ટુર્નામેન્ટમાં પ્રતિષ્ઠિત ખેલાડીઓ ભાગ લેશે, ગુજરાતના ખેલાડીઓ માટે ઉત્તમ તક
અમદાવાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશન (AITA)ના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આઠમી સપ્ટેમ્બરને સોમવારથી અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આઇટીએફ J30 જેવી પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. 14મી સપ્ટેમ્બર સુધી ચાલનારી આ ઇવેન્ટમાં ભારતના પ્રતિષ્ઠિત ખેલાડીઓ ઉપરાંત ગુજરાતના પણ ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેનારા છે. તાજેતરના ગાળામાં સતત ત્રીજી વાર આ પ્રકારની ટુર્નામેન્ટ અમદાવાદને ફાળવવામાં આવી છે. જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાઈ રહી છે.
આ અંગે માહિતી આપતાં ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ ક્રિષ્ણા ચિંતન પરીખે જણાવ્યું હતું કે ગુજરાતે તાજેતરમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ યોજી છે. આ તબક્કે રાજ્યના ખેલાડીઓને પ્રોત્સાહન મળે અને તેઓ સિદ્ધિ હાંસલ કરી શકે તે માટે અમે કટિબદ્ઘ છીએ. આ વખતે ગુજરાતના ઓલ ઇન્ડિયા લેવલે ક્રમાંકિત ખેલાડીઓ પણ ભાગ લેનારા છે. હાલમાં અમે ઓલ ઇન્ડિયા લેવલે ક્રમાંકિત ગુજરાતના ખેલાડીઓ માટે કાસ ઇન્સેન્ટિવ સ્કીમ પર કામગીરી કરી રહ્યા છીએ અને વર્ષ દરમિયાન ઉત્તમ રમત દાખવનારા ખેલાડીઓને પુરસ્કૃત કરીશું. આ ઇન્સેન્ટિવ રાજ્યની પ્રતિભાને સપોર્ટ કરવાની અને પ્રોત્સાહિત કરવાના અમારા પ્રયાસનું પરિણામ છે.
એસોસિયેશનના સેક્રેટરી ભરત ચોક્સીએ જણાવ્યું હતું કે અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન હંમેશાં ઉભરતા ખેલાડીઓને તેમની પ્રતિભા દાખવવાનું એક પ્લેટફોર્મ બની રહ્યું છે.
આ પ્રસંગે જીએસટીટીએના માનદ સચિવ શ્રીમલ ભટ્ટે જણાવ્યું હતું કે આઇટીએફ J30 ટુર્નામેન્ટમાં આ વખતે ગુજરાતના 22 ખેલાડી ભાગ લઈ રહ્યા છે જે વિક્રમ છે. રાજયના પ્રતિભાશાળી ખેલાડીઓમાં એશિયા અંડર-14 ચેમ્પિયન અને રોડ ટુ વિમ્બલડનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી જેન્સી કાનાબારને મેઇન ડ્રોમાં વાઇલ્ડ કાર્ડ પ્રવેશ મળ્યો છે જે ગર્વની બાબત છે. ગુજરાતના અન્ય નોંધપાત્ર ખેલાડીઓમાં દેવ વિપુલ પટેલ અને એંજલ પટેલ પણ સામેલ છે. અમે 12 વાઇલ્ડ કાર્ડ પ્રવેશ આપ્યા છે જેમાં મેઇન ડ્રોમાં ત્રણ અને ક્વોલિફાઇંગમાં ત્રણ ખેલાડીનો સમાવેશ થાય છે.
વાઇલ્ડ કાર્ડ પ્રવેશધારક ખેલાડીઓ. અહાન સોની, અગત્સ્ય ચૌધરી, વ્યોમ શાહ (ત્રણેય મેઇન ડ્રો), અદ્વેત નાગર, હેતાર્થ સોમપુરા અને મધાવ શાહ (ક્વોલિફાઇંગ). જેન્સી કાનાબાર, હની જુગમાની, માહિ રાઉલજી (મેઇન ડ્રો), વિશ્રુતિ પટેલ, કંસુલી કોસ્ટી (ક્વોલિફાઈંગ).
