ગાંધીધામ
ભારતની સ્ટાર જોડી હરમિત દેસાઈ અને યશસ્વિની ઘોરપાડેએ WTT સ્ટાર કન્ટેન્ડર ચેન્નાઈ 2026 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મિક્સ ડબલ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અંતે રનર્સ અપ રહેતા સિલ્વર મેડલથી સંતુષ્ટ રહ્યા હતા. અલ્ટિમેટ ટેબલ ટેનિસ અને શરથ કમાલ એકેડમીના ઉપક્રમે તામિલનાડુ ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં આ ઇવેન્ટ યોજાઈ હતી.

ફાઇનલમાં હરમિત અને ધોરપાડેની જોડીનો મુકાબલો વિશ્વના 13મા ક્રમના અને અનુભવી એવા રોમાનિયાના એડુઆર્ડ આઈઓનેસ્કુ અને બર્નાડેટે સ્કોઝસ્ક સામે હતો. અગાઉના રાઉન્ડમાં અત્યંત મજબૂત રમત છતાં ભારતીય જોડી અંતે 0-3 (9-11, 2-11, 8-11)થી હારી ગઈ હતી અને સિલ્વર મેડલ જીતી હતી.
આ પરાજય છતા WTT સ્ટાર કન્ટેન્ડરની આ આવૃત્તિમાં ભારત માટે હરમિત અને યશસ્વિની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી જોડી રહી હતી.
આ જોડીએ ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી. તેમણે રોમાનિયાની દારિયસ મોવિલેનુ અને આન્દ્રીયા ડ્રેગોમાનની જોડીની રાઉન્ડ ઓફ 16માં 3-0થી હરાવી હતી.
ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડીએ પોતાના જ દેશના અંકુર ભટ્ટાચાર્યજી અને સ્વસ્તિકા ઘોષની જોડીને 3-1 (11-8, 11-9, 12-10, 11-8)થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેમનો મુકાબલો અન્ય એક ભારતીય જોડી પાયસ જૈન અને સિન્ડ્રેલા દાસ સામે હતો. હરમિત અને ઘોરપાડેની વિશ્વની 33મા ક્રમની જોડીને 3-0 (11-9, 11-6, 11-9)થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
હરમિત દેસાઈએ ચેન્નાઈમાં તેના આ શાનદાર પ્રદર્શનને ખાસ ગણાવ્યું હતું. “આ ઇવેન્ટમાં મારો પ્રથમ સિલ્વર જીતવા બદલ મને હંમેશાં સારી લાગણી થઈ રહી છે. યશસ્વિની અને હું ખાસ મેચોમાં સાથે રમ્યા નથી કેમ કે અમે આમ કરવા ઇચ્છતા હતા પરંતુ તેમ છતાં અમે સારા પરિણામ લાવવામાં સફળ રહ્યા છીએ. આ સાથે અમે વિશ્વ ક્રમાંકમાં 14મા સ્થાને પહોંચી ગયા છીએ જેનાથી અમારા બંનેનો આત્મવિશ્વાસ વધી ગયો છે.” તેમ તેણે ઉમેર્યું હતું.
ટેબલ ટેનિસમાં સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ્સ એમ ત્રણેય ફોર્મેટમાં રમવાથી કેવી રીતે વર્કલોડ મેનેજમેન્ટ શક્ય બને છે તે અંગે ચર્ચા કરતાં હરમિતે જણાવ્યું હતું કે તમામ ફોર્મેટ અલગ અલગ પ્રકારની તૈયારી માગી લે છે અને ખેલાડી પાસે તે ક્ષમતા પણ માગી લે છે. “ક્યારેક એમ લાગતું હતું કે યશસ્વિનીની સાથે રમીને મારી પાસે વધારે મહેનત માગી લે છે પરંતુ અમે બંને વધુને વધુ ટુર્નામેન્ટ રમવા માગીએ છીએ અને શક્ય તેટલા વધારે પોઇન્ટ હાંસલ કરી લેવા માગીએ છીએ જેથી અમે સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઈ કરી શકીએ.” તેમ 32 વર્ષીય હરમિતે જણાવ્યું હતું.
નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે હરમિતના સાતત્યપૂર્ણ પ્રદર્શનથી રાહત અનુભવનારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ સુરતના આ ખેલાડીની પ્રશંસા કરી હતી અને તેને યુવાનો માટે પ્રેરક ગણાવ્યો હતો. “અમારો સુરતનો હરમિત સાતત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે હવે છેલ્લા એક દાયકાથી રાજ્ય અને દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારો ખેલાડી બની ગયો અને ઉભરતા ખેલાડીઓ માટે ઉચ્ચ ધોરણો સ્થાપિત કરી રહ્યો છે.” તેમ શ્રી ચૌધરીએ જણાવ્યું હતું.
