દેવ ભટ્ટે વર્ચસ્વ જાળવી રાખીને વધુ એક અંડર-13 ટાઇટલ જીત્યું

Spread the love

ગાંધીધામ


ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાયેલી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં શુક્રવારે મોખરાના ક્રમના રાજકોટના દેવ ભટ્ટે પોતાની આગેકૂચ જારી રાખીને કચ્છના ધ્રુવ બ્રહ્મભટ્ટને 3-0થી હરાવીને અંડર-13 બોયઝ ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાઈ છે.

12 વર્ષીય દેવ ભટ્ટ વર્તમાન સિઝનમાં હજી સુધી અજેય રહ્યો છે. અગાઉ તેણે ભાવનગર, ગાંધીધામ, આણંદ, જામનગર અને વડોદરા ખાતે ટાઇટલ જીત્યું હતું જ્યારે સુરત ખાતેની ઇવેન્ટમાં તે રમ્યો ન હતો.
સુરતની વિન્સી તન્નાએ અંડર-13 ગર્લ્સ ટાઇટલ જીતવા માટે ચોથા ક્રમની સુરતની જ ધિમહી કાબરાવાલાને 3-2થી હરાવી હતી. આમ તેણે અંડર-13 ટાઇટલની હેટ્રિક સર્જી હતી. તેણે અગાઉ વડોદરા અને સુરતમાં પણ સફળતા હાંસલ કરી હતી.
જોકે સુરતની ધિમહીએ પણ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કર્યો હતો અને સેમિફાઇનલમાં મોખરાના ક્રમની ખનક શાહ (અમદાવાદ)ને 3-1થી હરાવીને અપસેટ સર્જ્યો હતો.
અંડર-19 બોયઝ અને ગર્લ્સ ફાઇનલમાં મોખરાના ક્રમના ખેલાડીઓ જીત્યા હતા. બોયઝ ફાઇનલમાં અમદાવાદના નક્ષ પટેલે બીજા ક્રમના કચ્છના રેહાંશ સિંઘવીને હરાવીને ટાઇટલ જીત્યું હતું. વર્તમાન સિઝનમાં તેણે આ કેટેગરીમાં પાંચમી વાર ટાઇટલ હાંસલ કર્યું છે.
નક્ષની માફક જ અમદાવાદની ગર્લ્સ અંડર-11ની મોખરાના ક્રમની મિશા લાખાણીએ કચ્છની ત્રીજા ક્રમની માયરા ખેસકાનીને 3-0થી હરાવીને સિઝનનું પાંચમું ટાઇટલ જીતી લીધું હતું.
ગર્લ્સ અંડર-15ની પ્રિ કવાર્ટર ફાઇનલમાં રોમાંચ સર્જાયો હતો કેમ કે ખનક શાહે ભાવનગરની બીજા ક્રમની ચાર્મી ત્રિવેદીને 3-1ખી હરાવીને બહાર કરી દીધી હતી.
કેટલીક ફાઇનલના પરિણામો
અંડર-13 બોયઝઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ ધ્રુવ બ્રહ્મભટ્ટ 11-6, 11-3, 11-3
અંડર-13 ગર્લ્સઃ વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ ધિમહી કાબરાવાલા 11-9, 11-5, 4-11, 6-11, 11-4
અંડર-11 બોયઝઃ નક્ષ પટેલ રેહાંશ સિંઘવી 11-7, 7-11, 4-11, 11-4, 15-13
અંડર-11 ગર્લ્સઃ મિશા લાખાણી જીત્યા વિરુદ્ધ માયરા ખેસકાની 11-4, 11-8, 11-7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *