સાંઈ સુદર્શનના શાનદાર 82, પ્રસિદ્ધ કૃષ્ણાની ત્રણ વિકેટ, ગુજરાતના છ વિકેટે 217 રન, રાજસ્થાનના 159 રન
અમદાવાદ
ઓપનર સાંઈ સુદર્શન (82), જોશ બટલર અને એમ. શાહરૂખ ખાનના 36-36 રન બાદ બોલર્સની વેધક બોલિગના જોરે ગુજરાતે રાજસ્થાન સામેની મેચમાં 58 રને વિજય મેળવ્યો હતો. ગુજરાતે સ્પર્ધામાં તેનો સતત ચોથો વિજય મેળવ્યો હતો.
રાજસ્થાન રોયલ્સના સુકાની સંજુ સેમશને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટના ભોગે 217 રન બનાવી રાજસ્થાન સામે 218 રનનો કપરો પડકાર મૂક્યો હતો. જેની સામે રાજસ્થાનની ટીમ વિકેટના ભોગે 19.2 ઓવરમાં 159 રન બનાવી શકી હતી.
રાજસ્થાને તેની બે વિકેટ સસ્તામાં ગુમાવી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ (6) અરશદ ખાનના બોલમાં રાશિદ ખાનના જ્યારે નિતિશ રાણા (1) મોહમ્મદ સિરાઝના બોલે ખેજરોલયાના હાથમાં ઝિલાઈ ગયા હતા. રાજસ્થાનની ટીમે 12 રનમાં બે વિકેટ ગુમાવી હતી. રાજસ્થાને તેના 50 રન 31 બોલમાં પૂરા કર્યા હતા. સુકાની ઓપનર સંજૂ સેમશન સાથે રિયાન પરાગે આક્રમક રમત બતાવતા ત્રીજી વિકેટની ભાગીદારીમાં 48 રન ઉમેર્યા હતા. પરાગ 14 બોલમાં એક બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સાથે 26 રન બનાવીને ખેજરોલિયાના બોલમાં વિકેટકીપર બટલરના હાથમાં કેચ આપી બેઠો હતો. રાજસ્થાને આ અમપ્યારના નિર્ણયને પડકાર્યો હતો પરંતુ ડીઆરએસમાં પરાગ સ્પષ્ટ આઉટ હોવાનું જોવા મળ્યું હતું. સંજૂ સાથે ધ્રૂવ જુરેલ જોડાયો પણ તે રાશિદ ખાનના બોલમાં મિડ વિકેટ પર સાંઈ સુદર્શનનો હાથમાં ઝિલાયો હતો. તેણે ચાર બોલમાં એક બાઉન્ડ્રી સાથે પાંચ રન બનાવ્યા હતા.શિમરોન હેત્માયરે સંજૂ સેમશન સાથે મળીને રાજસ્થાનની સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. રાજસ્થાનની આ મજબૂત જોડીને પ્રસિદ્ધ કૃષ્ણાએ તોડી હતી. કૃષ્ણાએ સંજૂને 41 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. 28 બોલમાં ચાર બાઉન્ડ્રી, બે સિક્સર સાથે શાનદાર બેટિંગ કરનારો સંજૂ સાઈં સુદર્શનના હાથમાં કેચ આપી બેઠો હતો. રાજસ્થાને તેની પાંચમી વિકેટ 116 રનના સ્કોર પર ગુમાવી હતી. સંજૂ અને હેતમાયરે પાંચમી વિકેટની ભાગીદારીમાં 48 રન ઉમેર્યા હતા. શુભમ દુબેને રાશિદ ખાને માત્ર એક રનના વ્યક્તિગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. હેતમાયરે તેની અડધી સદી 29 બોલમાં પૂરી કરી હતી જેમાં ચાર બાઉન્ડ્રી ત્રણ સિક્સર ફટકારી હતી. જ્યોફ આર્ચર પ્રસિદ્ધ કૃષ્ણાના બોલે શુભમન ગિલના હાથમાં માત્ર ચાર રન બનાવીને ઝિલાઈ ગયો હતો. પ્રસિધ્ધ કૃષ્ણાએ રાજસ્થાનની હાર નિશ્ચિત બનાવતા હેતમાયરને સાંઈ કિશોરના હાથમાં ઝિલાવી દીધો હતો. હેતમાયર 32 બોલમાં 52 રન બનાવી શક્યો હતો. તુષાર દેશપાંડે (3) એ સાંઈના એક બોલને ઊંચો શૉટ માર્યો પણ રાશિદ ખાને મિડવિકેટ પર તેનો આબાદ કેચ ઝડપ્યો હતો.
