WWE રિંગમાં ઓવેન હાર્ટનું દર્દનાક મોત: ૧૬,૦૦૦ દર્શકોની નજર સામે સર્જાયો ભયાનક અકસ્માત
કેન્સાસ
WWE ભલે એક સ્ક્રિપ્ટેડ મનોરંજન હોય, પરંતુ તેમાં રેસલર્સને જીવનું મોટું જોખમ રહેલું હોય છે. દર્શકોના મનોરંજન માટે રેસલર્સ ઘણીવાર પોતાના પ્રાણ દાવ પર લગાવી દે છે, પરંતુ જ્યારે આ સ્ટંટ જીવલેણ સાબિત થાય ત્યારે તે ઇતિહાસનું સૌથી કાળું પાનું બની જાય છે. ૨૩ મે ૧૯૯૯ના રોજ મિસોરીના કેન્સાસ સિટીમાં ‘ઓવર ધ એજ’ પે-પર-વ્યૂ ઇવેન્ટ દરમિયાન રેસલિંગ જગતનો સૌથી મોટો અને દર્દનાક અકસ્માત થયો હતો. કેનેડા-અમેરિકાના પ્રખ્યાત રેસલર ઓવેન હાર્ટ કેમ્પર એરિનાની છત પરથી ૭૮ ફૂટની ઊંચાઈથી સીધા રિંગમાં પડ્યા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ દુખદ અવસાન થયું હતું. તે સમયે ઓવેન તેમના પેરોડી સુપરહીરો પાત્ર ‘ધ બ્લુ બ્લેઝર’ના રૂપમાં હતા અને ‘ધ ગોડફાધર’ સામેના ઇન્ટરકોન્ટિનેન્ટલ ટાઇટલ મેચ માટે એન્ટ્રી કરી રહ્યા હતા.
આયોજન અને અકસ્માત: એક મજાક કેવી રીતે બની ગઈ જીવલેણ?
પ્લાન મુજબ ઓવેનને સેફ્ટી હાર્નેસ (સુરક્ષા બેલ્ટ)ના સહારે ધીમે-ધીમે નીચે ઉતારવાના હતા. રિંગની ઉપર પહોંચીને તેમણે બેલ્ટમાં ફસાઈ જવાનું નાટક કરવાનું હતું અને પછી ક્વિક-રિલીઝ મિકેનિઝમ દબાવીને નીચે પડવાનું હતું જેથી દર્શકો હસી શકે. ઓવેનની પત્ની માર્થાના જણાવ્યા અનુસાર, બેલ્ટમાં આરામથી બેસવાનો પ્રયાસ કરતી વખતે ઓવેનથી અજાણતાં જ ક્વિક-રિલીઝ ટ્રિગર દબાઈ ગયું, જેના કારણે તેઓ ૭૮ ફૂટની ઊંચાઈથી ૧૬,૦૦٠ દર્શકોની હાજરીમાં સીધા નીચે પટકાયા. મેડિકલ રિપોર્ટ અનુસાર, ઊંચાઈ પરથી પડવાને કારણે ઓવેનના હૃદયની નસો ફાટી ગઈ હતી, જેનાથી ઇન્ટરનલ બ્લીડિંગ (આંતરિક રક્તસ્ત્રાવ) થવાથી હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હતું.
ટીવી પર કેમ ન દેખાઈ આ ભયાનક દુર્ઘટના?
જ્યારે આ અકસ્માત થયો, ત્યારે ટીવી બ્રોડકાસ્ટ પર એક પ્રી-ટેપ્ડ વીડિયો બતાવવામાં આવી રહ્યો હતો અને એરિનામાં અંધારું હતું. આ કારણોસર પડવાનું દ્રશ્ય લાઈવ ટીવી પર દેખાયું નહોતું. પરંતુ જેવી એરિનાની લાઇટ્સ ચાલુ થઈ, ત્યારે દર્શકો અને ડોક્ટરોએ ઓવેનને રિંગમાં તડપતા જોયા. કોમેન્ટેટર જિમ રોસે વારંવાર ટીવી દર્શકોને જણાવ્યું કે આ કોઈ રેસલિંગ સ્ટોરીલાઇન કે ડ્રામા નથી, પરંતુ ઓવેન ખરેખર ગંભીર રીતે ઘાયલ થયા છે.
વિવાદ અને ૧૮ મિલિયન ડોલરનું સેટલમેન્ટ
ઓવેનના મોતના સત્તાવાર એલાન પછી પણ WWE અને તેના માલિક વિન્સ મેકમહેને શો ચાલુ રાખ્યો હતો, જેની દુનિયાભરમાં ભારે ટીકા થઈ હતી. ઓવેનના પરિવારે WWE સામે કેસ દાખલ કર્યો. નવેમ્બર ૨૦૦૦માં દોઢ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ WWE એ ઓવેનના પરિવારને ૧૮ મિલિયન ડોલરનું વળતર ચૂકવવું પડ્યું. ઓવેનની પત્ની માર્થાએ આ રકમનો ઉપયોગ ‘ઓવેન હાર્ટ ફાઉન્ડેશન’ની સ્થાપના માટે કર્યો. બાદમાં WWE એ સેફ્ટી બેલ્ટ બનાવતી બ્રિટિશ કંપની ‘લેવમાર’ પર પણ કેસ કરીને તેમની પાસેથી ૯ મિલિયન ડોલરનું વળતર વસૂલ્યું હતું.
