સનરાઈજર્સ હૈદ્રાબાદ સામે 29 બોલમાં ઝંજાવાતી 97 રન બનાવ્યા બાદ 15 વર્ષના યુવા બેટરે સદી ચુકવા પર કહ્યું
મુંબઈ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને એકતરફી મુકાબલામાં હરાવીને ક્વોલિફાયર-2 માં જગ્યા બનાવી લીધી છે. મુલ્લાંપુરના મેદાન પર રમાયેલી આ મેચમાં રાજસ્થાને મેળવેલી ભવ્ય જીત બાદ હવે આગામી મેચ માટે ગુજરાત ટાઇટન્સ માટે પણ જોખમની ઘંટી વાગી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ હવે શુક્રવારે (29 મે) ના રોજ આ જ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટાઇટલ માટે જંગ ખેલશે.
વિજયનો હીરો
રાજસ્થાનની આ વિસ્ફોટક જીતનો સૌથી મોટો હીરો 15 વર્ષનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહ્યો. વૈભવે હૈદરાબાદના બોલરોની લાઇન-લેન્થ બગાડતા માત્ર 29 બોલમાં 97 રનની તોફાની ઇનિંગ રમીને મેચનું પાસું સંપૂર્ણપણે પલટી નાખ્યું હતું. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
સદી ચૂકવા પર વૈભવનો જવાબ
IPL ઇતિહાસની સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી (સૌથી ઝડપી સદી) ચૂકવા અંગે જ્યારે વૈભવને પૂછવામાં આવ્યું ત્યારે તેણે પરિપક્વતા બતાવતા કહ્યું કે, હું જ્યારે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો ત્યારે મને ખબર પડી કે હું કોઈ રેકોર્ડની નજીક હતો. મારો ફોકસ કોઈ વ્યક્તિગત રેકોર્ડ પર નથી, પરંતુ ટીમ માટે વધુમાં વધુ યોગદાન આપવા પર હતું. સદી તો ભવિષ્યમાં પણ બનશે, પરંતુ અત્યારે અમારો એકમાત્ર ટાર્ગેટ IPL ટ્રોફી જીતવાનો છે. વૈભવે ઉમેર્યું કે, તે વિરોધી ટીમની રણનીતિ પર વધારે ધ્યાન નથી આપતો. તે મેચ પહેલા માત્ર બોલર્સ, વિકેટનું વલણ અને બાઉન્ડ્રીની સાઇઝ સમજી લે છે. જો બેટ્સમેન પોઝિટિવ માઇન્ડસેટ સાથે રમે, તો પ્રેશર આપોઆપ બોલરો પર આવી જાય છે.
ગુજરાત ટાઇટન્સની ચિંતા વધી
રાજસ્થાન રોયલ્સ માટે સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે ટીમ અત્યારે સુપર ફોર્મમાં જોવા મળી રહી છે. વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. આ ઉપરાંત જોફ્રા આર્ચરની ઘાતક સ્પીડ વિરોધી ટીમો માટે સતત મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. ક્વોલિફાયર-2 ની મેચ પણ મુલ્લાંપુરના આ જ મેદાન પર રમવાની હોવાથી રાજસ્થાન અહીંની પિચ અને પરિસ્થિતિઓથી હવે સંપૂર્ણ વાકેફ થઈ ચૂક્યું છે. ક્રિકેટ ફેન્સ આશા રાખી રહ્યા છે કે શુક્રવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલની ટિકિટ મેળવવા માટે કાંટાની ટક્કર જોવા મળશે.
