પેટીએમ અંગે રિઝર્વ બેન્કે પ્રશ્નોના જવાબ આપવા માટે એફએક્યુ જારી કર્યા

Spread the love

 જે લોકો પેટીએમ દ્વારા ફાસ્ટેગથી લઈને વીજળીના બિલ અને લોન ઈએમઆઈ સુધી બધું ચૂકવે છે, તેમના પ્રશ્નોના જવાબ પણ આપવાનો પ્રયાસ

નવી દિલ્હી

31 જાન્યુઆરી 2024એ ભારતીય રિઝર્વ બેંકે મોટા એક્શન લેતા પેટીએમની બેકિંગ સેવાઓ બંધ કરવાના આદેશ જાહેર કર્યા હતા, આરબીઆઈએ 31 જાન્યુઆરીએ કહ્યું હતું કે, પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નિયામક કાર્યવાહી કરાઈ છે, જેને લઈને પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન, પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ટોપઅપ જેવી સર્વિસ બંધ થઈ જશે. ભારતીય રિઝર્વ બેંકએ  પેટીએમને મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે. હવે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ 29 ફેબ્રુઆરીથી નહીં લાગૂ થાય, પરંતુ તેને 15 દિવસ વધારીને 15 માર્ચ કરી દેવાયો છે. જેનો મતલબ છે કે, પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક એકાઉન્ટ્સમાં લેવડદેવડ 15 માર્ચ 2024 સુધી કરી શકાશે.

પેટીએમ વિરુદ્ધ કાર્યવાહી બાદ યુઝરના મનમાં જે ડર બેસી ગયો છે તેને દૂર કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પેટીએમ સંબંધિત સામાન્ય લોકોના તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે એફએક્યુ જારી કર્યા છે. આ ઉપરાંત, જે લોકો પેટીએમ દ્વારા ફાસ્ટેગથી લઈને વીજળીના બિલ અને લોન ઈએમઆઈ સુધી બધું ચૂકવે છે, તેમના પ્રશ્નોના જવાબ પણ આપવાનો પ્રયાસ કર્યો છે. 

જો તમારો પગાર તમારા પીપીબીએલ ખાતામાં જમા થાય છે, તો 15 માર્ચ પછી તમે તેને મેળવી શકશો નહીં. આરબીઆઈએ સૂચન કર્યું છે કે આવા લોકોએ 15 માર્ચથી તેમના સેલેરી એકાઉન્ટને કોઈ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવું.

જો તમે પેમેન્ટ બેંક દ્વારા લાઈટ બિલ કે ઓટીટી બિલની  ચૂકવણી કરતા હોય તો આવા લોકો જ્યાં સુધી બેલેન્સ ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. પરંતુ 15 માર્ચ પછી ક્રેડિટ અને ડિપોઝિટની મંજૂરી આપવામાં આવશે નહીં.

લોન ઈએમઆઈ ચૂકવણી બાબતે રિઝર્વ બેંકે  જણાવ્યું હતું કે ખાતામાં બેલેન્સ પૂરું ન થાય ત્યાં સુધી ઑટો-ડેબિટ આદેશનો અમલ ચાલુ રહેશે. જો કે, 15 માર્ચ પછી ખાતા બંધ કરી દેવામાં આવશે. પરંતુ પેટીએમ પેમેન્ટ્સ બેંક સિવાયની કોઈપણ બેંકમાં નોંધાયેલ ઈએમઆઈ ચાલુ રહી શકે છે.

ગ્રાહકોની પેમેન્ટ બેંકમાં ઉપલબ્ધ બેલેન્સ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ ચૂકવવા માટે તેમના પેટીએમ દ્વારા જારી કરાયેલ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાશે. 15 માર્ચ, 2024 પછી વધુ ફંડ અથવા ટોપ-અપની મંજૂરી આપવામાં આવશે નહીં. ફાસ્ટેગમાં ક્રેડિટ બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી, ગ્રાહકોએ તેમનો જૂનો પેટીએમ ફાસ્ટેગ બંધ કરવો પડશે અને બેંક પાસેથી રિફંડ માટે અરજી કરવી પડશે.

પીપીબીએલ ગ્રાહકોની પાર્ટનર બેંકો સાથે જાળવવામાં આવેલી હાલની જમા બેલેન્સ મર્યાદા (વ્યક્તિગત ગ્રાહક દીઠ રૂ. 2 લાખ) ને ધ્યાનમાં રાખીને પીપીબીએલ ખાતાઓમાં પછી લઇ શકાય છે, પરંતુ 15 માર્ચ, 2024 પછી, પીપીબીએલ પાર્ટનર બેંકો દ્વારા કોઈ નવી રકમ સ્વીકારી શકાશે નહિ. 

આરબીઆઈએ પીપીબીએલ પર આ કડક પગલું લેતા પહેલા તેને માર્ચ 2022માં નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પેટીએમ બ્રાન્ડની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ પીપીબીએલમાં 49 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ પેટીએમ તેને સહયોગી કહે છે અને પોતાની પેટાકંપની નહીં. 

પીપીબીએલ વોલેટ ધરાવતા ગ્રાહકો 15 માર્ચ પછી પણ જ્યાં સુધી વોલેટમાં ફંડ હોય ત્યાં સુધી તેનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. તેમજ રિઝર્વ બેંકે પીપીબીએલ એકાઉન્ટ અથવા વૉલેટ સાથે જોડાયેલા પેટીએમ ક્યુઆર કોડ, પેટીએમ સાઉન્ડબોક્સ, પેટીએમ પીઓએસ ટર્મિનલ દ્વારા પેમેન્ટ લેનારા દુકાનદારોને પણ ચેતવણી આપી છે કે તેઓ 15 માર્ચ પછી આ સેવાનો લાભ લઈ શકશે નહીં. જેથી તેમણે અન્ય વિકલ્પો શોધવા જોઈએ.

દરમિયાન, પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘પેટીએમ ક્યુઆર, પેટીએમ સાઉન્ડબોક્સ અને ઈડીસી (કાર્ડ મશીન) 15 માર્ચ પછી પણ રાબેતા મુજબ કામ કરવાનું ચાલુ રાખશે… કોઈપણ અફવાઓ અથવા ગેરસમજમાં પડશો નહીં. તમને ડિજિટલ ઈન્ડિયાની હિમાયત કરતા કોઈ રોકી શકશે નહીં!’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *