સુરત

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે યોજાયેલી તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે અંડર-13માં મોખરાના ખેલાડી ધ્રુવ ભંભાણી અને ગર્લ્સમાં વિન્સી તન્નાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખીને ટાઇટલ જીતી લીધા હતા.
અંડર-13 બોયઝ કેટેગરીની ફાઇનલમાં કચ્છના ધ્રુવ
ભંભાણીએ બે ગેમની સરસાઈ હાંસલ કરી લીધી હતી પરંતુ બીજા ક્રમના અંશ ખમાર (અમદાવાદ)એ વળતી લડત આપીને આગામી બે ગેમ જીતીને સ્કોર સરભર કરી દીધો હતો. જોકે ધ્રુવે નિરાશ થયા વિના ધૈર્ય રાખીને અંતિમ ગેમ જીતવાની સાથે વર્તમાન સિઝનનું પોતાનું પ્રથમ ટાઇટલ 3-2થી જીતી લીધું હતું.
ગર્લ્સ કેટેગરીમાં સુરતની જ બે ખેલાડી વચ્ચે ફાઇનલ રમાઈ હતી જેમાં વિન્સી તન્નાએ તેની સાથી અને બીજા ક્રમની ધિમહી કાબરાવાલાને 3-0થી હરાવી હતી. તેણે વર્તમાન સિઝનમાં ત્રીજું ટિટલ જીત્યું હતું. આ ટુર્નામેન્ટમાં વિન્સીનું પ્રભુત્વ એટલી હદે રહ્યું હતું કે તેણે એક પણ ગેમ ગુમાવી નથી.
અંડર-11 બોયઝ અને ગર્લ્સ કેટેગરીમાં મોખરાના ક્રમાંકિત ખેલાડીઓ જ ચેમ્પિયન બન્યા હતા. બોયઝ ફાઇનલમાં અમદાવાદના નક્ષ પટેલે ત્રીજા ક્રમના શ્લોક દવેને 3-1થી હરાવ્યો હતો તો ગર્લ્સ ફાઇનલમાં મોખરાના ક્રમની અમદાવાદની મિશા લાખાણીએ બીજો ક્રમાંક ધરાવતી સુરતની દિવ્યા પટેલને 3-1થી હરાવી હતી.
અંડર-9માં મોખરાના ક્રમના વડોદરાના તનુષ ખિંદરીએ સુરતના સમર્થ ભાભોરને 3-0થી હરાવીને તથા ગર્લ્સ વિભાગમાં ત્રીજા ક્રમની અમદાવાદની શિવીકા અહલુવાલિયાએ અપસેટ સર્જીને એક ગેમ પાછળ રહ્યા બાદ મોખરાના ક્રમની કચ્છની અવિશી જૂનને 3-1થી હરાવીને સિઝનનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું.
ફાઇનલના પરિણામોઃ
અંડર-13 બોયઝઃ ધ્રુવ બાંભણીયા જીત્યા વિરુદ્ધ અંશ ખમાર 11-8,11-7,7-11,6-11,11-6.
અંડર-13 ગર્લ્સઃ વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ ધિમહી કાબરાવાલા 11-9,11-8,12-10
અંડર-11 બોયઝઃ નક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ શ્લોક દવે 11-6,14-12,10-12,12-10
અંડર-11 ગર્લ્સઃ મિશા લાખાણી જીત્યા વિરુદ્ધ દિવ્યા પટેલ 11-8,11-6,10-12,11-6
અંડર-9 બોયઝઃ તનુષ ખિંદરી જીત્યા વિરુદ્ધ સમર્થ ભાભોર 12-10,11-9,12-10
અંડર-9 ગર્લ્સઃ શિવીકા અહલુવાલિયા જીત્યા વિરુદ્ધ અવિશી જૂન 7-11,11-8,11-6,13-11
