યુએઈ ILT20 સિઝન માટે સાયમન હેલમૉટની ગલ્ફ જાયન્ટ્સના હેડ કોચ તરીકે નિમણૂંક

Spread the love
  • પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સ્ટ્રેટેજીસ્ટ સાયમન હેલમૉટ ડોમેસ્ટિક અને ગ્લોબલ ફ્રેન્ચાઈઝ ટી20 ક્રિકેટનો 2 દાયકાથી વધુ સમયનો અનુભવ ધરાવે છે.
  • સાયમન આઈપીએલમાં 2013થી હૈદરાબાદની ફ્રેન્ચાઈઝ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત તેમની પાસે વૈશ્વિક સ્તરે વિવિધ ટી20 લીગમાં ટાઈટલ જીતનાર અભિયાનમાં યોગદાન આપવાનો અનુભવ પણ રહેલો છે.
  • વર્ષ 2024માં તેમણે મહિલા બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સને પ્રથમવાર ટાઈટલ જીતાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જે તેમની તાજેતરની સિદ્ધિઓમાંથી એક છે.

અમદાવાદ

અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા ડીપી વર્લ્ડ યુએઈ ILT20 લીગની આગામી સિઝન અગાઉ દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ રણનીતિકાર સાયમન હેલમૉટની ગલ્ફ જાયન્ટ્સના હેડ કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

હેલમૉટ પાસે 2 દાયકાથી વધુ સમયનો ડોમેસ્ટિક, આંતરરાષ્ટ્રીય અને ફ્રેન્ચાઈઝ ક્રિકેટનો બહોળો અનુભવ છે, જેમાં વિશ્વભરની વિવિધ ટી20 લીગનો અનુભવ પણ સામેલ છે. સાયમન 2013થી આઈપીએલમાં હૈદરાબાદ ફ્રેન્ચાઈઝનો ભાગ રહ્યાં છે. આ ઉપરાંત તેઓ ઓસ્ટ્રેલિયા, કેરેબિયન અને યુએઈની ટી20 લીગમાં પણ ઘણાં ટાઈટલ વિજેતા અભિયાનમાં યોગદાન આપી ચૂક્યા છે. તેમણે આ વર્ષો દરમિયાન ટીમ માટે ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરવા માહોલ તૈયાર કરતા હોવાની પ્રતિષ્ઠા હાંસલ કરવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત તેઓ દબાણની સ્થિતિમાં પણ ખેલાડી પાસે તેની ક્ષમતાનું મહત્તમ પ્રદર્શન કરાવવા માટે પણ જાણીતા છે.

ગલ્ફ જાયન્ટ્સના હેડ કોચ બનતા પહેલા સાયમને મેલબોર્ન રેનેગેડ્સ સાથેનો 5 સિઝનનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. જે દરમિયાન તેમણે મહિલા બિગ બેશ લીગમાં 2024માં ટીમને પ્રથમવાર ટાઈટલ જીતવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ગલ્ફ જાયન્ટ્સ સાથે જોડાવવાની પ્રક્રિયા દરમિયાન હેલમૉટ હાલમાં અમદાવાદ ખાતે અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL)ના ડિરેક્ટર પ્રણવ અદાણી સાથે મુલાકાત કરી હતી. આ સમયે તેમની વચ્ચે ગલ્ફ જાયન્ટ્સના લાંબાગાળાના વિઝન અને ILT20ની આગામી સિઝનની તૈયારીઓ વિશે ચર્ચા થઈ હતી.

હેડ કોચ પદે નિમણૂંક બાદ હેલમૉટે કહ્યું કે,”હું ગલ્ફ જાયન્ટ્સની યુએઈ ILT20 માટેની ભાવિ યાત્રા મુદ્દે ઉત્સુક છું. મારી પ્રણવ અદાણી સાથેની ચર્ચા દરમિયાન અદાણી સ્પોર્ટ્સલાઈનની લાંબાગાળા માટે એક મજબૂત સ્પોર્ટિંગ ઈકોસિસ્ટમ તૈયાર કરવાની પ્રતિબદ્ધતા જોવા મળી. આ સાથે ટેલેન્ટેડ ખેલાડીઓની ક્ષમતા વધારવા ઉપરાંત પ્રતિસ્પર્ધી ટીમ તૈયાર કરવા અંગે ચર્ચા થઈ. હું ખેલાડીઓ અને સ્પોર્ટિંગ સ્ટાફ સાથે મળીને આગામી સફળ સિઝન મુદ્દે કામ કરવા ઉત્સુક છું.”

પ્રણવ અદાણી એ આ મુદ્દે કહ્યું કે,”અમે સાયમનનું ગલ્ફ જાયન્ટ્સ અને અદાણી સ્પોર્ટ્સલાઈન પરિવારમાં સ્વાગત કરીએ છીએ.સાયમન વૈશ્વિક ક્રિકેટ ફ્રેન્ચાઈઝમાં શાનદાર અનુભવ ધરાવે છે અને સાથે ટી20 ઈકોસિસ્ટમને સારી રીતે સમજવા ઉપરાંત પ્રતિસ્પર્ધી તથા ઉચ્ચ સ્તરીય પ્રદર્શન કરતી ટીમો તૈયાર કરવાની ક્ષમતા સાબિત કરી ચૂક્યા છે. તેમના નેતૃત્ત્વ અભિગમ અને ખેલાડીઓના વિકાસ જેવા મુદ્દા અમારા ગલ્ફ જાયન્ટ્સના લાંબાગાળા વિઝન સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે. અમે આગામી સિઝન તેમના માર્ગદર્શન હેઠળ જોઈ રહ્યાં છીએ.”

2023માં લૉન્ચ થનાર યુએઈ ILT20 લીગને વિશ્વની મુખ્ય ટી20 લીગની યાદીમાં સ્થાન મળ્યું છે. જેમાં ક્રિકેટ રમતા મોટા દેશના ટોચના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, કોચ અને ફ્રેન્ચાઈઝીઓ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *