ગુજરાત સહિત દેશનાં ૨૭ જેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે ૨ હજારથી વધુ ખેલાડીઓ RRU કેમ્પસમાં પોતાનું કૌવત બતાવશે
‘૪થી નેશનલ આર્મરેસલિંગ અને પેરા આર્મરેસલિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નું આજે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ચાર દિવસીય સ્પર્ધામાં ગુજરાત સહિત દેશનાં ૨૭ જેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે બે હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધાનું ઉદ્ઘાટન પીપલ આર્મ રેસલિંગ ફેડરેશન ઈન્ડિયા-PAFIના અધ્યક્ષા પ્રીતિ ઝાંગિયાની અધ્યક્ષતામાં કરાયું હતું.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. બિમલ એન. પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી વૈશ્વિક સ્તરે ભારતના વધી રહેલા રમતગમતના પ્રદર્શન પર આનંદ વ્યક્ત કરીને રમતગમતને રાષ્ટ્રીય વિકાસનો એક મજબૂત સ્તંભ ગણાવ્યો હતો.
અભિનેતા સુનીલ શેટ્ટીએ તેમના વિડીયો સંદેશ દ્વારા દેશભરના યુવાનોને રમતગમતમાં સક્રિયપણે ભાગ લેવા અને આવા રાષ્ટ્રીય પ્લેટફોર્મનો ભાગ બનવા માટે પ્રેરિત કર્યા હતા.
