પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદથી ફેલાતા રોગચાળાના અટકાયતી પગલાં માટે બેઠક યોજાઇ

Spread the love

ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે દરેક PHC, CHC, અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ :આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ગાંધીનગર

રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના રહેલી છે. જે અંતર્ગત તા. ૦૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો થવાની ખૂબ સંભાવના રહેલી છે. આરોગ્ય તંત્ર દ્વારા આ રોગોના નિયંત્રણ માટે રાજ્યના દરેક PHC, CHC, સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

વધુમાં, મંત્રીએ જણાવ્યું હતું કે, વરસાદની સિઝનમાં સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુઓ મોટી સંખ્યામાં જમીનની બહાર નીકળતા હોય છે. જ્યારે પણ આવા ઝેરી જીવ કરડે ત્યારે ખેડૂતો સહિત રાજ્યના નાગરિકોએ અંધશ્રદ્ધાનો સહારો ન લેતા તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. મંત્રીશ્રીએ દરેક PHC, CHC, સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો અને 108 મેડિકલ વાનમાં એન્ટિ વેનમ તેમજ અન્ય જરૂરી દવાનો પૂરતો જથ્થો રાખવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

આ મિટિંગમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવીચારણ, અધિક નિયામક નિલમ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *