- ઘાસકોર દરવાજા પાસે આવેલા તાના-રીરી સમાધિ સ્થળે બે દિવસીય મહોત્સવ યોજાશે.
- પંડિત જયતીર્થ મેવુન્ડી, પૂર્વાંયન ચેટર્જી, કુમારેશ રાજગોપાલન સહિતના કલાકારો આપશે પ્રસ્તુતિ.
- વર્ષ 2026ના તાના-રીરી એવોર્ડથી હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીનું સન્માન કરાશે.
વડનગર/મહેસાણા
ગુજરાતની સમૃદ્ધ શાસ્ત્રીય સંગીત પરંપરા અને ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરતો પ્રતિષ્ઠિત ‘તાના-રીરી મહોત્સવ-2026’ આવતીકાલથી ઐતિહાસિક નગરી વડનગરમાં શરૂ થશે. ગુજરાતની સુપ્રસિદ્ધ સંગીત બેલડી તાના અને રીરીની સ્મૃતિમાં 19 અને 20 નવેમ્બર દરમિયાન બે દિવસીય સંગીત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશના નામાંકિત શાસ્ત્રીય સંગીતકારો અને લોકકલાકારો પોતાની કલાની સુરાવલીઓથી સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત સંગીત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર પ્રતિભાઓને પ્રતિષ્ઠિત તાના-રીરી એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવશે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ મહોત્સવનું સ્થળ વડનગરના ઘાસકોર દરવાજા પાસે આવેલું તાના-રીરી સમાધિ સ્થળ રહેશે. બંને દિવસ સાંજે 6:30 કલાકે સંગીત કાર્યક્રમોનો પ્રારંભ થશે.
પ્રથમ દિવસે શાસ્ત્રીય સંગીત અને લોકકલાનો સંગમ
મહોત્સવના પ્રથમ દિવસે ગુરુવાર, 19 નવેમ્બરે શાસ્ત્રીય સંગીત અને લોકકલાની વિવિધ પ્રસ્તુતિઓ યોજાશે. કાર્યક્રમની શરૂઆત કુમારી સૂર્યા ગાયત્રીના શાસ્ત્રીય ગાયનથી થશે. ત્યારબાદ પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ અને વિદ્વાન કુમારેશ રાજગોપાલન શાસ્ત્રીય જુગલબંધીની પ્રસ્તુતિ કરશે. બંને કલાકારોની સંગીતમય જોડી મહોત્સવના પ્રથમ દિવસનું મુખ્ય આકર્ષણ બની રહેશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં હાર્દિક દવે લોકકલાની વિવિધ કૃતિઓ રજૂ કરીને ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિની ઝલક રજૂ કરશે.
બીજા દિવસે જયતીર્થ મેવુન્ડી અને પૂર્વાંયન ચેટર્જીની પ્રસ્તુતિ
મહોત્સવના બીજા દિવસે શુક્રવાર, 20 નવેમ્બરે પણ સંગીતની વિવિધ શૈલીઓનો અનોખો સમન્વય જોવા મળશે. બીજા દિવસના કાર્યક્રમની શરૂઆત પંડિત જયતીર્થ મેવુન્ડીના શાસ્ત્રીય ગાયનથી થશે. ત્યારબાદ પંડિત પૂર્વાંયન ચેટર્જી અને તેમના વૃંદ દ્વારા શાસ્ત્રીય વાદનની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત ભૌમિક શાહ લોકકલાની વિશિષ્ટ રજૂઆત કરીને મહોત્સવમાં ચાર ચાંદ લગાવશે.
હેતલ મહેતા જોષી અને માલિની અવસ્થીને તાના-રીરી એવોર્ડ
તાના-રીરી મહોત્સવ દરમિયાન સંગીત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનિત કરવાની પરંપરા પણ જાળવવામાં આવશે. વર્ષ 2026ના પ્રતિષ્ઠિત ‘તાના-રીરી એવોર્ડ’ માટે સુશ્રી હેતલ મહેતા જોષી અને સુશ્રી માલિની અવસ્થીની પસંદગી કરવામાં આવી છે. બંને પ્રતિભાઓને એવોર્ડ એનાયત કરીને સંગીત ક્ષેત્રે તેમના યોગદાનને બિરદાવવામાં આવશે.
તાના-રીરીની સંગીત સાધના અને બલિદાનની અમર ગાથા
ઐતિહાસિક વડનગર માત્ર પુરાતત્ત્વીય વારસા માટે જ નહીં, પરંતુ સંગીત અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે. તાના અને રીરી ગુજરાતની એવી સંગીત બેલડી છે, જેમની સંગીત સાધના અને આત્મબલિદાનની ગાથા આજે પણ લોકસ્મૃતિમાં જીવંત છે. લોકમાન્યતા અનુસાર, ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ સંગીતની આરાધના દ્વારા રાગ-રાગિનીઓ પર અસાધારણ પ્રભુત્વ મેળવ્યું હતું.
સંગીત સમ્રાટ તાનસેને જ્યારે રાગ દીપક ગાયો ત્યારે તેના શરીરમાં અગનજ્વાળાઓ પ્રગટી હતી. આ સમયે તાના અને રીરીએ વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે મલ્હાર રાગનું ગાન કરીને તાનસેનને દાહમાંથી મુક્તિ અપાવી હોવાની ઐતિહાસિક લોકકથા પ્રચલિત છે. આ ઘટનાને પગલે તાના અને રીરીની સંગીત પ્રતિભા અને સમર્પણની ગાથા સંગીતના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે.
આ બંને મહાન સંગીત સાધિકાઓની સ્મૃતિને જીવંત રાખવા અને ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી દર વર્ષે વડનગરમાં તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
બે દિવસ સુધી વડનગરની ધરા શાસ્ત્રીય સંગીત, વાદન અને લોકકલાની સુરાવલીઓથી ગુંજી ઊઠશે. આ મહોત્સવ સંગીતપ્રેમીઓ માટે અનોખો સાંસ્કૃતિક અવસર બની રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંગીતપ્રેમી નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મહોત્સવનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
