સુરતમાં ભાજપનો 120માંથી 115 બેઠક પર વિજય

Spread the love

2021માં 27 બેઠક જીતનાર આપને માત્ર ચાર બેઠકો મળી, કોંગ્રેસનો 1 બેઠક પર વિજય

અમદાવાદ

ગુજરાતના રાજકારણમાં શહેરી વિસ્તારો હંમેશા ભાજપનો મજબૂત ગઢ રહ્યા છે, અને આ વખતે સુરત મહાનગરપાલિકાના પરિણામોએ સાબિત કરી દીધું છે કે આ ગઢ વધુ અભેદ્ય બન્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી સુરત પર શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને સુરતીઓએ આગામી પાંચ વર્ષ માટે ફરી સત્તાની ચાવી સોંપી છે. સ્થાનિક ચૂંટણીમાં મનાઈ રહ્યું હતું કે સુરતમાં આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી રહી છે પરંતુ પરિણામ આવતા આપના ગાજ્યાં ઢોલ વાગ્યા નહીં, અને ગત ચૂંટણી કરતાં પણ નબળું પ્રદર્શન સામે આવ્યું છે.

ભાજપની પ્રચંડ જીત અને વિપક્ષની પડતી

સુરત મહાનગરપાલિકાની કુલ 120 બેઠકો માટે થયેલા સરેરાશ 59.21% મતદાન બાદ જે પરિણામો આવ્યા છે તે ચોંકાવનારા છે. ભાજપે 120માંથી રેકોર્ડબ્રેક 115 બેઠકો પર વિજય મેળવ્યો. જ્યારે 2021માં 27 બેઠકો જીતનાર આમ આદમી પાર્ટી આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ગત ચૂંટણીમાં શૂન્ય પર રહેલી કોંગ્રેસ આ વખતે માત્ર નામ પૂરતી 1 બેઠક મેળવી શકી છે.

આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની હાર

આપ ના પ્રદેશ મહામંત્રી અને સંગઠનના પાયાના નેતા ગણાતા મનોજ સોરઠીયાને વોર્ડ નંબર 4 માં હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપની આખી પેનલ (હેતલ પરમાર, હંસા ગજેરા, અરવિંદ કાકડીયા અને મહેશ કાકડીયા) એ અહીં ભવ્ય વિજય મેળવ્યો છે.

સુરત મનપાના વિપક્ષના નેતા પાયલ સાકરીયાની હાર

સુરત મનપાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાની વોર્ડ નંબર 16 માં હાર થઈ છે. અહીં ભાજપે આપ પાસેથી સીટો છીનવીને આખી પેનલ જીતી લીધી છે.

સુરત મનપા વિપક્ષ વિહોણી રહેશે

સુરતમાં 1995 બાદ પ્રથમ વખત વિપક્ષ નેતાનું પદ ખાલી રહેશે. સુરત પાલિકાની 120 બેઠકમાંથી ભાજપને ફાળે 115 આપ ને 4 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. પાલિકામાં સત્તાવાર રીતે વિપક્ષને સ્થાન મળે તે માટે સાત બેઠક જરુરી છે પરંતુ બે પક્ષ મળીને પણ સાત બેઠક થઈ શકે તેમ નથી. તેથી પાલિકા કચેરી 1995 પછી ફરી એક વાર વિપક્ષી કેબિન વિનાની જોવા મળશે એટલું જ નહી પરંતુ વિપક્ષી નેતા ન હોવાથી વિપક્ષને ગાડી કે ફોન પણ મળી શકશે નહીં.

સુરતના પરિણામો સ્પષ્ટ કરે છે કે 2021 માં જે ‘આપ’ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી હતી, તેને ભાજપે સંગઠન અને વ્યૂહરચનાથી પછાડી દીધી છે. ભાજપે 115 બેઠકો કબજે કરીને સુરતને પોતાનું અજેય કેન્દ્ર સાબિત કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *