સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કાજલે આ વર્ષે ધોરણ-12ની પરીક્ષા એક વર્ષ ડ્રોપ લઈને તનતોડ મહેનત કરી અને તેની મહેનત રંગ લાવી, હોંગકોંગમાં યોજાયેલી સ્પર્ધામાં 4×100 મીટર રિલેમાં ભારતને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવામાં આપ્યું મહત્વપૂર્ણ યોગદાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ અને ભારતીય રિલે ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા
ગાંધીનગર
ગુજરાતની ઉભરતી સ્પ્રિન્ટર કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય, શિસ્ત અને અથાક મહેનતથી સામાન્ય પરિવારમાંથી આવતી પ્રતિભાઓ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર સફળતા હાંસલ કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે રવિવારે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4×100 મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને સિદ્ધિ મેળવી
તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતાં કાજલે ટીમને 45.05 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-20 વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો 45.08 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્સચેન્જની શ્રેષ્ઠતા દર્શાવી હતી.
સામાન્ય ખેડૂતની પુત્રી
કાજલની સિદ્ધિ તેની સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતાં વધુ પ્રેરણાદાયી બની જાય છે. તેના પિતા હીરાભાઈ વાજા જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના ચોરવાડ ગામનાં સામાન્ય ખેડૂત છે અને ખેત મજૂરી કરે છે. આર્થિક પડકારો વચ્ચે પણ કાજલે પોતાની રમતગમત કારકિર્દી પર અડગ ધ્યાન કેન્દ્રીત રાખ્યું અને પોતાના સપનાઓ સાકાર કરવા માટે અનેક ત્યાગ કર્યા.
ધો. 12માં એક વર્ષ ડ્રોપ લઈ સ્પર્ધાની તૈયારી કરી
ટ્રેક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કાજલે ધોરણ-12માં એક વર્ષ ડ્રોપ લઈને તાલીમ અને સ્પર્ધાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેની આ નિષ્ઠા અને મહેનતનું ફળ તેને હવે આંતરરાષ્ટ્રીય મંચ પર મળ્યું છે.
દેશની આશાસ્પદ સ્પિન્ટર
કાજલ વાજાનાં કોચ શિવમ ઉપાધ્યાય કાજલની સફળતાનું શ્રેય તેની અવિરત મહેનત અને શ્રેષ્ઠતા હાંસલ કરવાની તીવ્ર ઇચ્છાને આપે છે. તેમણે જણાવ્યું કે, “કાજલ દેશની સૌથી આશાસ્પદ યુવા સ્પ્રિન્ટર્સમાંની એક છે. તેણે ગુજરાતનું ગૌરવ વધારતાં 100 મીટર, 200 મીટર અને રિલે સ્પર્ધાઓમાં અનેક ચંદ્રકો જીત્યા છે. તેની શિસ્ત, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક માનસિકતા તેને અન્ય ખેલાડીઓથી અલગ બનાવે છે. તે દરેક તાલીમ સત્રમાં સંપૂર્ણ સમર્પણ સાથે ભાગ લે છે અને સતત પોતાના પ્રદર્શનમાં સુધારો કરવા પ્રયત્નશીલ રહે છે.”
કાજલની સિદ્ધિમાં વધુ એખ છોગું ઉમેરાયું
હોંગકોંગમાં જીતેલો રજત ચંદ્રક કાજલની સિદ્ધિઓની યાદીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ અગાઉ તેણે 2025માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 4×100 મીટર રિલેમાં પણ રજત ચંદ્રક જીત્યો હતો. ઉપરાંત, 60 મીટર સ્પર્ધામાં અંડર-20 વર્ગનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તેના નામે છે. આ વર્ષના માર્ચ મહિનામાં ભુવનેશ્વરમાં યોજાયેલી પ્રથમ ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલે 60 મીટર દોડમાં 7.50 સેકન્ડનો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. આ સિદ્ધિએ તેને ભારતની સૌથી પ્રતિભાશાળી યુવા સ્પ્રિન્ટર્સમાં સ્થાન અપાવ્યું છે.
શાળાથી સ્પોર્ટ્સની સફર
કાજલની રમતગમતની સફર ગુજરાત રાજ્યના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના સ્કૂલ પ્રોગ્રામથી શરૂ થઈ હતી. ત્યારબાદ 2019માં તે કોડીનાર સ્થિત જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)માં જોડાઈ, જ્યાં તેની પ્રતિભાને વ્યવસ્થિત રીતે ઘડવામાં આવી. તેની ક્ષમતાને ઓળખીને 2023માં તેની પસંદગી નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર (HPC) માટે કરવામાં આવી હતી, જ્યાં તે હાલમાં અદ્યતન તાલીમ અને માર્ગદર્શન મેળવી રહી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ કાજલની સિદ્ધિ ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે.”
