ઝારખંડમાંથી ફરી અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી, ગ્રામીણ વિકાસ અને કૌશલ્યવર્ધનને આપશે પ્રાથમિકતા
રાંચી
પરિમલ નથવાણી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરતાં ઐતિહાસિક ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો વચ્ચે થયેલી ચૂંટણીમાં નથવાણીએ વિજય મેળવી ફરી એકવાર સંસદના ઉચ્ચ ગૃહમાં સ્થાન મેળવ્યું છે. અગાઉ વર્ષ 2008થી 2020 દરમિયાન તેઓ ઝારખંડમાંથી અપક્ષ સાંસદ તરીકે સતત બે કાર્યકાળ સુધી સેવા આપી ચૂક્યા છે અને રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ તરીકે પણ ઓળખ ધરાવે છે.
ઝારખંડને ગણાવી પોતાની ‘કર્મભૂમિ’
વર્ષ 2020માં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યા બાદ પરિમલ નથવાણીની ઝારખંડમાં વાપસી રાજકીય અને વિકાસલક્ષી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પોતાના વિજય બાદ તેમણે ઝારખંડને પોતાની ‘કર્મભૂમિ’ ગણાવી રાજ્યના લોકોની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં કૌશલ્ય વિકાસ, કુટીર ઉદ્યોગોના પુનર્જીવન, રોજગારી સર્જન, આરોગ્યસંભાળ અને શિક્ષણના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ભાજપ અને NDAના નેતાઓનો માન્યો આભાર
વિજય બાદ નથવાણીએ નરેન્દ્ર મોદી, અમિત શાહ, નીતિન નબીન, આદિત્ય સાહુ તથા બાબુલાલ મરાંડી સહિત ભાજપ અને NDAના તમામ ધારાસભ્યોનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
વિકાસલક્ષી કાર્યોની સમૃદ્ધ પરંપરા
પોતાની અગાઉની ટર્મ દરમિયાન નથવાણીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગ્રામીણ વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમણે બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગ જેવી ગ્રામ પંચાયતોમાં રસ્તા, પીવાના પાણી, સૌર ઊર્જા, શિક્ષણ અને આરોગ્ય સંબંધિત અનેક પ્રોજેક્ટ અમલમાં મૂક્યા હતા.
તેમણે પોતાના સાંસદ ભંડોળ ઉપરાંત વ્યક્તિગત ભંડોળમાંથી પણ વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાનું યોગદાન આપ્યું હતું. ખાસ કરીને Indian Institute of Management Ranchi માટે અત્યાધુનિક સેમિનાર હોલના નિર્માણ માટે રૂ. 15 કરોડનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.
સંસદમાં ઝારખંડનો બુલંદ અવાજ
પરિમલ નથવાણી સંસદમાં ઝારખંડના હિતોને મજબૂત રીતે રજૂ કરનારા પ્રતિનિધિ તરીકે જાણીતા રહ્યા છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્યસભામાં ઝારખંડના વિકાસ સાથે જોડાયેલા 1,200થી વધુ પ્રશ્નો ઉઠાવી ગ્રામીણ વિકાસ, કુપોષણ, માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્વના મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તરે પ્રાથમિકતા અપાવી હતી.
ઝારખંડમાંથી તેમની ફરી પસંદગી થતાં રાજ્યને વિકાસલક્ષી દ્રષ્ટિકોણ ધરાવતો અને કેન્દ્ર તેમજ કોર્પોરેટ ક્ષેત્ર સાથે સંકલન સાધી શકે એવો અનુભવી અવાજ ફરીથી મળ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.