ગુજરાતનો સુકાની શુભમન ગીલ માત્ર બે રન બનાવીને આર્ચરના બોલે બોલ્ડ થયો હતો ત્યારે ટીમનો કુલ સ્કોર 2.1 ઓવરમાં 14 રન હતો. સાંઈ સુદર્શન સાથે જોશ બટલર જોડાયો હતો અને બંનેએ ટીમના સ્કોરને મક્કમતા સાથે આગળ વધાર્યો હતો.
બટલરે સાંઈ સુદર્શન સાથે મળીને ટીમનો સ્કોરને 94 રનના સ્કોર પર પહોંચાડ્યો હતો અને તે રાજસ્થાનના અમ્પાયરના નિર્ણય સામેના રિવ્યુમાં થિકશાનાના બોલ પર એલબીડબલ્યુ જાહેર થયો હતો. તેણે 25 બોલમાં પાંચ બાઉન્ડ્રી સાથે 36 રન બનાવ્યા હતા તથા સાંઈ સાથેની બીજી વિકેટની ભાગીદારીમાં મહત્વપૂર્ણ 80 રન ઉમેર્યા હતા. સાંઈ સુદર્શને તેના 50 રન પાંચ બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 32 બોલમાં પૂરા કર્યા હતા જ્યારે ગુજરાતના 100 રન 10.6 ઓવરમાં પૂરા થયા હતા.
શાહરુખે સાંઈ સાથે ત્રીજી વિકેટની ભાગીદારીમાં 62 રન ઉમેર્યા હતા. શાહરૂખ થિકશાનાના બોલમાં બિનજરૂરી આગળ વધીને રમવા જતા સ્ટંપ આઉટ થયો હતો. શાહરૂખે 20 બોલમાં ચાર બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 36 રન બનાવ્યા હતા. શાહરૂખના આઉટ થયા બાદ સંદીપ શર્માએ રાજસ્થાનને મહત્વપૂર્ણ સફળતા અપાવતા સિક્સર સાથે ખાતું ખોલાવનારા શેરફેન રૂધરફોર્ડને વિકેટકીપર સંજૂ સેમશનના હાથમાં ઝિલાવ્યો હતો. રુધરફોર્ડે ત્રણ બોલમાં સાત રન બનાવ્યા હતા.
સાંઈ સુદર્શને એક છેડો જાળવવા ઉપરાંત રનની ગતિ પણ વધારી હતી. ગુજરાતે તેની ચોથી વિકેટ 163 રનના કુલ સ્કોર પર ગુમાવી હતી. રાહુલ તિવેટિયાએ સાંઈ સાથે જોડાઈને આક્રમક વલણ અપનાવતા ટીમના સ્કોરને 187 રને પહોચાડ્યો હતો. શાનદાર બેટિંગ કરી રહેલો સાંઈ સુદર્શન દેશપાંડેની બોલિંગમાં વિકેટકીપર સંજૂના હાથમાં ઝિલાઈ ગયો હતો તેણે 53 બોલમાં આઠ બાઉન્ડ્રી ત્રણ સિક્સર સાથે 82 રન બનાવ્યા હતા. રાશિદ ખાને આવતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું પરંતુ તે દેશપાંડેના બોલ પર સ્કવેરલેગ પર યશસ્વી જસ્વાલના હાથમાં કેચ આપી બેઠો હતો. રાશિદે ચાર બોલમાં એક બાઉન્ડ્રી એક સિક્સર સાથે 12 રન બનાવ્યા હતા. ગુજરાતે તેના 200 રન 18.5 ઓવરમાં 113 બોલમાં પૂરા કર્યા હતા. રાહુલ તિવેટીયાએ દર્શકોનું ભરપૂર મનોરંજન કરતા માત્ર 12 બોલમાં બે બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે અણનમ 24 રન બનાવ્યા હતા અને ટીમના જુમલાને 217 રનના મજબૂત સ્કોર પર પહોંચાડ્યો હતો.
