WTT યૂથ કન્ટેન્ડરમાં ગુજરાતના વિવાનને ગોલ્ડ, રેહાંશ બ્રોન્ઝ જીત્યો

Spread the love

વડોદરા

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડાના ઉપક્રમે તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલી સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર વડોદરા 2026 ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના વિવાન દવેએ નૈશા રેવાસ્કર સાથે જોડી બનાવીને ઉમદા પ્રદર્શન કર્યું હતું. આ જોડીએ અંડર-15 મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ટુર્નામેન્ટ બીજીથી પાંચમી જાન્યુઆરી દરમિયાન યોજાઈ હતી.


લગભગ એક તરફી બની ગયેલી ફાઇનલમાં ચોથા ક્રમની વિવાન (સુરત) અને નૈશાની જોડીએ સંપૂર્મ વર્ચસ્વ જમાવી દીધું હતું. તેમણે રેયાંશ જાલન અને તનિષ્કા કાલભૈરવની જોડીને 3-0 (11-8, 11-8, 11-3)થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
આ જોડીએ શાનદાર ઢબે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. રાઉન્જ ઓફ 16માં તેમણે રિશાન ચટ્ટોપાધ્યાય અને શ્રીજીની ચક્રવર્તીને અને ત્યાર બાદ ક્વાર્ટર ફાઇનલમાં સત્યનારાયણ કે. અને આર્યા રેડકરની જોડીને 3-1 (8-11, 11-9, 11-8, 11-8) થી હરાવી હતી.
સેમિફાઈનલ મેચ રોમાંચક બની રહી હતી જેમાં વિવાનની જોડીએ મોખરાના ક્રમની આદિત્ય દાસ અને અનોલિકા ચક્રવર્તીની જોડીને પાંચ ગેમમાં 3-2 (13-11, 5-11, 11-7, 5-11, 23-21)થી હરાવી હતી.
દરમિયાન ગુજરાતના નવ વર્ષના રેહાંશ સિંઘવીએ પ્રભાવશાળી રમત દાખવીને અંડર-11 બોયઝ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
કચ્છના ખેલાડીએ ગ્રૂપમાં વન મોખરાનું સ્થાન હાંસલ કર્યું હતું. તેણે ત્રિશાંજીત ઘોષ (11-2, 11-8, 11-8), ઇશાન કોલાસા (11-8, 11-7, 11-6) અને સિદ્ધાર્થ વિજયકુમારને (11-7, 11-5, 11-4) સીધા સેટમાં હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અંતિમ ચારમાં રેહાંશ શાર્વિલ કરામ્બેલકર સામે 0-3(8-11, 12-14, 5-11)થી હારી ગયો હતો.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ શ્રીપ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરા ખાતે યોજાયેલી WTT કન્ટેન્ડરમાં ગુજરાતના ચાર યુવાન ખેલાડી વિવાન દવે, રેહાંશ સિંઘવી, દેવ ભટ્ટ અને ધિમહી કાબરાવાલાના મજબત પ્રદર્શનથી પુરવાર થઈ ગયું છે કે રાજ્યમાં યુવાન અને પ્રતિભાશાળીઓ ઉભરી રહ્યા છે. “કમસે કમ ચાર ગુજરાતી ખેલાડીઓએ તેમના ઘરઆંગણે શાનદાર પ્રદર્શન કર્યું છે. જીએસટીટીએ માટે આ ગૌરવવંતી ક્ષણ છે અને આપણા જુનિયર ખેલાડીઓ વધુને વધુ સારો દેખાવ કરે તે માટે તેમની એસોસિયેશન શુભેચ્છા પાઠવે છે. તેમ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *