દક્ષિણ ગુજરાત ચેમ્બરની કલા, સંસ્કૃતિ અને હસ્તકલા સમિતિ દ્વારા અમદાવાદમાં ચાર દિવસીય કલા પ્રદર્શનનો પ્રારંભ

ટેક્નોલોજીના આવ્યા બાદ કલાકારો માટે મોટા પડકાર ઊભા થવા સ્વાભાવિક છે પરંતુ હસ્તકલાનું લોકપ્રિયતા હજુપણ અકબંધ છે કેમકે ટેક્નોલોજી આર્ટ બનાવી શકે પણ આર્ટમાં કલાકારની ભાવના-તેની સચોટતા તેમાં પ્રાણ પૂરતા હોય છે, એમ સુરતના વન્યજીવન ફોટોગ્રાફર સૌરભ દેસાઈએ કહ્યું હતું.
હસ્તકલા અંગે નવજીવન ટ્રસ્ટના વિવેક દેસાઈએ ભારપૂર્વક કહ્યું કે ટેક્નોલોજીથી નિર્મિત કલા એ માસ માટે છે પણ હાથથી સર્જાયેલી કલાએ ક્લાસ માટે છે. ટેક્નોલોજી તેની કૃતિમાં પ્રાણ ન પૂરી શકે જ્યારે કલાકાર જેતે કૃતિને હ્રદયથી બનાવતો હોય તેથી કૃતિમાં કલાકારની ભાવનાઓ પણ વ્યક્ત થતી જોવા મળે છે કૃતિને ટેક્નોલોજીથી બનાવેલી કૃતિ કરતા વધુ સક્ષમ બનાવે છે.
પ્રદર્શનમાં ભાગ લેનારા કલાકારોઃ અનંત ગજ્જર, અવની દેસાઈ, ડૉ. કલ્પના પટેલ, ગીરા પારેખ, હિના મહુવાગરા, હિતેન્દ્ર ટંડેલ, જય ગોહિલ, જિજ્ઞેશ જરીવાલા, ખુશાલી વાઢેલ, કૃતી ગિલિટવાલા, માનસી વિરાની, પ્રભાકર કામલે, રાધા, શૌર્ય સરધારા, શિખા શાહ, વૈશ્નવી પટેલ, વિનિતા કુમારી, રાજીવ કાપડી, ભાવેશ પટેલ.
અમદાવાદની સત્ય આર્ટ ગેલેરી ખાતે ૧૯ થી ૨૨ માર્ચ ૨૦૨૬ દરમિયાનના પ્રદર્શનમાં ૧૯ કલાકારોએ પોતાની કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું છે જે અંગે કલાકારો અને તેમની કૃતિઓનો પરિચય કરાવતા સૌરભ દેસાઈ અને વિવેક દેસાઈએ ટેક્નોલોજીના હસ્તકલા પર પ્રભાવ અંગે કહ્યું હતું.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આર્ટ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફ્ટ કમિટી દ્વારા કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદમાં ચાર દિવસીય કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કલા પ્રદર્શન ૧૯ થી ૨૨ માર્ચ, ૨૦૨૬ દરમિયાન અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં નવજીવન ટ્રસ્ટ (ગુજરાત વિદ્યાપીઠ પાછળ, આશ્રમ રોડ ઓફ) ની સત્ય આર્ટ ગેલેરી ખાતે શરૂ થયું છે. આ પ્રદર્શન બપોરે ૧૨ થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
દક્ષિણ ગુજરાત ચેમ્બરની કલા, સંસ્કૃતિ અને હસ્તકલા સમિતિના અધ્યક્ષા સ્વાતિ સેઠાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના કલાકારો સમગ્ર ગુજરાતમાં તેમની કલા પ્રદર્શિત કરી શકે તે હેતુથી અમદાવાદમાં કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન કલા અને સંસ્કૃતિના પ્રચાર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે, જ્યાં કલા પ્રેમીઓને વિવિધ કલાકૃતિઓ નજીકથી જોવાની તક મળશે.
આ કલા પ્રદર્શનમાં કુલ ૧૯ પ્રતિભાશાળી કલાકારોએ ૫૦ થી વધુ વિવિધ પ્રકારની કલાકૃતિઓ પ્રદર્શિત કરી છે. ચિત્રકામ, સર્જનાત્મક અભિવ્યક્તિ અને કલાના વિવિધ સ્વરૂપોને લગતી આ કૃતિઓ કલા પ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. મુલાકાતીઓને વિવિધ શૈલીઓ અને થીમ્સની કલાકૃતિઓને નજીકથી જોવાની અને કલાકારોની સર્જનાત્મકતાને સમજવાની ઉત્તમ તક મળશે.
