પ્રોવિઝનલ આન્સર કીમાં ફિઝિક્સનો એક પ્રશ્ન ડ્રોપ, 28 જૂન સુધી આન્સર કીને ઉમેદવારો પડકારી શકશે

એસવીએન. નવી દિલ્હી:
નીટ યુજી 2026ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થતાં દેશભરના આશરે 20 લાખ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ફિઝિક્સ વિષયનો એક પ્રશ્ન રદ (ડ્રોપ) કર્યો છે. પરિણામે પરીક્ષામાં સામેલ થયેલા તમામ ઉમેદવારોને તે પ્રશ્ન માટે 4 બોનસ ગુણ આપવામાં આવશે, ભલે તેમણે તે પ્રશ્નનો જવાબ આપ્યો હોય કે ન આપ્યો હોય. સાથે જ ઉમેદવારોને 28 જૂન સુધી પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધો નોંધાવવાની તક પણ આપવામાં આવી છે.
એક પ્રશ્ન ડ્રોપ, તમામ ઉમેદવારોને મળશે 4 ગુણ
NTA દ્વારા જાહેર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કીમાં ફિઝિક્સનો એક પ્રશ્ન સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. નીટ યુજીની પરીક્ષા સમગ્ર દેશમાં એક જ શિફ્ટમાં લેવામાં આવી હોવાથી તમામ આશરે 20 લાખ ઉમેદવારોને આ પ્રશ્ન માટે સંપૂર્ણ 4 ગુણ આપવામાં આવશે. અંતિમ પરિણામ પહેલાં જ ઉમેદવારોના ખાતામાં આ ચાર ગુણ નિશ્ચિત થઈ ગયા છે.
ફિઝિક્સના અન્ય એક પ્રશ્નના બે જવાબ માન્ય
ફિઝિક્સના અન્ય એક પ્રશ્નમાં બે વિકલ્પોને સાચા જવાબ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. જેમણે આ બેમાંથી કોઈપણ યોગ્ય વિકલ્પ પસંદ કર્યો હશે તેમને પણ સંપૂર્ણ 4 ગુણ મળશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અને વર્નિયર કેલિપર્સ સંબંધિત પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓએ વાંધા ઉઠાવ્યા હતા, જેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
28 જૂન સુધી આન્સર કીને ચેલેન્જ કરી શકાશે
NTAએ ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધો નોંધાવવાની તક આપી છે. જો કોઈ ઉમેદવારને લાગે કે કોઈ પ્રશ્નનો જવાબ ખોટો દર્શાવવામાં આવ્યો છે તો તે 28 જૂન સુધી ઓનલાઈન ચેલેન્જ કરી શકે છે. દરેક પ્રશ્ન માટે 200 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો નિષ્ણાતોની તપાસ બાદ વાંધો યોગ્ય સાબિત થશે તો સંબંધિત પ્રશ્નમાં સુધારો કરવામાં આવશે અથવા પ્રશ્ન રદ કરવામાં આવશે અને ઉમેદવારની ફી પરત કરવામાં આવશે.
ફાઇનલ આન્સર કીમાં થઈ શકે વધુ ફેરફાર
વિદ્યાર્થીઓ અને વિષય નિષ્ણાતોના મતે ફિઝિક્સ ઉપરાંત કેમિસ્ટ્રી અને બાયોલોજીના કેટલાક પ્રશ્નોમાં પણ ભૂલો હોવાની શક્યતા છે. ખાસ કરીને ઝૂલોજીના કેટલાક પ્રશ્નોને લઈને પણ વાંધાઓ સામે આવ્યા છે. હવે NTA તમામ રજૂઆતોની સમીક્ષા કર્યા બાદ અંતિમ આન્સર કી જાહેર કરશે, જેમાં વધુ પ્રશ્નો ડ્રોપ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ડ્રોપ પ્રશ્ન એટલે શું?
પરીક્ષામાં કોઈ પ્રશ્નમાં ટાઇપિંગ ભૂલ, અનુવાદની ગંભીર ક્ષતિ અથવા ખોટા ડેટા જેવી એવી ભૂલ હોય કે જેને સુધારી શકાય નહીં, ત્યારે તે પ્રશ્નને ‘ડ્રોપ’ કરવામાં આવે છે. એવો પ્રશ્ન મૂલ્યાંકનમાંથી દૂર કરવામાં આવે છે અને તે શિફ્ટમાં પરીક્ષા આપનાર દરેક ઉમેદવારને તે પ્રશ્નના સંપૂર્ણ ગુણ આપવામાં આવે છે, ભલે તેમણે જવાબ આપ્યો હોય કે ન આપ્યો હોય.
ફાઇનલ પરિણામ પહેલાં મહત્વપૂર્ણ તબક્કો
પ્રોવિઝનલ આન્સર કી વિદ્યાર્થીઓને પોતાના સંભવિત ગુણનો અંદાજ લગાવવામાં મદદ કરે છે. સાથે જ જો કોઈ પ્રશ્ન અથવા જવાબમાં ખામી હોય તો તેને સુધારવાની તક પણ મળે છે. હવે તમામ વાંધાઓની સમીક્ષા બાદ NTA અંતિમ આન્સર કી જાહેર કરશે, જેના આધારે નીટ યુજી 2026નું અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે આગામી થોડા દિવસો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે અંતિમ આન્સર કીમાં થતા ફેરફારો તેમના મેરિટ અને પ્રવેશની સંભાવનાઓને સીધી અસર કરી શકે છે.
