મેરેથોનના દિવસે ટ્રાફિક સંદર્ભે ગુગલ મેપની મદદ લેવા ટ્રાફિક પોલીસની ભલામણ, રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કથી મેરેથોન સવારે 4 વાગે શરૂ થશે, સઘન સુરક્ષા, ટ્રાફિક સંકલન અને મેડીકલ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી

અમદાવાદ
અમદાવાદમાં 9મી અદાણી અમદાવાદ મેરેથોન (AAM) 30 નવેમ્બર, 2025 ના રોજ યોજાશે. આ ઈવેન્ટના સંદર્ભે શહેરના અને શહેરની બહારથી આવતા નાગરિકોને ટ્રાફિકમાં કોઈ અગવડ ન પડે તે માટે શહેર ટ્રાફિક પોલીસે આયોજકોને ગુગલ મેપની મદદ લેવા ભલામણ કરી છે અને 300 જેટલા પોલીસ કર્મીઓ ઈવેન્ટના સલામત અને સુચારૂ સંચાલન માટે ખડે પગં હાજર રહેશે.
રેસ ડિરેક્ટર ડેવિડ કુંડી, વર્લ્ડ એથ્લેટિક્સ કોર્સ મેઝરમેન્ટ એડમિનિસ્ટ્રેટર (એશિયા અને ઓશનિયા)એ ઈવેન્ટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઈવેન્ટ તેના 10 વર્ષના સીમાચિહ્નથી માત્ર એક જ વર્ષ દૂર છે ત્યારે આ મેરેથોન તેનો વ્યાપ વધારી રહી છે. આ વર્ષની આવૃત્તિમાં લગભગ 24,000+ દોડવીરો ભાગ લેશે તેવી અપેક્ષા છે. તેના ઉચ્ચ સ્તરીય ધોરણો માટે માન્યતા પ્રાપ્ત, AAM, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) અને એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસ (AIMS) દ્વારા પ્રમાણિત છે. વર્ષ 2022 થી, તે AIMS ગ્લોબલ મેરેથોન ઇવેન્ટ લિસ્ટમાં સામેલ છે, જે વિશ્વભરમાં પ્રીમિયર ડિસ્ટન્સ-રનિંગ ઇવેન્ટ્સમાં તેનું સ્ટેટસ દર્શાવે છે.
વર્ષ 2023 માં રજૂ કરાયેલા સીનિક કોર્સની આ ત્રીજી આવૃત્તિ હશે. આ ટ્રેક અમદાવાદના સૌથી પ્રતિષ્ઠિત સ્થળો અટલ બ્રિજ, ગાંધી આશ્રમ અને એલિસ બ્રિજથી પસાર થાય થાય છે, જે એથલીટ ફ્રેન્ડલી રન પ્રદાન કરે છે.
30 નવેમ્બરે, રવિવારે આ મેરેથોનને લીલી ઝંડી આપવા માટે, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ના ડિરેક્ટર પ્રણવ અદાણી હાજર રહેશે. તેમની સાથે, સશસ્ત્ર દળોના આદરણીય સભ્યો, ભારતીય વાયુસેનાના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નાગેશ કપૂર, ભારતીય સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ ગૌરવ બગ્ગા અને અભિનેત્રી, લેખક અને ફિટનેસ એક્સપર્ટ મંદિરા બેદી પણ આ પ્રસંગે હાજર રહેશે.
આ ઈવેન્ટ દરમિયાન મેડિકલ માટે KD હોસ્પિટલે આધિકારિક મેડિકલ પાર્ટનર તરીકે એક વ્યાપક મેડિકલ સપોર્ટ સિસ્ટમ ડિઝાઇન કરવામાં મદદ કરી છે. સમગ્ર કોર્સમાં 21 મેડિકલ બૂથ મૂકવામાં આવશે અને હોલ્ડિંગ એરિયામાં એક ક્રિટિકલ-કેર સ્ટેશનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર રૂટ પર 108 એમ્બ્યુલન્સ વિશેષ રીતે તૈનાત રહેશે. વધુમાં, તાલીમ પામેલા સ્વયંસેવકોથી સજ્જ વિવિધ હાઇડ્રેશન સેન્ટરો, દોડ દરમિયાન રમતવીરોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે.
અમદાવાદના સેક્ટર-1ના એડિશનલ પોલીસ કમિશનર નિરજ કુમાર બડગુજરે ભીડ વ્યવસ્થાપન અને ઈમરજન્સી રિસ્પોન્સ માટે વ્યાપક યોજનાઓની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “પોલીસ અને રનિંગ(દોડ) હંમેશા એક ઊંડો સંબંધ ધરાવે છે. પરીક્ષાઓ માટેની તાલીમથી લઈને તાલીમ શિબિરો સુધી અને અત્યારે પણ, દોડ હંમેશા મહત્વપૂર્ણ રહી છે. મેરેથોનનો રૂટ સાત પોલીસ સ્ટેશનોથી પસાર થશે. પોલીસ વિભાગના 200થી વધુ પોલીસ કર્મીઓ પણ મેરેથોન માટે ઉત્સાહિત છે. “
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) ભાવના પટેલે જણાવ્યું હતું કે, “પોલીસની ટીમ સ્પષ્ટ ડાયવર્ઝન, સ્વયંસેવકો અને સલાહકારો ગોઠવશે, જેથી નાગરિકો સરળ, સલામત અને યાદગાર રેસ દિવસનો આનંદ માણી શકે. આયોજકો ટ્રાફિક વ્યવસ્થાપન સંદર્ભે ગુગલ મેપની મદદ લે એ બહારથી આવનારો માટે વધુ યોગ્ય રહેશે.”
KD હોસ્પિટલના ડૉ. અમીર સંઘવીએ જણાવ્યું હતું કે, ” અમારી તબીબી ટીમો ટ્રેક પર તૈયાર રહેશે અને દરેકની સલામતી સુનિશ્ચિત કરશે.”
અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરાએ આ ઈવેન્ટ માટે શહેરની વિવિધ સંસ્થાઓ અને નાગરિકોનો તેમના સતત સપોર્ટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે મેરેથોનની થીમ, #Run4OurSoldiers પર ભાર મૂક્યો હતો, જેમાં 4,000+ સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ ભાગ લેશે, જેઓ ભારતના સંરક્ષણ દળોને સન્માન આપશે અને ઓપરેશન સિંદૂરમાં દર્શાવેલી તેમની બહાદુરીને યાદ કરશે.
