ભારતમાં પીઈ ઇન્વેસ્ટમેન્ટ્સ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યાઃ ઇક્વિરસનો રિપોર્ટ

Spread the love

મુંબઈ

ભારતમાં પ્રાઇવેટ ઇક્વિટી (પીઈ) અને વેન્ચર કેપિટલ (વીસી) રોકાણો ત્રણ વર્ષની ઊંચાઈ સર કરીને 26 અબજ ડોલરે પહોંચ્યા છે જે ભારતની આર્થિક પ્રગતિમાં નવેસરથી જોવાઈ રહેલા વૈશ્વિક વિશ્વાસને દર્શાવે છે. મજબૂત કૃષિ ઉત્પાદન, સારું ચોમાસું અને તહેવારોની મોસમમાં ગ્રાહકો તરફથી જોવાઈ રહેલી નવી માંગના લીધે વિવિધ સેક્ટર્સમાં મૂડી રોકાણ માટેનું સાનુકૂળ વાતાવરણ ઊભું થયું છે.

આ પ્રગતિ ભારતના રોકાણ ક્ષેત્રે નોંધપાત્ર સુધારાને દર્શાવે છે. કેલેન્ડર વર્ષ 2025ના પહેલા નવ મહિનામાં પીઈ અને વીસી રોકાણો અનુક્રમે 2023 અને 2024માં નોંધાયેલી કુલ રોકાણની રકમથી વધી ચૂક્યા છે. સોદાની સંખ્યા વધી છે જેમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 દરમિયાન 1,363 સોદા નોંધાયા છે જે 2024માં 1,170 હતા. આ આંકડા સ્પષ્ટપણે ભારતના વધી રહેલા સોદા અને રોકાણકારનો ઉત્સાહ દર્શાવે છે.

ઇક્વિરસના મેનેજિંગ ડિરેક્ટર અને ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગના હેડ ભાવેશ શાહે જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ 2025માં ડીલનું મૂલ્ય વધ્યું છે કારણ કે 10 મિલિયન ડોલરથી ઓછી રકમના નાના સોદાની સંખ્યા ઘટીને કુલ ડીલના 40 ટકા થઈ છે જે કેલેન્ડર વર્ષ 2024મા 47 ટકા હતી જ્યારે 10થી 25 મિલિયન ડોલરના મધ્યમ કદના સોદાની ટકાવારી કેલેન્ડર વર્ષ 2024માં 21 ટકાથી વધીને કેલેન્ડર વર્ષ 2025ના અત્યારના સમય સુધી 31 ટકા થઈ છે.

સોદાના કદમાં આ ફેરફારથી 2025માં સરેરાશ સોદાનું મૂલ્ય 36.6 મિલિયન ડોલર થયું છે, જે 2024 માં 34.4 મિલિયન ડોલર હતું જે પીઈ અને વીસી કંપનીઓ દ્વારા મોટા અને વધુ વ્યૂહાત્મક રોકાણોનો સંકેત આપે છે.

સ્ત્રોતઃ ઇક્વિરસ કેપિટલ

આઈટી અને કન્ઝ્યુમર સ્ટેપલ્સ સેક્ટર્સની પ્રગતિનું નેતૃત્વ કરે છે

ભારતમાં જોવાઇ રહેલા ડિજિટલ પરિવર્તને રોકાણકારો માટે ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) અને કન્ઝ્યુમર સ્ટેપલ્સને ઉત્કૃષ્ટ ક્ષેત્રો તરીકે સ્થાન આપ્યું છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, SaaS નિકાસ અને એઆઈ-સક્ષમ બિઝનેસ સોલ્યુશન્સની મજબૂત માંગને કારણે કુલ પીઈ/વીસી ડીલ વેલ્યુમાં આઈટી ક્ષેત્રનો હિસ્સો 2024માં 23 ટકાથી વધીને 2025માં 35 ટકા થયો છે.

બરાબર આ જ સમયે, કન્ઝ્યુમર સ્ટેપલ્સ સેક્ટરે આકર્ષણ મેળવ્યું છે જે 2025માં કુલ સોદા મૂલ્યના 13 ટકા હિસ્સો ધરાવે છે, જે 2024માં ફક્ત 4 ટકા હતો, કારણ કે રોકાણકારો ભારતના વપરાશમાં વૃદ્ધિ, ગ્રામીણ ક્ષેત્રે રિકવરી અને ઉત્સવોમાં થતા ખર્ચના વલણ પર મદાર રાખી રહ્યા છે.

શ્રી શાહે ઉમેર્યું હતું કે બીજી તરફ, નાણાંકીય વર્ષ 2025માં કુલ રોકાણોમાં ફાઇનાન્શિયલ્સ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોનો હિસ્સો પાછલા વર્ષ કરતા ઘટ્યો હતો. કુલ પીઈ/વીસી રોકાણોમાં નાણાંકીય વર્ષ 2024માં 18 ટકાથી ઘટીને કેલેન્ડર વર્ષ 2025માં 11 ટકા થયો હતો, જ્યારે હેલ્થકેરનો હિસ્સો 19 ટકાથી ઘટીને 7 ટકા થયો હતો.

એક્ઝિટની એક્ટિવિટી મંદ પડી પરંતુ માર્કેટ ડેપ્થ હજુય મજબૂત

રોકાણ પ્રવાહમાં વધારો થયો છે, પરંતુ એક્ઝિટની પ્રવૃત્તિમાં નરમાઈ આવી છે. કેલેન્ડર વર્ષ 2025માં એક્ઝિટનું મૂલ્ય ચાર વર્ષના નીચલા સ્તરે 11 બિલિયન ડોલરે પહોંચી ગયું છે, જે 2024માં 20 બિલિયન ડોલર, 2023માં 17 બિલિયન ડોલર અને 2022માં 20 બિલિયન ડોલર હતું. જોકે, બ્લોક ડીલ્સ અને સેકન્ડરી માર્કેટ સેલ્સનું વર્ચસ્વ જેનું પ્રમાણ 2023 અને 2025 વચ્ચેના તમામ એક્ઝિટના 52-67 ટકા હતું, તે ભારતીય મૂડી બજારોની સતત ઊંડાઈ અને પ્રવાહિતા દર્શાવે છે.

2025માં, મોટાભાગના એક્ઝિટ માટે નાણાંકીય ક્ષેત્રો (28 ટકા), હેલ્થકેર (22 ટકા) અને ગ્રાહક વિવેકાધીન ક્ષેત્રો (18 ટકા) જવાબદાર હતા, જેનાથી રોકાણકારોનું ધ્યાન સ્કેલેબલ, ઉચ્ચ-વૃદ્ધિવાળા ક્ષેત્રો પર વધુ મજબૂત બન્યું છે.

શ્રી ગર્ગે ઉમેર્યું હતું કે ભારત વૈશ્વિક પીઈ/વીસી સમુદાયનું મુખ્ય આકર્ષણ છે, જેણે છેલ્લા દાયકામાં 13,000 સોદા અને કુલ 275 બિલિયન ડોલરથી વધુ સોદા મૂલ્યને ટેકો આપ્યો છે.

ભારતઃ વૈશ્વિક મૂડી માટેનું પસંદગીનું સ્થળ

ભારતના મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ, સ્થિતિસ્થાપક સ્થાનિક માંગ અને ગહનતા ધરાવતા મૂડી બજારો તેને લાંબા ગાળે વળતર મેળવવા માંગતા વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીના સ્થળ તરીકે સ્થાન આપી રહ્યા છે. વિક્રમજનક થઈ રહેલા સોદા, મધ્યમ કદના વધી રહેલા વ્યવહારો અને મજબૂત એક્ઝિટ માર્ગો સાથે, દેશ વિશ્વના સૌથી ડાયનેમિક પ્રાઇવેટ ઇક્વિટી માર્કેટ્સમાંના એક તરીકે તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *