અફઘાનિસ્તાન સામેની ટ્રાઈ-સિરીઝ મેચમાં થર્ડ અમ્પાયરના નિર્ણયથી સર્જાયો તણાવ, વૈભવ 38 રન બનાવી આઉટ
નવી દિલ્હી
ઇન્ડિયા એ અને અફઘાનિસ્તાન એ વચ્ચે રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીની મહત્વપૂર્ણ મેચ દરમિયાન ભારતીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. મેચની શરૂઆતમાં જ કેચના વિવાદાસ્પદ નિર્ણયને કારણે મેદાન પર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. થર્ડ અમ્પાયરે અફઘાનિસ્તાનના ફિલ્ડર દ્વારા લેવામાં આવેલા કેચને નકારતા અફઘાન ખેલાડીઓએ મેદાન પર જ વિરોધ નોંધાવ્યો હતો.
બીજી ઓવરમાં જ સર્જાયો વિવાદ
ભારતીય ઇનિંગની બીજી ઓવરમાં અફઘાનિસ્તાનના બોલર શમ્સ ઉર રહેમાનના દડા પર વૈભવ સૂર્યવંશીએ પોઈન્ટ તરફ હવામાં શોટ રમ્યો હતો. ત્યાં ઉભેલા અફઘાન ફિલ્ડર ફરીદૂને શાનદાર ડાઇવ લગાવીને એક હાથે કેચ ઝડપી લીધો હતો. મેદાન પર હાજર ખેલાડીઓ અને દર્શકોને આ ક્લીન કેચ લાગ્યો હતો, પરંતુ મેદાની અમ્પાયરોએ નિર્ણયની ખાતરી કરવા માટે મામલો થર્ડ અમ્પાયરને સોંપ્યો હતો.
થર્ડ અમ્પાયરના નિર્ણયથી ખેલાડીઓ નારાજ
રીપ્લે દરમિયાન એક એંગલમાં એવું જોવા મળ્યું હતું કે ફિલ્ડર જમીન પર પડતી વખતે બોલનો એક ભાગ ઘાસને સ્પર્શી રહ્યો હતો. આ આધારે થર્ડ અમ્પાયરે વૈભવને ‘નોટ આઉટ’ જાહેર કર્યો હતો. આ નિર્ણય બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ મેદાન પર જ અસંતોષ વ્યક્ત કર્યો હતો અને અમ્પાયરો સાથે ચર્ચા કરી હતી. આ ઘટનાએ મેચમાં થોડા સમય માટે તણાવનું વાતાવરણ સર્જ્યું હતું.
અગાઉની મેચમાં પણ થયો હતો વિવાદ
વૈભવ સૂર્યવંશી માટે આ પ્રકારનો વિવાદ નવો નથી. આ જ ત્રિકોણીય શ્રેણીમાં શ્રીલંકા એ સામે રમાયેલી અગાઉની મેચ દરમિયાન પણ તે વિરોધી ખેલાડીઓ સાથે થયેલી બોલાચાલીને કારણે ચર્ચામાં આવ્યો હતો. સતત બીજી મેચમાં તેના નામ સાથે વિવાદ જોડાતા ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
જીવનદાન છતાં મોટી ઇનિંગ રમી શક્યો નહીં
વિવાદાસ્પદ નિર્ણયથી જીવનદાન મળ્યા બાદ વૈભવ સૂર્યવંશી મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 38 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેની બેટિંગ અપેક્ષા મુજબ રહી નથી. બીજી તરફ, કેચના આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર પણ ક્રિકેટ ચાહકો વચ્ચે ઉગ્ર ચર્ચા શરૂ થઈ છે અને નિર્ણય યોગ્ય હતો કે નહીં તે મુદ્દે મતભેદ જોવા મળી રહ્યા છે.
