અમદાવાદની 16 વર્ષીય પ્રથાએ વિમેન્સ, અંડર-19 અને અંડર-17 ટાઇટલ જીત્યાં, સુરતની ટીમ ઓવરઓલ ચેમ્પિયન
ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાયેલી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં પ્રારંભમાં વારંવાર સર્જાયેલા વિવિધ અપસેટને કારણે શનિવારે પાંચમા અને અંતિમ દિવસે નવા જ ખેલાડીએ ટાઇટલ હાંસલ કર્યા હતા. આ ટુર્નામેન્ટ આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાઈ હતી.
14મીથી 18મી ઓક્ટોબર દરમિયાન યોજાયેલી આ ટુર્નામેન્ટમાં વર્તમન ટીટી કેલેન્ડરના મહત્તમ રેન્કિંગ પોઇન્ટ અહીંથી મળવાના હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહકારથી યોજાયેલી આ ટુર્નામેન્ટના કો-સ્પોન્સર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હતા. જ્યારે કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન વેન્યૂ પાર્ટનર રહેશે. સ્ટિગા આ ટુર્નામેન્ટમાં ઇક્વિપમેન્ટ સ્પોન્સર તરીકે જારી રહ્યા હતા.
મેન્સ સેમિફાઇનલમાં સાતમા ક્રમના પ્રથમ માદલાણી (વડોદરા)એ ચોથા ક્રમના રાજકોટના જયનિલ મહેતાને 4-3થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. અગાઉ મોખરાના ક્રમના અમદાવાદના ધૈર્ય પરમાર બિનક્રમાંકિત પૂજન ચંદારાણા (ભાવનગર) સામે રાઉન્ડ ઓફ 32માં હારી ગયો હતો તો અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટનો પ્રથમ માદલાણી સામે પરાજય થયો હતો જ્યારે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં અમદાવાદના ત્રીજો ક્રમાંક ધરાવતા અભિલાષ રાવલનો બિનક્રમાંકિત ખેલાડી સોહમ ભટ્ટાચાર્ય સામે પરાજય થયો હતો.
વિમેન્સ વિભાગમાં અમદાવાદની પ્રથા પવારે શાનદાર પ્રદર્શન કરીને ત્રણ ટાઇટલ હાંસલ કર્યાં હતાં. ત્રીજા ક્રમની ખેલાડીએ સુરતની ભૂતપૂર્વ ચેમ્પિયન ફ્રેનાઝ છિપીયાને 4-1થી હરાવીને પોતાની કારકિર્દીમાં પહેલી વાર સ્ટેટ ચેમ્પિયનશિપનું વિમેન્સ ટાઇટલ જીત્યું હતું.
એદ ગ્રૂપ કેટેગરીમાં પણ પ્રથાએ વર્ચસ્વ જમાવ્યું હતું. તેણે અંડર-19 અને અંડર-17 ટાઇટલ જીત્યા હતા. અંડર-19ની ફાઇનલમાં તેણે દાનિયા ગોદીલને હરાવી હતી તો અંડર-17ની ફાઇનલમાં પ્રથાનો મૌબોની ચેટરજી સામે 4-1થી વિજય થયો હતો.
સુરતના માત્ર 13 વર્ષના વિવાન દવેએ અંડર-19 અને અંડર-15 એમ બે કેટેગરીમાં ટાઇટલ જીત્યું હતું. તેણે અંડર-19માં પૂજન ચંદારાણાને 4-1થી હરાવીને તથા અંડર-15માં રાજકોટના ફેવરિટ મનાતા દેવ ભટ્ટને હરાવીને ઠાઇટલ જીત્યા હતા.
અમદાવાદના અભિલાક્ષ રાવલે બોયઝ અંડર-17 ટાઇટલ જીતવા માટે વડોદરાના વેદ પંચાલને 3-1થી તથા સુરતની દાનિયા ગોદીલે ગર્લ્સમાં ખનક શાહને 3-0થી હરાવી હતી.
ઓવરઓલ ચેમ્પિયનશિપ ટ્રોફી સુરત જિલ્લાને ફાળે રહી હતી જેણે આઠ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને અમદાવાદને એક ગોલ્ડ મેડલથી પાછળ રાખી દીધું હતું.
ફાઇનલના પરિણામો:
મેન્સઃ પ્રથમ માદલાણી જીત્યા વિરુદ્ધ જયનિલ મહેતા 11-1, 9-11, 11-7, 12-14, 12-10, 8-11,11-8
વિમેન્સઃ પ્રથા પવાર જીત્યા વિરુદ્ધ ફ્રેનાઝ છિપીયા 5-11, 11-3, 11-6, 11-9, 11-6
અંડર-19 બોયઝઃ વિવાન દવે જીત્યા વિરુદ્ધ પૂજન ચંદારાણા 9-11, 11-7, 11-7, 11-9, 11-7
અંડર-19 ગર્લ્સઃ પ્રથા પવાર જીત્યા વિરુદ્ધ દાનિયા ગોદીલ 11-2, 10-12, 11-9, 11-4, 11-7
અંડર-17 બોયઝઃ અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ વેદ પંચાલ 12-14, 14-12, 11-6, 11-4
અંડર-17 ગર્લ્સઃ પ્રથા પવાર જીત્યા વિરુદ્ધ મૌબોની ચેટરજી 11-5, 7-11, 11-7, 11-6
અંડર-15 બોયઝઃ વિવાન દવે જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ 9-11, 11-7,11-9, 7-11,11-9
અંડર-15 ગર્લ્સઃ દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ ખનક શાહ 11-5, 11-4, 11-7
