યૂરોપની લોકપ્રિય ડાર્ટ ગેમને ગુજરાતની સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલોમાં લોકપ્રિય બનાવાશે
આગામી ચાર મહિનામાં અમદાવાદમાં નેશનલ ડાર્ટ ચેમ્પિયનશિપ યોજાશે તેવી સંભાવના
અમદાવાદ
ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત બનેલું ગુજરાત રાજ્ય હવે વિવિધ રમતો માટે સ્પોર્ટ્સ હબ બની રહ્યું છે અને સમયાંતરે વિવિધ રમતોના આયોજન થઇ રહ્યા છે અને કન્ડિશનિંગ કેમ્પ પણ યોજાઇ રહ્યા છે. ટાર્ગેટ સ્પોર્ટ્સ શૂટિંગ અને આર્ચરી જેવી વ્યક્તિગત રમતોને હવે વધારે પ્રાધાન્ય મળી રહ્યું છે અને હવે ડાર્ટ ગેમનો પણ ઉમેરો થઇ રહ્યો છે. યૂરોપિયન દેશોમાં યોજાતા લગભગ ૬૦ કરોડ રૂપિયાની જંગી પ્રાઇઝ મનીવાળા વર્લ્ડ કપની ડાર્ટ ગેમ હવે ગુજરાતમાં ખાસ કરીને સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલો ઉપરાંત કોર્પોરેટ સેક્ટરમાં પણ લોકપ્રિય બનાવવાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી છે તેવી ઇન્ડિયન ડાર્ટ કાઉન્સિલ (આઇડીસી)ના પ્રમુખ દેવેશ શ્રીવાસ્તવાએ જાણકારી આપી હતી. શ્રીવાસ્તવા અમદાવાદની બે દિવસની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ગુજરાત સરકારના રમતગમત તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વાટાઘાટ કરી હતી જે ઘણી સકારાત્મક રહી હતી. નજીકના સમયમાં સ્કૂલોમાં પણ ચેસની જેમ ડાર્ટ ગેમને ફરજિયાત બનાવવામાં આવશે.
શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું કે ડાર્ટ ગેમમાં બાળકોનું મેથેમેટિક્સ પણ મજબૂત બને છે. ખેલાડી વધારે શિસ્તબદ્ધ બને છે. તાજેતરમાં સુરત ખાતે વર્લ્ડ ડાર્ટ ગેમના ટ્રાયલ્સ યોજાયા હતા જેમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓ પસંદગી પામ્યા છે. મુકબધિર ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો પરંતુ થોડીક ટેક્નિકલ સમસ્યાઓના કારણે તેઓ ચોથા ક્રમે રહ્યા હતા. ભારતમાં ડાર્ટ ગેમની પ્રત્યેક ચાર મહિને નેશનલ્સનું આયોજન થાય છે.
યૂરોપમાં ડાર્ટનો વર્લ્ડ કપ રમાય છે અને તેમાં ફૂટબોલ બાદ સૌથી વધારે વ્યૂવર્સ તેને નિહાળે છે. સ્પોર્ટિંગ એસના ફાઉન્ડર પ્રમેશ મોદી અને રિંઝૂ ઝવેરીએ પણ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં ડાર્ટ ગેમ વધારે લોકપ્રિય બને તે માટે વિવિધ પ્લાનિંગ કર્યા છે. લગભગ ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં નેશનલ ચેમ્પિયનશિપ યોજાય તેવી સંભાવના છે. ડાર્ટ ગેમના વિકાસ માટે વિવિધ સ્તરના કોચ પણ તૈયાર કરવામાં આવશે અને યુવાઓ ડાર્ટ ગેમને કારકિર્દી તરીકે પણ અપનાવી શકે છે. નોંધનીય છે કે વિરાટ કોહલી પણ કેટલીક વખત મેચ પહેલાં ડાર્ટ રમતો હોવાની પણ માહિતી હાંસલ થઇ છે.
