અભિલાષે કારકિર્દીનું પ્રથમ ટાઇટલ જીત્યું સુરત ખાતેની રેન્કિંગ ટીટીમાં અભિલાષ મેન્સ ટાઇટલ જીત્યો

Spread the love

સુરત

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ સુરત ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (ટીટીએએસડી)ના ઉપક્રમે ત્રીજી થી છઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન અહીંની તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, નાર્થન ખાતે આયોજિત તાપ્તિ વેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શુક્રવારે અમદાવાદના અભિલાષ રાવલે 14 વર્ષના ઇંતેજારનો અંત લાવીને તથા ટાઇટલ નહીં જીતવાના તમામ અફસોસ અને સંઘર્ષને પાછળ રાખીને મેન્સ ટાઇટલ જીતી લીધું હતું. આ માટે ત્રીજા ક્રમના અભિલાષે મોખરાના ક્રમના જયનિલ મહેતાને 4-2થી હરાવ્યો હતો. 
આ ટુર્નામેન્ટ છ સપ્ટેમ્બર સુધી ચાલશે. તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર છે જ્યારે સ્ટિગા તેના ઇક્વિપમેન્ટ સ્પોન્સર છે.
અવિશ્વસનીય છે પરંતુ આ સાથે અભિલાષ કે જેના બાઇસેપ્સ કોઇ પણ બોડી બિલ્ડરને હંફાવી શકે તેવા છે જેણે તેની ટેબલ ટેનિસ કારકિર્દીમાં પહેલી વાર એટલે કે 14 વર્ષ બાદ ટાઇટલ જીત્યું હતું. “હું ઘણી વાર બીજા ક્રમે રહ્યો છું પરંતુ આજે મારો દિવસ હતો. હું મારી સમગ્ર કારકિર્દી પર પાછળ જઈને નજર કરું છું તો આજની સફળતા ધીરજ અને આત્મવિશ્વાસનું પરિણામ છે.” તેમ 22 વર્ષીય અભિલાષે જણાવ્યું હતું.
વિમેન્સ ફાઇનલમાં સુરતની જ બે ખેલાડી વચ્ચે મુકાબલો હતો જેમાં મોખરાના ક્રમની ફ્રેનાઝ ચિપીયાએ બીજા ક્રમની ફિલઝાહ ફાતેમા કાદરીને 4-1થી હરાવીને સિઝનમાં ત્રીજું ટાઇટલ જીતી લીધું હતું.
બોયઝ અને ગર્લ્સ અંડર-19માં મોખરાના ક્રમના જન્મેજય પટેલ (અરાવલ્લી) અને પ્રથા પવાર (અમદાવાદ)એ ટાઇટલ જીતી લીધાં હતાં.
અમદાવાદનો અને મોખરાનો ક્રમાંક ધરાવતા  માલવ પંચાલે બીજા ક્રમના તક્ષ કોઠારી (સુરત)ને 3-1થી હરાવીને અંડર-17 બોયઝ કેટેગરીમાં ચેમ્પિયન બન્યો હતો તો અમદાવાદની બીજા ક્રમની જિયા ત્રિવેદીએ સ્થાનિક અને ફેવરિટ દાનિયા ગોડીલને 3-0થી હરાવીને ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું.
જોકે દાનિયા નિરાશ થઈને પરત નહીં ફરે કેમ કે તણે અંડર-15 ગર્લ્સની ફાઇનલમાં ભાવનગરની ચાર્મી ત્રિવેદીને 3-1થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
અંડર-15 બોયઝમાં અપસેટ સર્જાયો હતો જ્યારે આઠમા ક્રમના કચ્છના નૈરિત વૈદ્યએ આકરી મહેનત કરીને કચ્છના જ ત્રીજા ક્રમના આરવ સિંઘવીને 17-15, 12-10, 11-8થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
કેટલાક ફાઈનલ પરિણામોઃ
મેન્સઃ અભિલાષ રાવલ જીત્યા વિરુદ્ધ જયનિલ મહેતા 11-9, 9-11, 4-11, 13-11, 11-9, 11-9.
વિમેન્સઃ ફ્રેનાઝ ચિપીયા જીત્યા વિરુદ્ધ ફિલઝાહ ફાતેમા કાદરી 8-11, 11-7, 11-9, 12-10, 11-3.
અંડર-19 બોયઝઃ જન્મેજય પટેલ જીત્યા વિરુદ્ધ ધ્યેય જાની 12-10, 11-3, 10-12, 5-11, 6-11, 11-8, 11-7.
અંડર-19 ગર્લ્સઃ પ્રથા પવાર જીત્યા વિરુદ્ધ રિયા જયસ્વાલ 11-8, 16-14, 11-4, 8-11, 11-6.
અંડર-17 બોયઝઃ માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ તક્ષ કોઠારી 11-9, 8-11, 11-8, 11-8.
અંડર-17 ગર્લ્સઃ જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ દાનિયા ગોડીલ 11-7, 11-8, 11-7.
અંડર-15 બોયઝઃ નૈરિત વૈદ્ય જીત્યા વિરુદ્ધ આરવ સિંઘવી 17-15, 12-10, 11-8.
અંડર-15 ગર્લ્સઃ દાનિયા ગોડીલ જીત્યા વિરુદ્ધ ચાર્મી ત્રિવેદી 11-5, 7-11, 11-8, 11-9.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *