‘ગો કોમનવેલ્થ! ગો યુનિટી! ગો ૨૦૨૬!’ ના નારા સાથે ત્રણ દિવસ સુધી અમદાવાદમાં કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવશે**ગગન નારંગ, માના પટેલ સહિત જાણીતા એથ્લિટ્સે અમદાવાદમાં કિંગ્સ બેટન રિલેને આવકારી

અમદાવાદ
વર્ષ ૨૦૨૬માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટનનું અમદાવાદમાં ભવ્ય આગમન થયું છે. કોમનવેલ્થના મૂલ્યો અને રાષ્ટ્રની ઓળખ ઉજાગર કરતી “ધ કિંગ્સ બેટન રિલે — રોડ ટુ કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો ૨૦૨૬” ઇવેન્ટ કોમનવેલ્થની એકતા, માનવતા, સમાનતા અને નિયતિના સાચા ભાવને ઉજાગર કરે છે. આ બેટન આપણને યાદ અપાવે છે કે સાચી જીત ભાગીદારી, દયા અને આપણી વહેંચાયેલી માનવતાની એકતામાં રહેલી છે.
અમદાવાદમાં ૧૫મી થી ૧૭મી નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો થકી કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવી રહી છે. પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટીથી શરૂ કરીને IIT ગાંધીનગર, સંસ્કારધામ, એલ. જે યુનિવર્સિટી અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવી હતી.
કિંગ્સ બેટન રિલેને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં લંડન ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલિસ્ટ ગગન નારંગ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટી ખાતે જાણીતા ઓલિમ્પિયન સ્વિમર માના પટેલ, IIT ગાંધીનગર ખાતે એથલેટિક્સના આંતરરાષ્ટ્રીય પ્લેયર રુચિત મોરી, સંસ્કારધામ ખાતે જુડો સિનિયર નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ રોહિત મજગુલ, એલ. જે યુનિવર્સિટી ખાતે સ્વિમર દેવાંશ પરમાર, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ડિયન અંડર ૧૭ ફૂટબોલ ટીમના ખેલાડીઓ કિંગ્સ બેટન રિલેને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
