બ્લડ કેન્સરના દર્દીઓને જીવતદાન આપતી નવી અદ્યતન સારવાર- CAR-T

Spread the love

મૈરિંગો સિમ્સ હોસ્પિટલની કેન્સરની CAR-T સેલ થેરાપીમાં અનોખી સિદ્ધિ, પોષાય તેવી સારવારથી દર્દીઓને રાહત, વિદેશમાં થતા કરોડથી વધુની કિંમતનું ઓપરેશન દેશમાં 30 લાખ સુધીમાં થશે

અમદાવાદ

બ્લડ કેન્સરના દર્દીઓ માટે રાહત આપતા સમાચાર છે. કીમો થેરાપી સહિતની તમામ સારવારથી પણ એક ડગલું આગળ હવે દેશમાં પહેલીવાર CAR-T (ચાઇમેરિક એન્ટિજન રિસેપ્ટર ટી-સેલ) થેરાપી સફળતાપૂર્વક આપવામાં આવી છે. આ ક્ષેત્રે મૈરિંગો સિમ્સ હોસ્પિટલે સિદ્ધિ હાંસલ કરી છે. આ થેરાપી પુનરાવર્તિત બી-સેલ એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા (ALL) થી પીડિત એક દર્દી પર કરવામાં આવી હતી, જે હોસ્પિટલની અદ્યતન ઑન્કોલોજી કાળજી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું મહત્વપૂર્ણ ઉદાહરણ છે.

વિદેશમાં કરોડથી વધુનો ખર્ચ પણ દેશમાં 30 લાખમાં સારવાર શક્ય

આ અંગે માહિતી આપતા હેડ ઓફ મેડિકલ ઑન્કોલોજી ડૉ. ભાવેશ પારેખે જણાવ્યું હતું કે બલ્ડ કેન્સરના દર્દીઓ માટે આ સારવાર જીવતદાન આપનારી બની રહેશે. આ સારવાર બાદ દર્દી  પછીના કેટલાક વર્ષો સુધી સ્વસ્થ જીવન જીવી શકે છે. 2010માં આ પદ્ધતિનું સંશોધન થયા બાદ હવે તે એકદમ સચોટ રીતે ઉપયોગમાં લેવાતી થઈ છે. વિદેશોમાં આ સારવાર પાછળ દર્દીને એક કરોડથી વધુનો ખર્ચ કરવો પડે છે જ્યારે દેશમાં આ સારવાર પાછળ 30 લાખ જેટલો ખર્ચ થાય છે.

દર્દીના ટી-સેલ્સને જિનેટિક રીતે ફેરફાર કરાય છે

CAR-T થેરાપી રક્તસંબંધિત કેટલાક કેન્સર માટેની અતિ આધુનિક અને ક્રાંતિકારી સારવાર છે. તેમાં દર્દીના પોતાના ટી-સેલ્સને જિનેટિક રીતે ફેરફાર કરીને કેન્સર સેલ્સને નષ્ટ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ થેરાપી ખૂબ મોંઘી હોવાથી મોટા ભાગના દર્દીઓ માટે અપ્રાપ્ય રહી છે. પરંતુ મૈરિંગો સિમ્સ હોસ્પિટલ એ આ જીવનદાયી સારવારને વધુ પોષાય તેવી બનાવીને ગુજરાત અને તેની બહારના ઘણા દર્દીઓ માટે નવી આશા જગાવી છે.

હોસ્પિટલનો ખાસ અભિગમ

આ થેરાપી સફળતાપૂર્વક ડૉ. કૌમિલ પટેલ (કન્સલ્ટન્ટ હિમેટોલોજિસ્ટ, હિમેટો-ઑન્કોલોજિસ્ટ અને BMT ફિઝિશિયન)ના નેતૃત્વ હેઠળ, ડૉ. ભાવેશ પારેખ (હેડ ઓફ મેડિકલ ઑન્કોલોજી) અને તેમની ટીમોના મહત્વપૂર્ણ સહકારથી કરવામાં આવી હતી. આ સિદ્ધિ મૈરિંગો સિમ્સ હોસ્પિટલના બહુવિશિષ્ટ (Multidisciplinary) અભિગમને રેખાંકિત કરે છે.

વિશ્વસ્તરની થેરાપીને દર્દીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસઃ ડૉ. કૌમિલ પટેલ

ડૉ. કૌમિલ પટેલે જણાવ્યું, “મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં પહેલીવાર CAR-T ઇન્ફ્યુઝન કરવું માત્ર એક તબીબી સિદ્ધિ નથી — તે વિશ્વસ્તરીય કેન્સર થેરાપીને સૌથી વધુ જરૂરિયાત ધરાવતા દર્દીઓ સુધી પહોંચાડવા તરફનું એક પગલું છે.”

અન્ય થેરાપી નિષ્ફળ રહે ત્યાં CAR-T કારગાર

પરંપરાગત સારવાર પછી પણ જેના રોગમાં પુનરાવર્તન થયું હતું તે દર્દીએ CAR-T થેરાપી પછી સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને હોસ્પિટલની ઑન્કોલોજી તથા હિમેટોલોજી ટીમો તેના પર નજીકથી દેખરેખ રાખી રહી છે. CAR-T થેરાપી દર્દીના ઇમ્યુન સિસ્ટમને ફરીથી પ્રોગ્રામ કરીને કેન્સર સેલ્સને ઓળખી નષ્ટ કરવા માટે સક્ષમ બનાવે છે — જે અન્ય થેરાપી નિષ્ફળ રહે ત્યાં પરિણામ આપે છે.

CAR-T થેરાપી હેમેટોલોજિક કેન્સર ક્ષેત્રમાં ગેમ-ચેન્જર

યુનિટ મેડિકલ ડિરેક્ટર ડૉ. આર. શંકરનએ જણાવ્યું, “CAR-T થેરાપી હેમેટોલોજિક કેન્સર ક્ષેત્રમાં ગેમ-ચેન્જર સાબિત થઈ છે. તે આપણને એક વ્યક્તિગત અને અત્યંત અસરકારક સારવાર વિકલ્પ આપે છે, જે અગાઉ ખર્ચ અને ઉપલબ્ધતાના કારણે મોટાભાગના દર્દીઓ માટે શક્ય નહોતું.”

મૈરિંગો એશિયા હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઇઓ ડૉ. રાજીવ સિંઘલએ જણાવ્યું, “મારેંગો એશિયા હોસ્પિટલ્સમાં અમારી પ્રતિબદ્ધતા સ્પષ્ટ છે — અદ્યતન ટેકનોલોજી, નિષ્ણાત ટીમો અને દર્દી-પ્રથમ ફિલોસોફી દ્વારા ક્લિનિકલ એક્સલન્સ પહોંચાડવાની. CAR-T થેરાપીની સફળતા એ દર્શાવે છે કે અમે વૈશ્વિક સ્તરની સારવાર હવે ભારતમાં દર્દીઓ સુધી લાવી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *