અમદાવાદ મેડિસિટીમાં રૂ. 295 કરોડના ખર્ચે બનશે વિશ્વ કક્ષાનું સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર

Spread the love

2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખી ગુજરાત બનશે સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પાઇન કેરનું ગ્લોબલ હબ

ગાંધીનગર

ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વાકાંક્ષી અને દૂરંદેશી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજિત રૂ. 295 કરોડના ખર્ચે વિશ્વ કક્ષાનું સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર સ્થાપવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.

વૈશ્વિક રમતગમત ઇવેન્ટ્સ માટે ગુજરાતની તૈયારી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ 2036ની ઓલિમ્પિક ગેમ્સ માટે ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા તૈયાર થઈ રહ્યું છે. રમતવીરોને રાજ્યમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર અને પુનર્વસન સુવિધાઓ મળી રહે તે માટે આ વિશેષ સંકુલ મહત્વપૂર્ણ સાબિત થશે.

આધુનિક સારવાર અને સંશોધનનું કેન્દ્ર

પ્રસ્તાવિત સંકુલમાં સ્પાઇન રોગો અને રમતગમત સંબંધિત ઇજાઓના નિદાન, સારવાર અને પુનર્વસન માટેની તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં જટિલ સ્પાઇન સર્જરી માટેનું આધુનિક સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, રમતવીરો માટે વિશેષ સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર તેમજ વિશ્વ કક્ષાનું રિહેબિલિટેશન સેન્ટર સામેલ હશે.

નિષ્ણાત માનવબળ તૈયાર કરાશે

મંત્રીએ જણાવ્યું હતું કે આ સંકુલમાં સુપર-સ્પેશિયાલિસ્ટ તબીબો અને નિષ્ણાતો તૈયાર કરવા માટે આધુનિક શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ કોલેજોની સ્થાપના કરવામાં આવશે. ઉપરાંત સ્પાઇન અને સ્પોર્ટ્સ મેડિસિન ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું સંશોધન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ પણ વિકસાવવામાં આવશે.

ગુજરાત બનશે સ્પોર્ટ્સ મેડિસિનનું કેન્દ્ર

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે સરકારનું લક્ષ્ય માત્ર સારવાર પૂરું પાડવાનું નથી, પરંતુ ગુજરાતને સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પાઇન કેર ક્ષેત્રે વૈશ્વિક હબ તરીકે વિકસાવવાનું છે. તેમણે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં સ્પાઇન સર્જરીમાં એકપણ ઇન્ફેક્શનનો કેસ નોંધાયો નથી તે બદલ તબીબો અને આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના

બેઠક દરમિયાન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ PIU અને આરોગ્ય વિભાગના અધિકારીઓને સમયમર્યાદા નક્કી કરીને ગુણવત્તાયુક્ત અને ઝડપી કામગીરી સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ મેડિસિટી દેશના અગ્રણી સ્પાઇન અને સ્પોર્ટ્સ મેડિસિન કેન્દ્રોમાં સ્થાન મેળવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *