- આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય.
- આઈસ્ક્રીમ દૂધની ચરબી (મિલ્ક ફેટ)માંથી, જ્યારે ફ્રોઝન ડેઝર્ટ વનસ્પતિ ચરબી (વેજિટેબલ ફેટ)માંથી બને છે.
- ખરીદી પહેલાં પેકેટનું લેબલ, ઘટકો અને પોષકતત્ત્વોની માહિતી તપાસવા ગ્રાહકોને અપીલ.
- શિક્ષિત વર્ગ, સોશિયલ મીડિયા યુઝર્સ અને વેપારીઓને જનજાગૃતિ અભિયાનમાં જોડાવા મંત્રીની અપીલ.
ગાંધીનગર:
રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ‘ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત બજારમાં વેચાતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોને માહિતગાર કરવામાં આવશે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને કોઈપણ ખાદ્યચીજ ખરીદતાં પહેલાં તેનું લેબલ વાંચીને જ ખરીદી કરવાનો અનુરોધ કર્યો છે.
આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોમાં પારદર્શિતા લાવવાના ઉદ્દેશ સાથે આરોગ્ય વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યભરમાં વેચાતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોમાં વ્યાપક જનજાગૃતિ લાવવા માટે ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટની બનાવટમાં છે મોટો તફાવત
બેઠકમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંને પ્રકારનાં ઉત્પાદનો ઉપલબ્ધ છે. બંને ઉત્પાદનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ નિર્ધારિત ખાદ્ય સુરક્ષાના માપદંડોને આધીન છે. દેખાવ, ઠંડક અને સ્વાદમાં બંને ઉત્પાદનો લગભગ સમાન લાગતાં હોવાથી મોટાભાગના ગ્રાહકો બંનેને આઈસ્ક્રીમ સમજીને ખરીદે છે. જોકે, બંનેની બનાવટમાં મૂળભૂત તફાવત છે.
આઈસ્ક્રીમ મુખ્યત્વે દૂધની ચરબી એટલે કે મિલ્ક ફેટમાંથી તૈયાર કરવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટની બનાવટમાં વનસ્પતિ ચરબી એટલે કે વેજિટેબલ ફેટનો ઉપયોગ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગના અંદાજ મુજબ રાજ્યના મોટા ભાગના નાગરિકો આ તફાવતથી અજાણ છે. પરિણામે તેઓ અજાણતાં જ ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ સમજીને ખરીદે છે અને આરોગે છે. આ સ્થિતિમાં ગ્રાહકોને બંને ઉત્પાદનોની ઓળખ અને બનાવટ અંગે યોગ્ય માહિતી મળે તે જરૂરી છે.
ખરીદી કરતાં પહેલાં લેબલ વાંચવાની મંત્રીની અપીલ
આરોગ્યમંત્રીએ ગ્રાહકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોઈપણ ખાદ્યચીજ ખરીદતાં પહેલાં તેના પેકેટ પરનું લેબલ અવશ્ય વાંચવું જોઈએ. તેમાં ઉત્પાદનનું નામ, વપરાયેલા ઘટકોની યાદી અને પોષકતત્ત્વોની માહિતી તપાસવી જોઈએ. ખાસ કરીને આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ખરીદતી વખતે તેની બનાવટમાં કયા પ્રકારની ચરબી અને અન્ય ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની ચકાસણી કરવી જોઈએ. ઉત્પાદન ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના લાગુ પડતા ધોરણોનું પાલન કરતું હોવું પણ એટલું જ જરૂરી છે.
વેપારીઓને પણ ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપવા સૂચના
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના આઈસ્ક્રીમ વિક્રેતાઓને પણ અપીલ કરી હતી કે, છૂટક આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરતી વખતે ગ્રાહકોને ઉત્પાદનની વાસ્તવિક ઓળખ અને બનાવટ અંગે સ્પષ્ટ માહિતી આપે. દુકાનો અને વેચાણ સ્થળોએ યોગ્ય ડિસ્પ્લે બોર્ડ અથવા માર્કિંગ રાખવામાં આવે, જેથી ગ્રાહકો આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સરળતાથી સમજી શકે અને પોતાની પસંદગી મુજબ ખરીદી કરી શકે.
સોશિયલ મીડિયા યુઝર્સને અભિયાનમાં જોડાવા અપીલ
આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન મીડિયાના સહયોગથી એનાલોગ પનીર, ચીઝ અને બટર અંગે લોકોમાં નોંધપાત્ર જાગૃતિ આવી છે. એ જ રીતે હવે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે પણ વ્યાપક જનજાગૃતિ ઊભી કરવાની જરૂર છે. આ માટે શિક્ષિત વર્ગ અને સોશિયલ મીડિયા યુઝર્સ આગળ આવે અને આ મહત્વપૂર્ણ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે. લોકો સુધી સાચી માહિતી પહોંચે તો તેઓ ખાદ્યચીજોની ખરીદી અંગે વધુ જાગૃત અને સમજદારીભર્યો નિર્ણય લઈ શકશે.
ફ્રોઝન ડેઝર્ટ એટલે ભેળસેળયુક્ત કે અસુરક્ષિત ઉત્પાદન નહીં
ખાસ ઉલ્લેખનીય છે કે ફ્રોઝન ડેઝર્ટ હોવાનો અર્થ એ નથી કે ઉત્પાદન ભેળસેળયુક્ત કે અસુરક્ષિત છે. જો ઉત્પાદન લાગુ પડતા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરતું હોય તો તે કાયદેસર રીતે વેચી શકાય છે. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંનેની ગુણવત્તા તથા પોષક મૂલ્ય તેમાં વપરાયેલા ઘટકો અને ઉત્પાદન પ્રક્રિયા પર આધારિત હોય છે. આ અભિયાનનો મુખ્ય હેતુ કોઈ એક ઉત્પાદન સામે નકારાત્મક અભિપ્રાય ઊભો કરવાનો નહીં, પરંતુ ગ્રાહકોને યોગ્ય માહિતી આપીને તેમને જાગૃત બનાવવાનો છે.
આ મહત્વપૂર્ણ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
