ગાંધીનગર
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડ લીગની ગાંધીનગરમાં રમાયેલી મેચમાં આણંદના તીર્થ પટેલ તથા મોયુદ્દીનના 1-1 ગોલની મદદથી દેવભૂમિ દ્વારિકાને 2-1થી હાર આપી હતી. દ્વારિકાના વિજય ચૌધરીએ 1 સેલ્ફ ગોલ કર્યો હતો.

રાજકોટે સૈઈદ સોહેલ પાસાના 2 ગોલ અને સોમિલ ફૂલાણીના 1 ગોલથી જામનગરને 3-1થી પરાજય આપ્યો હતો. જામનગર તરફથી સેન જોશેફ દ્વારા 1 ગોલ કરાયો હતો.
ત્રીજી મેચમાં બરોડાએ મીત ઠાકરના 2 ગોલ, કેવિન જાદવ, ગૌરવ સિંઘા, વિશ્વા ધારેના 1-1 ગોલની મદદથી ભાવનગરને 5-1 થી મહાત આપી હતી. ભાવનગરના સ્વરાજ્ય દ્વિવેદીએ પેનલ્ટી કીકથી 1 ગોલ ફટકાર્યો હતો.
અડાલજમાં રમાયેલી મેચમાં અમદાવાદે અમન શાહ દ્વારા પેનલ્ટી કીક દ્વાર ફટકારેલા એક માત્ર ગોલથી ગાંધીનગરને 1-0 થી મહાત આપી હતી.
બીજી મેચમાં પંચમહાલે સહાદત પઠાણના 2 ગોલ, રોહન કુમાર, ઇરફાન અબ્બાસી, હર્ષ પરમારના 1-1 ગોલની મદદથી પાટણને 5-1 થી હરાવ્યું હતું, પાટણના પરમ માનસત્તાએ 1 ગોલ કર્યો હતો.
ત્રીજી મેચ છોટાઉદેપુર અને જુનાગઢની ટીમ વચ્ચે ખુબજ સંઘર્ષપૂર્ણ રહી હતી બંને ટીમો 2-2 ની બરાબરી પર રહી હતી. છોટાઉદેપુર ની ટીમની પકડ મેચ પર પહેલાથી જ હતી. કાવી ચૌહાણ દ્વારા 8મી મિનિટે ગોલ કરી લીડ મેળવી હતી. વર્ષણ રાઠવા દ્વારા સેલ્ફ ગોલથી મેચ 1-1 પર બરોબર થઈ હતી. છોટાઉદેપુરના જેટવિક ગામિત દ્વારા ગોલ કરી ટીમને 2-1ની લીડ અપાવી હતી. મેચની છેલ્લી સેકન્ડમાં જુનાગઢના સસાંગ ના ગોલ થી મેચ 2-2 ની બરાબરી પર ડ્રૉ થઈ હતી.
ત્રણે ગ્રુપની ટોપ ટીમ આણંદ, અમદાવાદ અને જુનાગઢ વચ્ચે ફાઇનલ રાઉન્ડ સુપર લીગ સ્ટેજની મેચ રમાશે.
ફાઇનલ રાઉન્ડ સુપર લીગ સ્ટેજની મેચના કાર્યક્રમ
31.10.25ના રોજ આણંદ અને અમદાવાદની ટીમ વચ્ચે, 1.11.2025 ના રોજ અમદાવાદ અને જુનાગઢની ટીમ વચ્ચે, 2.11.2025 ના રોજ જુનાગઢ અને આણંદ ની ટીમ વચ્ચે, ગાંધીનગરમાં મેચ રમાશે.
