સોફ્ટબેંકનું કહેવું છે કે તેને ભારતના નિયમનકારી વાતાવરણમાં અનિશ્ચિતતાની અપેક્ષા હતી

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ની તાજેતરની કાર્યવાહી બાદ ફિનટેક શેર પેટીએમ (પેટીએમ) ની કિંમત સતત ઘટી રહી છે. આજે શુક્રવારે પણ પેટીએમના શેરમાં આજે પણ 7 ટકા જેટલો કડાકો બોલાઈ ચૂક્યો છે. ત્યારે એક બાબત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે અને તે છે પેટીએમના તાજેતરના 50 ટકાના ક્રેશ પહેલા જાપાની રોકાણકાર સોફ્ટબેંક દ્વારા તેનો હિસ્સો ઘટાડવો. સોફ્ટબેંકે હવે તેનું કારણ સમજાવ્યું છે.
સોફ્ટબેંકે તાજેતરમાં પેટીએમમાં તેનો મોટાભાગનો હિસ્સો વેચી દીધો હતો. રિઝર્વ બેંકે 31 જાન્યુઆરીના રોજ પેટીએમ પેમેન્ટ બેંક સામે કાર્યવાહી કરી હતી. તે પહેલા જ સોફ્ટબેંક દ્વારા પેટીએમના શેર વેચી દેવાયાનો ખુલાસો થયો છે. અહેવાલ અનુસાર સોફ્ટબેંકનું કહેવું છે કે તેને ભારતના નિયમનકારી વાતાવરણમાં અનિશ્ચિતતાની અપેક્ષા હતી. આ ઉપરાંત તેને પેટીએમ પેમેન્ટ્સ બેંકના લાયસન્સ અંગે પણ શંકા હતી.
સોફ્ટબેંકના ફાયનાન્સ ચીફ નવનીત ગોવિલે જણાવ્યું કે, અમને લાગ્યું કે મનીટાઈઝ શરૂ કરવું યોગ્ય રહેશે. અમે ખુશ છીએ કે પેટીએમ શેરમાં તાજેતરના ક્રેશ પહેલા અમે યોગ્ય હિસ્સો વેચીને બહાર નીકળી ગયા. ઉલ્લેખનીય છે કે પેટીએમ સામે આરબીઆઇની કાર્યવાહી બાદ તેના સ્ટોક્સમાં સતત બે દિવસ 20 ટકાની લૉઅર સર્કિટ બાદ 10 ટકાની પણ લૉઅર સર્કિટ લાગી હતી જેના લીધે શેરની કિંમતો 50 ટકા સુધી ગગડી ગઇ હતી.
સોફ્ટબેન્ક એ પેટીએમ માં રોકાણ કરનાર મોટા રોકાણકારો પૈકી એક છે. સોફ્ટબેંકે તેના આઈપીઓ પહેલા જ પેટીએમ માં મોટું રોકાણ કર્યું હતું. 2021માં આઈપીઓ લોન્ચ થયો તે સમયે, સોફ્ટબેન્ક પાસે પેટીએમમાં 18.5 ટકા હિસ્સો હતો. સોફ્ટબેંક નવેમ્બર 2022થી જ પેટીએમ ના શેરનું વેચાણ કરી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં છેલ્લી ઑફલોડિંગ પછી, પેટીએમમાં સોફ્ટબેંકનો હિસ્સો ઘટીને માત્ર 5 ટકા રહી ગયો છે.
