સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 ગૌરવશાળી વર્ષ તથા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વિશાળ આયોજન

ગાંધીનગર:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના 12 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત GIFT City ખાતે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરમાં અંદાજે 5,000થી વધુ યોગ સાધકો, યુવાનો, મહિલાઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નવા ભારતના વિકાસના પ્રતિક સમાન GIFT Cityમાં યોગનો મહાસંગમ
ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ટેક્નોલોજી હબ તરીકે ઓળખાતું GIFT City આજે આધુનિક ભારતની પ્રગતિ, વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને વિશ્વસ્તરીય વિકાસનું પ્રતિક બની રહ્યું છે. આધુનિક માળખાગત સુવિધાઓ અને ભારતીય સંસ્કૃતિના સમન્વય વચ્ચે યોજાયેલી આ યોગ શિબિરે યોગ અને વિકાસ વચ્ચેના સંબંધને વધુ ઉજાગર કર્યો હતો.
“Yoga for Healthy Aging”નો સંદેશ
આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “Yoga for Healthy Aging”ને કેન્દ્રમાં રાખીને આયોજિત કાર્યક્રમમાં યોગ દ્વારા સ્વસ્થ, સક્રિય અને સંતુલિત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત યોગાચાર્યોએ જણાવ્યું હતું કે યોગ માત્ર કસરત નહીં પરંતુ શરીર, મન અને આત્માના સમન્વયની સંપૂર્ણ જીવનપદ્ધતિ છે, જે વ્યક્તિને લાંબા સમય સુધી નિરોગી અને કાર્યક્ષમ રાખવામાં મદદરૂપ બને છે.
વિદેશી કર્મચારીઓની ભાગીદારી બની આકર્ષણનું કેન્દ્ર
કાર્યક્રમની વિશેષતા એ રહી કે GIFT Cityમાં કાર્યરત વિવિધ દેશોના વિદેશી પ્રોફેશનલ કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. તેમની ઉપસ્થિતિએ યોગની વૈશ્વિક લોકપ્રિયતા અને ભારત દ્વારા વિશ્વને અપાયેલા આ અમૂલ્ય વારસાની સ્વીકૃતિને વધુ મજબૂત બનાવી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિ
કાર્યક્રમમાં સંજય કૌલ, બ્રીજેશ મેરજા, પ્રીતિ પટેલ, બ્રિગેડિયર ઉપેશ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત લોકપ્રિય ટીવી શો Taarak Mehta Ka Ooltah Chashmahમાં સુંદરલાલના પાત્રથી જાણીતા મયુર વાકાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
“સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત”નો સંકલ્પ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં વિવિધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન દ્વારા યોગને જનજન સુધી પહોંચાડીને “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉપસ્થિત મહાનુભાવોએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી તંદુરસ્ત અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે સૌને પ્રેરિત કર્યા હતા.
