વડોદરા
અમદાવાદના પુરુષ વર્ગના ટોપ સીડ ખેલાડી ધૈર્ય પરમાર યુટિટી 5મી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025માં ફેવરિટ ગણાશે. આ સ્પર્ધાનું આયોજન વડોદરાની ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (TTAB) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના આશ્રય હેઠળ 19 થી 21 ઓગસ્ટ દરમિયાન વડોદરાના સમા સ્પોર્ટ્સ ઈન્ડોર કોમ્પ્લેક્સ, વી.એમ.એસ.એસ. સમા ખાતે કરવામાં આવ્યું છે.
આ ટુર્નામેન્ટ માટે કુલ 657 એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ છે જેમાં ધૈર્યને પોતાના જ શહેરના બીજા ક્રમાંકના ખેલાડી ચિત્રાક્ષ ભટ્ટ પાસેથી કઠીન પડકાર મળી શકે છે. સુરતના બે ખેલાડીઓ ફ્રેનાઝ ચિપિયા અને ફિલઝાફાતેમા કાદરી પણ મેદાનમાં ઉતરશે. વડોદરાની સિનિયર કેટેગરીમાં અભિલાષ રાવલ અને નમ્રતા જયસ્વાલ પ્રતિષ્ઠા મેળવવા તત્પર છે.
જુનિયર કેટેગરીમાં આયુષ તન્ના, રિયા જયસ્વાલ, પ્રથા પવાર, જન્મેજય પટેલ, ધ્યેય જાની, દાનિયા ગોડીલ, દેવ ભટ્ટ અને હિમાંશ દાહિયા જેવા ટોપ ખેલાડીઓ ભાગ લેશે. સ્થાનિક ખેલાડી વેદ પંચાલ પોતાનાં હોમ ગ્રાઉન્ડ પર ખિતાબ જીતવા માટે સ્થાનિક સમર્થનનો લાભ લેવા આતુર છે.
સ્પર્ધા માટે કુલ 18 ટેબલ્સ મુકવામાં આવ્યા છે. સાથે જ 25 લાયકાત ધરાવતા ટેકનિકલ અધિકારીઓની ટીમ સમગ્ર ટુર્નામેન્ટ નું સંચાલન કરશે.
