- આ ટુર્નામેન્ટમાં વિવિધ ટીમો વચ્ચે ભારે રસાકસી સાથે સ્પર્ધાત્મક માહોલ જામ્યો હતો

અમદાવાદ:
ગુજરાતમાં યોજાયેલી પોલો ઇવેન્ટ, ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’, ત્રણ દિવસની અત્યંત રોમાંચક અને સ્પર્ધાત્મક પોલો, ઘોડેસવારીની રમત અને સાંસ્કૃતિક પ્રદર્શન સાથે રવિવારે સમાપ્ત થઈ હતી. ગુજરાત પોલો ક્લબ દ્વારા આયોજિત અને અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ ટુર્નામેન્ટ, 2 થી 4 જાન્યુઆરી દરમિયાન શેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી.
આ ટુર્નામેન્ટના ત્રીજા અને અંતિમ દિવસે રસાકસીભર્યા મુકાબલાઓ જોવા મળ્યા હતા. દિવસનું મુખ્ય આકર્ષણ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી બે મહિલા ટીમો એપોલો એવિએટર્સ અને લાયન્સ ડેન લિજેન્ડ્સ વચ્ચેનો એક રોમાંચક જંગ રહ્યો હતો. અત્યંત રસાકસીભર્યા આ મુકાબલામાં લાયન્સ ડેન લિજેન્ડ્સે એપોલો એવિએટર્સને ૪–૩ ના મામૂલી અંતરથી હરાવીને રોમાંચક વિજય મેળવ્યો હતો. એપોલો એવિએટર્સ વતી સંજુલા માનએ ત્રણેય ગોલ કરીને પ્રશંસનીય દેખાવ કર્યો હતો, જ્યારે લાયન્સ ડેન લિજેન્ડ્સ તરફથી ડો. શિવાંગી જયસિંહે ત્રણ ગોલ ફટકારીને ટીમનું નેતૃત્વ કર્યું હતું. ટીમના વિજયમાં લાવણ્યા શેખાવતે છેલ્લો ગોલ કરીને એક મહત્વનું યોગદાન આપ્યું હતું.
મેન્સ ફાઈનલ પર ટકી હતી, જેમાં મેફેર પોલો અને પુણે વોરિયર્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. નિર્ધારિત સમયના અંતે બંને ટીમો ૭–૭ ની બરાબરી કરી હતી, જેના કારણે મેચ વધુ રોમાંચક બની હતી. અંતે, પુણે વોરિયર્સે નિર્ણાયક ‘ગોલ્ડન ગોલ’ ફટકારીને ૮-૭ થી મેચ પોતાના નામે કરીને પ્રતિષ્ઠિત ટ્રોફી પર જીત હાંસલ કરી હતી. પુણે વોરિયર્સની જીતમાં લાન્સ વોટસન ‘સ્ટાર’ રહ્યો હતો, જેણે એકલા હાથે ૭ ગોલ કર્યા હતા, જ્યારે મેજર અનંત રાજપુરોહિતે એક ગોલ નોંધાવ્યો હતો. બીજી તરફ, મેફેર પોલો તરફથી ડીનો ધનખર અને ડેનિયલ ઓટામેન્ડીએ ૩-૩ ગોલ અને લેફ્ટનન્ટ કર્નલ વિશાલ ચૌહાણે ૧ ગોલ ફટકારીને મજબૂત લડત આપી હતી. ટુર્નામેન્ટના અંતે સન્માન અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો.
