ગાંધીનગર
ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તથા પ્રોટોકોલ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે પ્રફુલ પાનશેરીયાએ પદભાર સંભાળ્યો.

આ પવિત્ર પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ “સર્વજન સુખાય અને સર્વજન હિતાય” એવા શુભ સંકલ્પ સાથે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આ તકે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ રાજ્યના આરોગ્ય અને તબીબી શિક્ષણ ક્ષેત્રે આધુનિકતા, કાર્યક્ષમતા અને સર્વસમાવેશી સુવિધાઓનો લાભ અંત્યોદયના માનવી સુધી પહોંચે તેવા દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને તેમની ટીમ દ્વારા કાર્ય શરૂ કરવામાં આવશે.
આ અવસરે અસીમ લાગણી સાથે સૌજન્યપૂર્ણ શુભકામનાઓ બદલ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અંતઃ કરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
