવશે, અફઘાનિસ્તાન સીરિઝથી વધુ કંઈ નક્કી કરવામાં આવશે નહીં. બીસીસીઆઈક્યારેય કોઈ ફ્રેન્ચાઈઝીને સ્ટાર ખેલાડીના વર્કલોડ મેનેજમેન્ટને મેનેજ કરવા માટે કહી શકે નહીં, સિવાય કે તે ઈજા સંબંધિત મામલો હોય.’