ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી

Spread the love

“આ મંદિર આંતરધર્મીય સંવાદિતા અને સાંસ્કૃતિક સંવાદનું વૈશ્વિક પ્રતીક છે.”“આ મંદિર એક ચમત્કૃતિ સમાન…”– મિસરી

અબુ ધાબી

ભારતના વિદેશ સચિવ, વિક્રમ મિસરી અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લઈને અભિભૂત થયા હતા. બી.એ.પી.એસ. હિન્દુ મંદિર, અબુધાબીના મુખ્ય સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ વિક્રમ મિસરી તેમજ ગલ્ફ અફેર્સ જોઇન્ટ સેક્રેટરી રાજા મહાજન, ભારતના યુ. એ. ઈ. ખાતેના રાજદૂત સંજય સુધીર અને પ્રતિનિધિમંડળનું મંદિરમાં ‘વૉલ ઑફ હાર્મની’ આગળ પુષ્પહારથી સ્વાગત કર્યું હતું.

આ મંદિરની ઐતિહાસિક સર્જનગાથાને અને સંવાદિતા, આદર જેવા વૈશ્વિક મૂલ્યોને સર્જનાત્મક અને રોમાંચક રીતે રજૂ કરતા ઇમર્સિવ શૉ ‘ધ ફેરી ટેલ’ ને નિહાળીને મિસરી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આ મંદિર માટે વ્યક્ત કરેલાં ઉદ્ગાર – ‘ફેરી ટેલ’ – એટલે કે ‘પરી કથા’ ને યાદ કરતાં તેમણે જણાવ્યું કે આ મંદિરનું સર્જન ખરેખર પરી કથા સમાન છે. સમગ્ર મંદિર પરિસરના દર્શન કરતી વખતે મંદિરના સ્થાપત્ય અને આધ્યાત્મિક મૂલ્યોથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.

પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ‘હાર્મની ડોમ’ માં વણાયેલાં ગહન આધ્યાત્મિક સંદેશને, તેમાં પ્રતિબિંબિત થતાં દિવ્ય તત્વ અને માનવજાત વચ્ચેની સંવાદિતાની પ્રસ્તુતિને સમજાવી હતી. મિસરીએ જણાવ્યું કે મંદિરનું પ્રત્યેક પાસું, તેની વિપુલ અને સૂક્ષ્મ કોતરણી, સુંદર કળા કારીગરી અત્યંત વિચારપ્રેરક છે. તેમણે મંદિરના ગર્ભગૃહમાં, પ્રત્યેક શિખરમાં સ્થાપિત સ્વરૂપોના દર્શન કરી પ્રાર્થના કરી હતી.
આ મંદિરના સંકલ્પમૂર્તિ અને જેમની દિવ્ય દીર્ઘદ્રષ્ટિએ આ મંદિરના સર્જનની પ્રેરણા આપી, તેવા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને તેમણે આદરાંજલિ અર્પી હતી.

શ્મિસરીએ મંદિરનો વિશેષ અનુભવ જણાવતા કહ્યું,
“આજે મને હજારો આશીર્વાદ સાંપડ્યા છે. આ મંદિર ફક્ત એક ઈમારત નથી, પરંતુ શ્રદ્ધા, માન્યતાઓ અને વિચારોની કાલાતીત અભિવ્યક્તિ છે. આ મંદિર ફક્ત વિવિધ ધર્મોને નહીં, પંરતુ સમગ્ર માનવજાતને એક કરે છે. આ ચમત્કાર છે. મારા મન-હૃદય છલકાઈ ગયા છે. આ એક એવું મંદિર છે, જે મહાનતમ પ્રશંસાને પાત્ર છે. આ મંદિરની ગાથાઓ પેઢીઓ સુધી ગવાતી રહેશે. લોકો કદાચ આને માત્ર ધાર્મિક ઉપલબ્ધિ તરીકે જોતા હશે, પરંતુ વાસ્તવમાં આ સમગ્ર વિશ્વ માટે, માનવજાત માટે, આપણાં સૌના સહિયારા અસ્તિત્વ માટે છે. આ એક એવું મંદિર છે, જેની પ્રત્યેક ભારતીયે મુલાકાત લેવી જોઈએ.”

આ મંદિરના ઉત્કૃષ્ટ સ્થાપત્ય, એન્જિનિયરિંગ અને મૂલ્યોથી પ્રભાવિત થતાં આ મંદિરને તેમણે ‘આંતરધર્મીય સંવાદિતા અને સાંસ્કૃતિક સંવાદનના વૈશ્વિક પ્રતીક’ સમાન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સહયોગ તેમજ ભારત અને યુ. એ. ઈ. ના પ્રેરણાદાયી નેતૃત્વ દ્વારા નિર્મિત આ મંદિર વૈશ્વિક સ્તરે લોકોને એક કરવામાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *