અમદાવાદ
ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ત્રણને સર્ટિફિકેટ ઓફ એકેડમિક એક્સલન્સ એવોર્ડ સહિત 38 છાત્રોને પદવી એનાયત કરવમાં આવી હતી. 38 પદવીઓમાં 19 માસ્ટર્સ અને અન્ય બેચલર્સની ડીગ્રી હતી. સંસ્થા દ્વારા સ્પોટર્સ એન્ડ ઈવેન્ટ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સ, બેચલર ઓફ સાયન્સ (સ્પોટર્સ મેનેજમેન્ટ), બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ સાયન્સ (કમ્પ્યુટર સાયન્સ)ની પદવીઓ એનાયત કરાઈ હતી. રાઠોડ હેલી કમલેશને માસ્ટર ઓફ સાયન્સ (સ્પોટર્સ એન્ડ ઈવેનન્ટ મેનેજમેનટ), બોરિચા પ્રિત સુભાષને બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને મિશ્રા આદિત્ય સંજયને બેચલર ઓફ સાયન્સ (કમ્યુટર સાયન્સ)માં સર્ટિફિકેટ ઓફ એકેડમિક એક્સલન્સ એવોર્ડ એનાયત કરાયા હતા.
દીક્ષાંત સમારોહને સંબોધતાં ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ઉદિત શેઠેજણાવ્યું હતું કે, આજના સ્નાતકો માત્ર ડિગ્રી ધારકો નથી, પરંતુ તેઓ વિચારક, નવીનતા સર્જનારા અને જવાબદાર નાગરિક તરીકે સમાજમાં યોગદાન આપશે. ભવિષ્ય તેમનું છે, જેઓ જ્ઞાન સાથે હેતુની સ્પષ્ટતા, અનુકૂલનક્ષમતા અને પરિવર્તનનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે.
યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. આદિલ સુમારીવાલાએજણાવ્યું હતું કે, રમતગમત, શિક્ષણ, ટેકનોલોજી અને નેતૃત્વનું સંકલન કરતી સંસ્થાની કલ્પના શરૂઆતમાં અપરંપરાગત લાગી હશે, પરંતુ આજે તે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત શૈક્ષણિક માળખા તરીકે ઉભરી આવી છે.
ડૉ. સુમારીવાલાએ ભારતની ૨૦૩૬ ઓલિમ્પિક રમતોના આયોજનની મહત્ત્વાકાંક્ષાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આવનારા વર્ષોમાં રમતગમત, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રે નવી પ્રણાલીઓના નિર્માણ માટે પ્રતિબદ્ધ યુવા નેતાઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
